ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકારના નાણાંમંત્રી કનુ દેસાઈ સતત બીજી વખત બજેટ રજૂ કર્યું હતું. બજેટ રજૂ કરતા નાણાંમંત્રી કનુ દેસાઇએ કહ્યું કે ગિફ્ટી સિટી ભારતની આર્થિક નગરી બનવા જઇ રહી છે. ગિફ્ટ સિટી માટે 76 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. 2023-24 માટે રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે નાણાંમંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે આગામી પાંચ વર્ષ માટે 5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
બજેટ રજૂ કરતા નાણાંમંત્રી કનુ દેસાઇએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આવેલ ભારતના સૌપ્રથમ ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક એટલે કે ગિફ્ટ સિટી. અત્યાર સુધી મુંબઈને આર્થિક પાટનગર કહેવાય છે પણ હવે ગુજરાતનું ગિફ્ટ સિટી સમગ્ર ભારતમાં આર્થિક નગરી બનવા જઇ રહ્યું છે. તેનો સંપૂર્ણ યશ આપણા યશસ્વી તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીને જાય છે.
આ પણ વાંચો – ₹ 3.1 લાખ કરોડનું બજેટ, પાંચ પ્રવાસન સ્થળોને ₹8000 કરોડના ખર્ચે વિકસાવાશે
ગિફ્ટ સિટી 880 એકરમાં ફેલાયેલું
ગાંધીનગરનું ગીફ્ટ સિટી તરીકે ઓળખાતું ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ સિટી વિશ્વમાં બિઝનેસ સાથે સંકળાયેલા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ગિફ્ટ સિટી અમદાવાદ-ગાંધીનગર વચ્ચે 886 એકરમાં પથરાયેલું છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ગિફ્ટ સિટી 20 મિનિટમાં પહોંચી શકાય છે. ગિફ્ટ સિટીમાં બે ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ, એક બુલિયન એક્સચેન્જ અને 23 ઇન્ટરનેશનલ બેન્કિંગ યુનિટ છે.
2008માં ગિફ્ટ સિટીની જાહેરાત કરવામાં આવી હતી
2008માં ગિફ્ટ સિટીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. સરકારની યોજના ગિફ્ટ સિટીને વેપાર અને વ્યવસાય માટે વૈશ્વિક નાણાકીય વેપાર હબ તરીકે વિકસાવવાની છે.