ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપનો 156 બેઠકો જીતીને ઐતિહાસિક ભવ્ય વિજય થયો છે. આ સાથે જ 12 ડિસેમ્બર 2022ના રોજ ભૂપેન્દ્ર પટેલે સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. નરેન્દ્ર મોદી બાદ સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનનાર તેઓ બીજા ધારાસભ્ય છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સતત સાતમી વખત જીત થઇ છે.
રૂપાણીનું રાજીનામું અને ભૂપેન્દ્ર પટેલની એન્ટ્રી
રાજકોટના ધારાસભ્ય વિજય રૂપાણીએ 11 સપ્ટેમ્બર 2021ના રોજ એકાએક મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. 60 વર્ષીય ભૂપેન્દ્ર પટેલે પહેલીવાર સપ્ટેમ્બર 2021માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ તેઓ ફરી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે.
શનિવારે ભાજપના ધારાસભ્યોની મળેલી બેઠકમાં ભૂપેન્દ્ર પટેલને ભાજપના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા બાદ તેઓ રાજ્યના રાજ્યપાલને મળ્યા હતા અને સરકાર બનાવાનો દાવો કર્યો હતો.
સૌથી વધુ 1.92 લાખ મતોની સરસાઇ સાથે જીત્યા
ભાજપે હાલની વિધાનસભા ચૂંટણીમાં ભપેન્દ્ર પટેલને મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે રજૂ કર્યા હતા. તેમણે અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં તેમણે 1.92 લાખ મતોની સરસાઇ સાથે કોંગ્રેસના સીએમ પદના ઉમેદવાર અમી યાજ્ઞિકને હરાવ્યા હતા. તો ચાલો જાણીયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેની જાણવા જેવી 5 બાબતો…
- ભૂપેન્દ્ર પટેલ ભાજપના લો-પ્રોફાઇલ નેતા અને કડવા પાટીદાર જ્ઞાતિના મુખ્યમંત્રી બનનાર પ્રથમ વ્યક્તિ છે. સપ્ટેમ્બર 2021માં વિજય રૂપાણી પટેલે અચાનક મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના સીએમ બનાવવામાં આવ્યા હતા. ભાજપે વિધાનસભા 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ ગુજરાતના મંત્રીમંડળમાં મોટા ફેરફાર કર્યા હતા.

- પાટીદાર સમુદાય, જે ભાજપની કોર વોટ બેંક કહેવાય છે, તે વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન અને ત્યારબાદની હિંસક ઘટનાઓના કારણે પાટીદાર સમાજમાં ભાજપ પ્રત્યે ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો. અને તેના લીધે વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રમાં મોટો ફટકો પડતા તે વખતે માત્ર 99 બેઠકો જીતી શકાય હતી. પાટીદાર અનામત આંદોલનના નેતા અને એક સમયે ભાજપના વિરોધી હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા બાદ વિરામગામ બેઠક પરથી ચૂંટણી લડી છે. આમ ભાજપે પટેલ સમાજના નેતાને મુખ્યમંત્રી બનાવી પાટીદાર સમાજનો આક્રોશ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. આનંદીબેન પટેલ, કેશુભાઈ પટેલ, બાબુભાઈ પટેલ અને ચીમનભાઈ પટેલ પછી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનનાર પાંચમા પાટીદાર નેતા છે.
- સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધરાવતા પટેલ છેલ્લા 25 વર્ષથી રિયલ એસ્ટેટના બિઝનેસમાં હતા. તેમના જમાઈ કન્સ્ટ્રક્શન કંપની ચલાવે છે. ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કોટવાળા શહેર વિસ્તારના દરિયાપુરમાં ફટાકડા વેચતી દુકાનથી વેપારની શરૂઆત કરી હતી અને 1990ના દાયકામાં મેમનગર નગરપાલિકામાંથી ચૂંટણી જીતી, જે વિસ્તાર હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદનો એક ભાગ છે.
- ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘણા આધ્યાત્મિક છે અને તેઓ દાદા ભગવાનમાં ખુબ વિશ્વાસ ધરાવે છે. અમદાવાદ સ્થિત ત્રિમંદિર દાદા ભગવાન ફાઇન્ડેશન સાથે 20 વર્ષ કરતા વધારે સમયથી જોડાયેલા છે.
આ પણ વાંચોઃ ગુજરાતના નવા કેબિનેટ મંત્રીઓમાં કોણ કેટલુ ભણેલુ છે? કોની પાસે કેટલી સંપત્તિ છે? વાંચો…
- ભૂપેન્દ્ર પટેલ 60 વર્ષના છે અને તેમની ચૂંટણી પંચે સમક્ષ રજૂ કરેલા સોગંદનામાં અનુસાર તેની પાસે 8.22 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2010માં પહેલીવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કોર્પોરેટર તરીકે ચૂંટણી લડ્યા અને સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ બન્યા હતા.