ગુજરાતનું બજેટ આવતીકાલે 24 ફેબ્રુઆરીના રોજ સવારે 11:30 કલાકે રજૂ કરાશે. નાણાં પ્રધાન કનુ દેસાઇ 2023-24નું બજેટ રજૂ કરશે. કનુ દેસાઇ બીજી વખત ગુજરાતનું બજેટ રજૂ થશે. મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય અલગ થયા પછી ગુજરાતનું પ્રથમ બજેટ ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. એ સમયે તેઓ મુખ્યમંત્રી પણ હતા અને નાણાં મંત્રીનો હવાલો પણ સંભાળતા હતા. ગુજરાતનું પ્રથમ બજેટ 22 ઓગસ્ટ 1960ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદથી રજૂ કરવામાં આવ્યું હતું.
બજેટ સામાન્ય રીતે નાણાંકિય વર્ષ માર્ચ-એપ્રિલમાં રજૂ થતું હોય છે પરંતુ ગુજરાતનું પ્રથમ બજેટ ઓગસ્ટ મહિનામાં રજૂ થયું હતું. આ પાછળનું કારણ એ હતું કે ગુજરાત રાજ્ય 1 મે 1960ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું. જેથી બજેટ રજૂ કરવા માટે ઓગસ્ટ મહિનો પસંદ કરાયો હતો.
ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયાનું હતું
રિપોર્ટ્સ પ્રમાણે ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયાનું હતું. જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખ હતી અને ખર્ચા 58 કરોડ 12 લાખ હતો. આમ બજેટમાં ખાદ્ય રૂપિયા 3 કરોડ 87 લાખ હતી.
આ પણ વાંચો – ગુજરાત બજેટ 2023 : નાણામંત્રી કનુ દેસાઈ શુક્રવારે બજેટ રજૂ કરશે, ભૂપેન્દ્ર સરકારનો શું હશે પ્રયાસ?
વજુભાઈ વાળાનો 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ
ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાં મંત્રી વજુભાઇ વાળાનો 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે. તે ગુજરાતમાં સૌથી વધારે બજેટ રજૂ કરનાર નાણાં મંત્રી છે. તેઓ કેશુભાઈ પટેલના મુખ્યમંત્રીના કાર્યકાળમાં 1998થી લઈ 2001 સુધી અને ત્યાર બાદ વર્ષ 2002થી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન 18 વખત બજેટ રજૂ કર્યું છે.