આજે 9 જુલાઈ બુધવારના રોજ વડોદરામાં એક મોટી દુર્ઘટના બની. અહીં મહિસાગર નદી પર બનેલો મુજપુર ગંભીરા પુલ સવારે લગભગ 7:30 વાગ્યે તૂટી પડ્યો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 જેટલા લોકોના મોત નિપજ્યા છે. ત્યાં જ આ દુર્ઘટનામાં 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આજે વહેલી સવારે ગંભીરા પુલ તૂટીને બે ભાગમાં વહેંચાઈ ગયો હતો. આ દરમિયાન પુલ પર રહેલા કેટલાક વાહનો પાણીમાં ધડામ કરીને પછડાયા હતા. નજરે જોનારા કેટલાક ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તોની મદદ કરી હતી. ત્યાં જ આ દુર્ઘટના બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે રાજ્યના માર્ગ અને મકાન વિભાગને પુલ તૂટી પડવાની ઘટનાની તપાસ કરવા અને રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
X પરની એક પોસ્ટમાં તેમણે કહ્યું કે,”આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના 23 ગાળા પૈકીનો 1 ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું. “
આ પણ વાંચો: 900 મીટર લંબાઈ, 23 થાંભલા, 40 વર્ષ પહેલાં બાંધકામ; જાણો વડોદરા જિલ્લાના તૂટેલા પુલ વિશે બધુ જ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ ટ્વીટ પર કેટલાક યુઝર્સ કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે, “23 પૈકી 1 એટલે? બાકી ના પડી ના જાય ત્યાં સુધી રાહ થોડી જોવાની હતી?”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિઝ અકસ્માત પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી જાનમાલનું નુકસાન અત્યંત દુઃખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.