scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણી: નારાજગીની આહટ! ભાજપાએ માછીમારોને ડીઝલની ખરીદી પર આપી રાહત, 9 બેઠકો પર માછીમાર સમાજનું પ્રભુત્વ

Gujarat Assembly elections: ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીકને ત્યારે ભાજપા (BJP) સરકારે માછીમારો (fishermen) ને ખુશ કરતી જાહેરાત કરી છે. માછીમારોને ડીઝલ (diesel quota) અને કેરોસિનનો ક્વોટા (subsidy) વધારવાનો નિર્ણય લીધો

ગુજરાત વિધાનસભા ચૂંટણી: નારાજગીની આહટ! ભાજપાએ માછીમારોને ડીઝલની ખરીદી પર આપી રાહત, 9 બેઠકો પર માછીમાર સમાજનું પ્રભુત્વ
ગુજરાતના માછીમારોને ડીઝલ ક્વોટામાં રાહત

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે. આ દરમિયાન સત્તા પક્ષ ભાજપે માછીમારો માટે ડીઝલ અને કેરોસીનનો ક્વોટા વધારવાની જાહેરાત કરી છે. રાજ્યની નવ બેઠકો પર માછીમાર સમુદાયનું વર્ચસ્વ છે. આવી સ્થિતિમાં ભાજપ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે આ સમુદાય પાર્ટીથી દૂર ન જાય.

અગાઉ માછીમારો માત્ર ગુજરાત ફિશરીઝ સેન્ટ્રલ કોઓપરેટિવ એસોસિયેશન અથવા તેની સહયોગી સહકારી મંડળીઓ દ્વારા સંચાલિત પેટ્રોલ પંપ પરથી જ ઈંધણ ખરીદી શકતા હતા, પરંતુ હવે તેઓ સરકાર દ્વારા માન્ય કોઈપણ પેટ્રોલ પંપ પરથી સબસિડીવાળું ડીઝલ ખરીદી શકશે.

કેરોસીનના કિસ્સામાં ઓન-બોર્ડ મોટર બોટ માટે પ્રતિ લીટર સબસીડી રૂ.25 થી વધારીને રૂ.50 કરવામાં આવી છે. સરકારે એવી પણ જાહેરાત કરી છે કે, પેટ્રોલથી ચાલતી બોટને પણ કેરોસીન સબસિડી યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

માછીમાર સમુદાયના નેતા અને ભાજપના પૂર્વ રાજ્યસભા સાંસદ ચુન્ની ગોહિલે કહ્યું છે કે, “આ ખૂબ જ સારી જાહેરાત છે. માછીમારોએ લાંબા સમયથી પડતર માંગણીઓને કારણે ભાજપથી દૂર જવાનું શરૂ કર્યું હતું અને વિચાર્યું હતું કે તેઓને પાર્ટીમાંથી તેમનો હક ક્યારેય નહીં મળે.

ગોહિલે કહ્યું કે, આ પગલાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવો જોઈએ, જેઓ હંમેશા ગુજરાતના માછીમારોના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ રહ્યા છે. ગોહિલ માછીમાર સમુદાયમાંથી એકમાત્ર વ્યક્તિ છે જેઓ ધારાસભ્ય અને સાંસદ તરીકે ચૂંટાયા છે (અનુક્રમે 1998 અને 2014માં).

ઓલ ઈન્ડિયા ફિશરમેન એસોસિએશનના પ્રમુખ અને ભાજપના નેતા વેલજી મસાણીએ આ જાહેરાતનું સ્વાગત કર્યું છે, પરંતુ તેને અપૂરતી ગણાવી છે. મસાણી કહે છે કે ડીઝલનો ક્વોટા માછીમારોની માંગ કરતા ઘણો ઓછો છે અને પ્રોડક્ટ સબસિડીની માંગ હજુ સંતોષાઈ નથી.

1600 કિમીના દરિયાકાંઠા સાથે, ગુજરાત ભારતનું મુખ્ય દરિયાઈ માછલીનું ઉત્પાદન કરતું રાજ્ય છે. 2019-20માં માછલીના રાષ્ટ્રીય ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન 7.01% હતું. રાજ્યમાં લગભગ 29,000 નોંધાયેલ માછીમારી બોટ છે, જેમાંથી લગભગ 20,000 સક્રિય છે. મત્સ્ય ઉદ્યોગ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લગભગ 1.5 કરોડ લોકોને રોજગારી આપે છે.

મસાણી સમજાવે છે કે, ખારવાસ, મોહીલા કોળી, મચીઆરા મુસ્લિમ, ભીલ, ટંડેલ, માચીસ, કહાર, વાઘેર અને ખલાસીઓ સહિત લગભગ 18 જાતિના જૂથો પરંપરાગત માછીમારો છે. તેઓ પોરબંદર વિધાનસભા મતવિસ્તારમાં મતદારોનો બીજો સૌથી મોટો સમૂહ છે. તેમજ સોમનાથ બેઠક પર પરિણામને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે.

પોરબંદર, વેરાવળ અને સોમનાથ ઉપરાંત દ્વારકા, માંગરોળ, રાજુલા, માંડવી (કચ્છ), કોડીનાર, ઉના વગેરે જેવા મતવિસ્તારોમાં મતદારોનો મોટો વર્ગ માછીમારોનો પણ છે.

પોરબંદરમાં માછીમારોની એક સમિતિ છે જેનું નામ ‘ખારવા ચિંતન સમિતિ’ છે. આ સમિતિના અધ્યક્ષ જીવન જંગી સમગ્ર મામલાને અલગ રીતે જુએ છે. તેઓ કહે છે કે કોઈપણ પેટ્રોલ પંપ પરથી ડીઝલ ખરીદવાની છૂટ આપવાનો નિર્ણય વાસ્તવમાં વિપરીત અસર કરશે, કારણ કે તે માછીમારો દ્વારા ચલાવવામાં આવતી સહકારી સંસ્થાઓનો વિનાશ કરશે. તાજેતરમાં કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયેલા અને પોરબંદરથી ચૂંટણી લડી રહેલા જંગીએ કહ્યું છે કે, “આ નીતિ સહકારી સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતા પેટ્રોલ પંપોને બંધ કરવા અને માછીમાર સંગઠનોને નષ્ટ કરવા મજબૂર કરશે.”

જંગીએ કહ્યું છે કે AAP ટૂંક સમયમાં માછીમાર સમુદાય માટે ચૂંટણી વચનો સાથે સામે આવશે, જેમાં AAP કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેર કરાયેલ ગેરંટી કાર્ડ યોજનાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોગુજરાત, હિમાચલ વિધાનસભા ચૂંટણી 2022 : રોજગારીનો મામલો ગરમ, એવા સમયે પીએમ મોદીએ આપ્યા નિમણૂક પત્રો

બીજી તરફ ગોહિલે કહ્યું છે કે, “સમુદાય દ્રઢપણે માને છે કે, વિધાનસભામાં તેમનું અને તેમના મુદ્દાઓનું પ્રતિનિધિત્વ કરવા માટે કોઈ તેમનું પોતાનું હોવું જોઈએ.”

Web Title: Gujarat assembly elections effect bjp announced fishermen increase quota subsidy diesel kerosene

Best of Express