ગુજરાત વિધાનસભામાં નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ 24 ફેબ્રુઆરી, 2023ના રોજ નાણાંકીય વર્ષ 2023-24 માટે અંદાજપત્ર રજૂ કર્યું હતું. ગુજરાતના આ અંદાજપત્રમાં વર્ષ 2023-24 માટે વિક્રમી 3,01,022 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતનું બજેટ ભલે વિક્રમી હોય તેમ છતાં ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીઓના બજાર મૂલ્યમાં તાજેતરમાં થયેલા ધોવાણની તુલનાએ ચોથા ભાગનું છે.
ગુજરાતના બજેટનું કદ 23 ટકા વધ્યું
નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ વર્ષ 2022-23 માટે વિક્રમી 3,01,022 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કર્યું છે, જે વર્ષ 2022-23ના બજેટનું કુલ કદ 2,43,964 કરોડ રૂપિયા હતું. આમ વાર્ષિક તુલનાએ આગામી વર્ષ માટેના બજેટના કદમાં 23 ટકાનો વધારો થયો છે.
ગુજરાતનું બજેટ અદાણીની માર્કેટકેપમાં થયેલા ધોવાણના 25 ટકા જેટલું
ગુજરાતના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ ગુજરાતનું વર્ષ 2023-24 માટે ભલે 3.01 લાખ કરોડનું વિક્રમી બજેટ જાહેર કર્યું હોય પરંતુ તે અદાણી ગ્રૂપની કંપનીઓમાં રોકાણકારોને તાજેતરમાં થયેલા નુકસાનના ચોથા ભાગ જેટલું છે.
હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં તાજેતરમાં 80 ટકા સુધીનો જંગી કડાકો બોલાયો છે. તેના પગલે 24 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી સુધીના એક મહિનામાં અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓની માર્કેટ વેલ્યૂમાં 11.81 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. જ્યારે ગુજરાતના વર્ષ 2023-24ના બજેટનું કદ 3.01 લાખ કરોડ રૂપિયા છે. આમ રકમની રીતે ગુજરાતના બજેટનું કદ અદાણી ગ્રૂપની કંપનીઓના બજાર મૂલ્યમાં ધોવાણના ચોથા ભાગ જેટલું છે.
આ પણ વાંચો ઃ ગુજરાત બજેટ 2023: રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે, જાણો વિગતવાર
સતત ત્રીજા વર્ષે પુરાંત વાળું બજેટ
ગુજરાતના નાણાં મંત્રીએ સતત ત્રીજા વર્ષે પુરાંતવાળું બજેટ રજૂ કર્યું છે. 24 ફેબ્રુઆરી, 2023ના રોજ વિધાનસભામાં રજૂ કરાયેલા નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ 916.87 કરોડની પૂરાંત રાખવામાં આવી છે. તો વર્ષ 2022-23 માટેના સુધારેલા અંદાજપત્રમાં બજેટ પુરાતની રકમ 668.09 કરોડ રૂપિયાથી વધારીને 899 કરોડ રૂપિયા છે. તો તેની પૂર્વે વર્ષ 2021-22ના બજેટમાં 418 કરોડ રૂપિયાની બજેટ રહી હતી.