Gujarat Budget 2025: ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇએ ગુજરાત બજેટ 2025-26 રજૂ કર્યું છે. આ દરમિયાન તેમણે સરકાર વિકસિત ગુજરાત 2027 ની પરિકલ્પનાને સિદ્ધ કરવા કટિબદ્ધ હોવાની દ્રઢતા વ્યક્ત કરી હતી. આ બજેટ પ્રજાલક્ષી અને વિકાસલક્ષી હોવાની તેમણે ખુશી વ્યક્ત કરી. ત્યાં જ નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 3140 કરોડ રૂપિયાની કુલ જોગવાઇ કરી હતી.
આ દરમિયાન નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર “પર્યાવરણને અનુકૂળ ભવિષ્ય, પર્યાવરણને અનુકૂળ અર્થતંત્ર” માટે વન અને વન્યજીવના સંરક્ષણ સાથે નેટ ઝીરોનો લક્ષ્યાંક હાંસલ કરવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે કટીબદ્ધ છે. વન વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં વધારો કરવામાં આપણું રાજ્ય દેશમાં મોખરે છે. રાજ્યમાં વન કવચ હેઠળ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણમાં ખૂબ જ સારી સફળતા મળી છે.
એશિયાઇ સિંહના સંવર્ધન માટે યોજના
નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની અસ્મિતા એવા એશિયાઇ સિંહના સંવર્ધન માટે એક સમગ્ર અને સંકલિત કાર્યયોજના અમલમાં મૂકવામાં આવેલ છે. વનોના વિકાસ, સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી માટે 655 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા માટે 563 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે. ત્યાં જ વન્યપ્રાણીની વ્યવસ્થા અને વિકાસ માટે 416 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. તેમજ વળતર વનીકરણ તેમજ અન્ય વન વિકાસલક્ષી કામગીરીઓ માટે 372 કરોડ રપિયાની જોગવાઇ કરી છે.
આ પણ વાંચો: ગુજરાત બજેટ 2025 હાઇલાઇટ્સ, વાંચો ખેડૂતો, મહિલા, યુવાનો માટે શું છે ખાસ
વધુમાં બજેટ 2025-26 અંતર્ગત વનોની ગીચતા વધારવા ટકાઉ વન વ્યવસ્થાપન માટે JICA પ્રોજેકટ હેઠળ 225 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
હરિત વન પથ યોજના
નાણામંત્રી કનુ દેસાઇએ ગુજરાત બજેટ 2025-26માં હરિત વન પથ યોજના તેમજ મોટા રોપાઓ દ્વારા વૃક્ષારોપણ માટે 90 કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. શહેરી વિસ્તારને સુશોભિત કરી હરિયાળુ બનાવવા વન કવચ મોડલ દ્વારા વાવેતર કરવા 50 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે.
એક જ પ્લેટફોર્મ પરથી વન વિભાગની પ્રવૃતિઓથી માહિતગાર થવા, ITના માધ્યમથી રેલ્વે ટ્રેક પર થતા સિંહના અકસ્માત નિવારવા તથા દક્ષિણ ગુજરાતમાં થતા વન્યપ્રાણી-માનવ વચ્ચે ઘર્ષણ ઘટાડવા કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટની સ્થાપના કરવામાં આવશે. જે માટે 40 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. સામાજિક વનીકરણ ક્ષેત્રે ખાતાની નર્સરીઓમાં મોટા રોપા તૈયાર કરવા માટે 38 કરોડરૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગુજરાત બજેટમાં ઉદ્યોગ અને ખાણ ક્ષેત્ર માટે ₹ 8958 કરોડની જોગવાઇ
રાજ્યના દરિયાકાંઠાને ગ્રીન વોલ થકી સુરક્ષિત કરવાના હેતુથી શરુ કરાયેલ ‘મિષ્ટી કાર્યક્રમ’(મેન્ગ્રોવ વાવેતર)ના અમલીકરણમાં ગુજરાત પ્રથમ ક્રમે રહેલ છે. જે માટે 10 કરોડની જોગવાઇ કરાઈ છે. ઇકો સેન્સિટીવ ઝોનમાં આવેલ ગામોમાં ઇકો ડેવલપમેન્ટની કામગીરી માટે 9 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે. પડાલા બેટ, કોરીક્રીક વિસ્તારને ટુરિઝમ પ્લેસ તરીકે વિકસાવવા તેમજ બેટ દ્વારકા ડેવલપમેન્ટ માટે આયોજન છે. ત્યાં જ કચ્છ વિસ્તારના ચાડવા રખાલ ખાતે હેણોતરો(Caracal) કેપ્ટિવ બ્રિડીંગ સેન્ટર અને ડીસા ખાતે નવીન પ્રાણી સંગ્રહાલય બનાવવા માટે આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.





