ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં 89 બેઠકો પર લગભગ 60.47 ટકા વોટિંગ થયુ છે જ્યારે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ સમાન બેઠકો પર પ્રથમ તબક્કામાં 68 ટકા મતદાન નોંધાયું હતું. આમ ગત વર્ષની તુલનાએ લગભગ 8 ટકા જેટલુ ઓછું મતદાન થયુ હોવાનું દેખાય છે.
ત્રણ ગામમાં ચૂંટણીનો બહિષ્કાર
ચૂંટણી પંચની અખબારી યાદીમાં જણાવાયું છે કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં 3 ગામોએ ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. ચૂંટણી પંચે આપેલી માહિતી અનસાર આજે જામનગર જિલ્લાના ધ્રાફા, નર્મદા જિલ્લાના સામોત અને ભરૂચ જિલ્લાના કેસર ગામે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો.

જામનગર જિલ્લાના ધ્રાફા ગામમાં પુરૂષ અને સ્ત્રી મતદારો માટે અલગ મતદાન મથકોની તેમની માંગ પૂરી ન થતાં ગ્રામજનોએ બહિષ્કાર કર્યો હતો. તો ભરૂચ જિલ્લાના કેસર ગામમાં મતદાન માટેની પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તો નર્મદા જિલ્લાનાસામોટ ગામમાં પણ ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આ ગામમાં 1,625 મતદાતા છે. ગામમાં ખેતીની જમીન પરના અતિક્રમણને રોકવાની માંગ ઉઠાવી ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
460 EVM અને 570 VVPATS બદલવાની ફરજ પડી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન કેટલાક સ્થળોએ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ખામીને કારણે બદલવાની ફરજ પડી હતી. બેલેટ યુનિટ અને કન્ટ્રોલ યુનિટ સહિતના 460થી વધુ EVM અને 570 VVPATSને બદલવાની જરૂર પડી હતી.
સત્તાવાર આંકડાઓ અનુસાર, ગુરુવારે મતદાન શરૂ થાય તે પહેલા પ્રથમ 90 મિનિટ દરમિયાન હાથ ધરવામાં આવેલા મોક પોલ દરમિયાન 145 બેલેટ યુનિટ અને 372 કંટ્રોલ યુનિટ ઈવીએમ બદલવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોક પોલ દરમિયાન 335 VVPAT પણ બદલવામાં આવ્યા હતા.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ સાંજે જણાવ્યું હતું કે, “ચૂંટણી દરમિયાન 19 જિલ્લાઓમાં 89 બેલેટ યુનિટ, 89 કંટ્રોલ યુનિટ અને 238 VVPAT બદલવામાં આવ્યા હતા.” જો કે આ જોકે EVM અને VVPAT શા માટે બદલવામાં આવ્યા તેની કોઇ જાણકારી આપી નથી.
નોંધનીય છે કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન માટે 26,269 બેલેટ યુનિટ, 25,430 કંટ્રોલ યુનિટ અને 25430 VVPATનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચૂંટણી અધિકારી પી. ભારતીએ કહ્યું, ” ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા માત્ર 0.34 ટકા બેલેટ યુનિટ, 0.32 ટકા કંટ્રોલ યુનિટ અને 0.94 ટકા VVPAT બદલવામાં આવ્યા હતા.”
ચૂંટણી પંચને 18 ફરિયાદો મળી
પ્રથમ તબક્કાના દિવસ દરમિયાન ચૂંટણી પંચને EVM વિશે કુલ 18 ફરિયાદો મળી હતી અને ઝોનલ અધિકારીઓ અને જિલ્લા પ્રભારીઓ પાસે રિઝર્વમાં રહેલા ઇવીએમ મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.

ચૂંટણ પંચને આદર્શ આચાર સંહિતાના ભંગની બે ફરિયાદો અને મતદાન મથકો પાસે ટોળાં ભેગા થવાની બે ફરિયાદો મળી છે. ઉપરાંત ઇમેઇલ અને ફોન કોલ્સ મારફતે પણ કુલ 104 ફરિયાદો મળી હતી જેમાં EVM વિશે, બે ફરિયાદ બોગસ વોટિંગ અંગે, 36 ફરિયાદો MCC ઉલ્લંઘન, ધીમા મતદાન અને પાવર કટ અંગેની હતી.” આ ઉપરાંત ચૂંટણી પંચની સી-વિજિલ મોબાઇલ એપ્લિકેશન મારફતે ફણ 221 ફરિયાદો પણ મળી હતી. સુરત જિલ્લાની લિંબાયત બેઠક પર પાવર કટની ફરિયાદ મળી હતી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 60 ટકા મતદાન, ક્યાં કેટલું વોટિંગ જાણવા માટે વાંચો…
ઈમેલ દ્વારા મળેલી બોગસ વોટિંગની ફરિયાદો અંગે અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ કે, આ ફરિયાદો ગીર સોમનાથ અને જામનગરની છે. ચૂંટણી પંચને તેમાં કોઇ તથ્ય ન દેખાતા આ ફરિયાદો રદ કરવામાં આવી હતી.