અવિનાશ નાયર : ગુજરાત વિધાનસભામાં મંગળવાર (7 માર્ચ, 2023)ના રોજ BBC વિરુદ્ધ ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિપુલ પટેલે ગુજરાત રમખાણોની હકીકતો સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો છે. બીબીસી ડોક્યુમેન્ટરી સામેના પ્રસ્તાવ પર હવે શુક્રવારે (10 માર્ચ, 2023) ચર્ચા કરવામાં આવશે. વિપુલ પટેલે બીબીસીની ડોક્યુમેન્ટરીને બનાવટી ગણાવી કડક કાર્યવાહીની માંગ કરી છે. પટેલે બીબીસી પર 2002ના ગોધરા રમખાણો માટે તત્કાલિન રાજ્ય સરકારને દોષી ઠેરવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. દરખાસ્ત મુજબ, બીબીસી ડોક્યુમેન્ટરીએ ભારતની વૈશ્વિક છબીને ખરાબ કરવાનો નિમ્ન સ્તરનો પ્રયાસ છે.
મંગળવારે વિધાનસભા સચિવાલય દ્વારા શેર કરાયેલા ઠરાવ અનુસાર, “ભારત એક લોકશાહી દેશ છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતા તેના બંધારણના મૂળમાં છે, પરંતુ તેનો અર્થ એ નથી કે મીડિયા સંસ્થા આવી સ્વતંત્રતાનો દુરુપયોગ કરી શકે છે.” બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ બે ભાગમાં છે, જે 2002ના ગુજરાત રમખાણો સાથે સંબંધિત કેટલાક પાસાઓની તપાસ પર આધારિત હોવાનો દાવો કરે છે. ગુજરાત રમખાણો સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા.
ભારતીય જનતા પાર્ટી (BJP) ના ધારાસભ્ય વિપુલ પટેલ ગુજરાત વિધાનસભામાં 2002 ના ગુજરાત રમખાણો પર “બનાવટી” ડોક્યુમેન્ટરી ચલાવવા બદલ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) સામે “કડક પગલાં” ની માંગણી કરવા માટે એક ઠરાવ લાવવાની તૈયારીમાં છે. પટેલ, આણંદ જિલ્લાના સોજિત્રા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય, 10 માર્ચે ગૃહની બીજી બેઠકમાં “ખાનગી સભ્યની દરખાસ્ત” રજૂ કરે તેવી અપેક્ષા છે.
પટેલે ફોન પર ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતુ કે, “હા, હું તેના વિશે બે દિવસમાં ગૃહના ફ્લોર પર વાત કરીશ, હું કોઈની વિરુદ્ધ નથી. પણ હું મારા સિદ્ધાંતોને વળગી રહું છું. હું આ સમયે વધુ શેર કરવા સક્ષમ નથી.”
10 માર્ચે રજૂ કરવામાં આવનાર ઠરાવ (ગુજરાત એસેમ્બલી દ્વારા જાહેર કરાયેલા દિવસના કામકાજ મુજબ) જણાવે છે કે, ગુજરાત વિધાનસભાએ “ભારત સરકારને બનાવટી BBC ડોક્યુમેન્ટરી સામે કડક પગલાં લેવા વિનંતી કરવી જોઈએ”. તેઓ જણાવે છે કે “BBC ભારત સરકાર અને દેશ વિરુદ્ધ છુપાયેલા એજન્ડા સાથે કામ કરી રહ્યું છે”.
ઠરાવની શરૂઆત એમ કહીને થાય છે કે, 2002ની ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના અને તે પછીના કોમી રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રી રાજ્ય સરકારને “દોષિત” કરવાનો પ્રયાસ છે.
તેમાં જણાવાયું હતું કે, ગુજરાત સરકારે બે સભ્યોનું નાણાવટી-શાહ કમિશન (જસ્ટિસ જી.ટી. નાણાવટી અને કે.જી. શાહ સમાવિષ્ટ) નીમ્યું હતું, જેણે તત્કાલિન મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓના વર્તનને કમિશનના દાયરામાં લાવીને “ઇતિહાસ રચ્યો” હતો. વિગતવાર તપાસ પછી, પંચે તારણ કાઢ્યું હતું કે, 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસને સળગાવવાની ઘટના એ “પૂર્વયોજિત કાવતરું” હતું અને તે પછી થયેલા કોમી રમખાણો “સ્વયંસ્ફુરિત” હતા.
ઠરાવમાં નિર્દેશ કરવામાં આવ્યો હતો કે, ગુજરાત વિધાનસભામાં કમિશનના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે તેને રાજ્ય સરકાર અથવા કોઈપણ ધાર્મિક અથવા રાજકીય સંગઠને કોમી રમખાણોમાં ભૂમિકા ભજવી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. તેમાં ઉમેર્યું હતું કે, સુપ્રિમ કોર્ટે પણ રાજ્ય સરકારની કોઈપણ સંડોવણી અથવા નિષ્ક્રિયતા (હુલ્લડોમાં)નો ભારપૂર્વક ઇનકાર કર્યો હતો.
તાજેતરમાં પ્રકાશિત થયેલ બીબીસી ડોક્યુમેન્ટરી એ ભારતના તત્કાલિન મુખ્ય પ્રધાન અને વર્તમાન વડા પ્રધાનની છબી અને લોકપ્રિયતાને કલંકિત કરવાનો પ્રયાસ છે. આ ડોક્યુમેન્ટરી ઘટનાના 20 વર્ષ પછી આવી છે અને તે પીએમ મોદી વિરુદ્ધના “એજન્ડા” સિવાય બીજું કંઈ નથી, તેમની પ્રતિષ્ઠા અને નેતૃત્વ આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાય છે. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી અને સરકારી અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. અગાઉના પ્રયાસો નિષ્ફળ ગયા હતા. અદાલતો તે એમ પણ જણાવે છે કે, મીડિયા સંસ્થાઓ ભારતમાં અસ્તિત્વમાં રહેલી “સ્વતંત્રતા” નો દુરુપયોગ કરી શકે નહીં.
તમને જણાવી દઈએ કે, બીબીસીની બે ભાગની ડોક્યુમેન્ટ્રી પર ભારત સરકારે પ્રતિબંધ મૂક્યો છે.