ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ વખતે મોરબીમાં ક્યા રાજકીય પક્ષના ઉમેદવારની જીત થાય છે તેના પર સૌની નજર હતી અને આશ્ચર્યજનક રીતે મોરબી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાંતિલાલ શિવલાલ અમૃતિયાએ જંગી સરસાઈ સાથે જીત મેળવી છે. ઉલ્લેખનિય છે કે, ઓક્ટોબર મહિનામાં દિવાળીના થોડાક દિવસ બાદ મોરબીમાં મચ્છુ નદી પર બનેલા ઐતિહાસિક કેબલ બ્રિજ તૂટી પડવાની હોનારત સર્જાઇ હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ જીવત ગુમાવ્યો હતો.
કાંતિલાલ અમૃતિયાની મહેનત ફળી, લોકોને બચાવવા નદીમાં કૂદી પડ્યા
મોરબી બેઠક પર જીતનાર ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાને મહેનતનું ફળ મળ્યુ એવુ કહી શકાય છે. મોરબીમાં મચ્છી નદી પર બનેલો કેબલ બ્રિજ તૂટી પડવાની દૂર્ઘટના સર્જાઇ હતી. આ કેબલ બ્રિજ તૂટતા મોટી સંખ્યામાં લોકો મચ્છી નદીમાં પડ્યા હતા. આ કટોકટી સમયે મચ્છુ નદીમાં ડુબી રહેલા લોકોને બચાવવા માટે કાંતિલાલ અમૃતિયા પોતે નદીમાં કૂદી પડ્યા હતા.
ભાજપે મેરજાની ટિકિટ કાપી અમૃતિયાને ઉમેદવાર બનાવ્યા
ભાજપે મોરબીમાં કેબલ બ્રિજની દૂર્ઘટના બાદ ત્યાંના હાલના ભાજપના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ટિકિટ કાપીને કાંતિલાલ અમૃતિયાને ઉમેદવાર બનાવ્યા હતા. અલબત્ત બ્રિજેશ મેરજા ગુજરાત સરકારમાં મંત્રી પણ હતા. આ બેઠક પર ભાજપને લોકોના આક્રોશનો ભોગ બનાવવાનો ડર હતો, આથી તેમણે કેબલ બ્રિજ દૂર્ઘટના વખતે નદીમાં કૂદીને લોકોનો જીવ બચાવનાર ત્યાંના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની ટિકિટ આપી મેદાનમાં ઉતારી સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
મોરબી બેઠકના ભાજપના ઉમેદવાલ કાંતિલાલ અમૃતિયાએ 62,079 માર્જીન મતથી જીત મેળવી છે. મોરબી બેઠકે કોંગ્રેસે જયંતિલાલ જેરાજભાઈ પટેલને અને આપ પાર્ટીએ પંકજ કાંતિલાલ રાણસરિયાને ટિકિટ આપી હતી.

કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીત્યા બાદ મેરજા ભાજપમાં જોડાયા
બ્રિજેશ મેરજાએ કોંગ્રેસની ટિકિટ પર વર્ષ 2017ની ચૂંટણી જીતી હતી, પરંતુ ત્યારબાદ તેઓ ભાજપમાં ગયા હતા. 2020માં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે તેમને ટિકિટ આપી અને મેરજા જીત્યા હતા.
મોરબીને સૌરાષ્ટ્રના પેરીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. લગભગ 5 લાખ લોકોને રોજગાર આપતો આ જિલ્લો ઘડિયાળના મેન્યુફેક્ચરિંગ માટે જાણીતો છે. અહીં એક સમયે જાડેજા વંશનું શાસન હતું.
મોરબીનું સમીકરણ
કચ્છ લોકસભા હેઠળ આવતી મોરબી વિધાનસભા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,86,686 છે. જેમાં 1,48,695 પુરૂષ અને 1,37,988 મહિલા મતદારો છે. મોરબી વિધાનસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. 1980 થી 2020 સુધી યોજાયેલી 10 ચૂંટણીઓમાંથી ભાજપે આઠમાં જીત મેળવી છે. તો કોંગ્રેસ વર્ષ 1980 અને 2017ની ચૂંટણીમાં જ જીતી શકી હતી.
મેરજા ભાજપમાં જોડાયા ત્યારબાદ વર્ષ 2020માં યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક ગુમાવી હતી. ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર આપ પાર્ટીની એન્ટ્રી થતાં અહીંયા ત્રિકોણીય મુકાબલો થવાની શક્યતા હતી.
મોરબીની ઘટના બાદ અરવિંદ કેજરીવાલે ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ભાજપે અમૃતિયા પર દાવ લગાવ્યો હતો. અમૃતિયા અહીંથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમને ભાજપના ખાટી નેતા માનવામાં આવે છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના મુખ્ય સમાચાર ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામઃ મુખ્યમંત્રી અને રાજ્ય ગૃહમંત્રી ઐતિહાસિક માર્જીન સાથે જીત્યા હિમાચલમાં કોંગ્રેસની બનશે સરકાર, મુખ્યમંત્રી જયરામ ઠાકુરે હાર સ્વીકારી
તેઓ કાનાભાઈ તરીકે પણ ઓળખાય છે. પરંતુ જ્યારે પાટીદાર આંદોલન દરમિયાન હાર્દિક પટેલે બ્યુગલ ફૂંક્યું ત્યારે અમૃતિયા પર સૌથી વધારે પ્રહાર કરવામાં આવ્યા હતા.. મોરબીને પાટીદાર સમજાનું પ્રભુત્વ ધરાવતી બેઠક ગણાવામાં આવે છે. જો કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે પાટીદાર આંદોલન અવરોધ ન બન્યું કારણ કે પાટીદાર નેતા હાર્દિક પોતે ભાજપમાં જોડાઇને વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા .