નિશિકાંત ઠાકુર : ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો છે અને આ રાજ્યમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે. ઈતિહાસ સાક્ષી છે કે, હિમાચલ પ્રદેશમાં દર પાંચ વર્ષે સરકાર બદલાય છે, તેથી જ ત્યાં વર્તમાનમાં વિપક્ષ કોંગ્રેસ આશાઓથી ભરેલો છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ આશાવાદી છે કારણ કે વર્ષોથી ભાજપ સત્તામાં હોવાને કારણે સત્તા વિરોધી લહેર પ્રબળ છે. તેથી જ કોંગ્રેસ અને ભાજપ આ બંને રાજ્યોમાં પુરી તાકાત લગાવી રહ્યા છે અને છાતી ઠોકીને દાવો પણ કરી રહ્યા છે કે તેમની જ સરકાર બનશે.
જનતાનો નિર્ણય આવતા મહિને આવશે, પરંતુ આ દરમિયાન બંને પક્ષોના રાજકારણીઓ પોતપોતાના દાવાઓ અલગ-અલગ ગુણાકાર સાથે રજૂ કરીને સત્તા પર પોતાની પકડ હોવાના પુરાવાઓ રજૂ કરી રહ્યા છે. સામાન્ય લોકોનું માનવું છે કે, આ રાજ્યમાં હરીફાઈ માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. અહીં આમ આદમી પાર્ટી માત્ર કોંગ્રેસના મતો કાપવા માટે મેદાનમાં છે, તેને સરકાર બનાવવા સાથે કોઈ લેવાદેવા નથી.
રાહુલ ગાંધી તેમની ભારત જોડો યાત્રા છોડીને હિમાચલ પ્રદેશમાં પ્રચાર માટે ગયા નથી. તેવી જ રીતે ગુજરાતમાં પણ આ આર્ટીકલ લખાય છે ત્યાં સુધી રાહુલ ગાંધીની એક પણ રેલી કે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી. આ માટે ભાજપના નેતાઓને ભારે અફસોસ છે. આ માટે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર વિવિધ આક્ષેપો અને પ્રતિઆક્ષેપો દ્વારા આ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસ હારના ડરથી પોતાના ટોચના નેતૃત્વને રાજ્યોમાં પ્રચાર માટે મોકલી રહી નથી. તેથી હવે કોંગ્રેસ નેતૃત્વએ નિર્ણય લીધો છે કે, રાહુલ ગાંધી 22મી નવેમ્બરે તેમની પાર્ટીના પ્રચાર માટે ગુજરાત જશે.
રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતનો નફો-નુકસાન તો ચૂંટણી પછી જ ખબર પડશે, પરંતુ વિપક્ષના પેટમાં ગુંચ થવા લાગી છે અને તેથી તેઓ વિવિધ મેણા-ટોણા મારવા લાગ્યા છે. જ્યારે, વડા પ્રધાન અને ગૃહ પ્રધાનનું ગૃહ રાજ્ય હોવાને કારણે, ભાજપની ટોચની નેતાગીરીની અત્યાર સુધીમાં ઘણી મુલાકાતો અને રેલીઓ ગુજરાતમાં થઈ છે.
કોંગ્રેસની બોલી – ભાજપ હારી રહી છે, જનતા અમને સત્તા આપશે
વડાપ્રધાને તો ગુજરાત માટે ગિફ્ટનો પટારો ખોલી દીધો છે. બાય ધ વે, કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ બંને રાજ્યો ગુમાવી રહી છે, તેથી જનતાને લલચાવવા અને તેમને પોતાની તરફ વાળવાના પ્રયાસો થઈ રહ્યા છે. કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું કહેવું છે કે, ગુજરાતની જનતા આ વખતે અમને સરકાર બનાવવાની તક ભેટ તરીકે આપી રહી છે.
મોરબીની ઘટના ભાજપ માટે જોખમ બની છે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના ગુજરાત રાજ્યનું ભાજપે જે રીતે શોષણ કર્યું છે તેનું સત્ય આ ચૂંટણીમાં જ જોવા મળશે. જે રીતે મોરબી બ્રિજ અકસ્માત થયો અને ગુજરાત મોડલનો પર્દાફાશ થયો, તેનાથી ગુજરાતની સાથે સમગ્ર દેશ પણ ચોંકી ગયો છે. આટલી મોટી દુર્ઘટનાને જે રીતે હળવાશથી લેવામાં આવી હતી, તેનાથી ભાજપના આખા 27 વર્ષના શાસન પર જ કાળી ટીલી લાગી પડી છે. હવે ગમે તેટલી કોશિસ કરે, તેનાથી મૃતકોને પાછા લાવી શકાતા નથી, તે નિર્દોષ બાળકોને પાછા જીવિત કરી શકતા નથી.
PM મોદી બંગાળ અકસ્માત પર ખૂબ ગર્જ્યા હતા, મોરબી પર મૌન રહ્યા
ચૂંટણી વખતે પશ્ચિમ બંગાળમાં થયેલા બ્રિજ દુર્ઘટના માટે વડાપ્રધાન મમતા બેનર્જી સરકારને કેવી રીતે દોષી ઠેરવતા હતા તેનો જ દાખલો લોકો આપે છે, પરંતુ તેમની સરકારના કાર્યકાળમાં તેમના જ ગૃહ રાજ્ય મોરબીમાં જ્યારે આટલો મોટો અકસ્માત થયો હતો. તો પછી વડાપ્રધાને અત્યાર સુધી આરોપીઓને જેલમાં કેમ નથી મોકલ્યા? કમનસીબી એ છે કે, વડાપ્રધાનની મુલાકાતના કારણે જે રીતે મોરબીની હોસ્પિટલ રાતોરાત બદલી રંગરોગાન કરી સુધારવામાં આવી હતી તે વિપક્ષ માટે મજાકનો વિષય બનાવવાનું સાધન બની ગયું હતુ.
આ પણ વાંચો – ગુજરાત વિધાનસભા ચૂંટણી બીજા તબક્કાના ઉમેદવાર: 14 જિલ્લાની 93 બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ
ગત દિવસોમાં એટલે કે 12 નવેમ્બરના રોજ ગુજરાતના ચૂંટણી પ્રભારી અને રાજસ્થાનના મુખ્યમંત્રીએ અમદાવાદમાં કોંગ્રેસનો ઢંઢેરો બહાર પાડ્યો હતો, જેમાં ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો, દલિત-ઓબીસી, લઘુમતી, માટે કેટલીક જાહેરરાત, તો પંચાયત સેવકો સહિત 10 લાખ સરકારી નોકરીઓ, મહિલાઓ માટે 50 ટકા અનામત સાથે સાથે બેરોજગારોને દર મહિને 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું અને 300 યુનિટ મફત વીજળી અને પરીક્ષાના પ્રશ્નપત્ર લીક કેસની તપાસ માટે ફાસ્ટ ટ્રેક બનાવવામાં આવશે, જેવી જાહેરાતો કરવામાં આવી છે.
મેનિફેસ્ટોને લઈ મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું કે, આ બનાવવા માટે છ લાખ લોકો સાથે ચર્ચા કરવામાં આવી છે અને તેમની સળગતી સમસ્યાઓને સમજ્યા બાદ તે બનાવવામાં આવ્યો છે. ચૂંટણી ઢંઢેરામાં સૌથી મહત્વની વાત એ છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલીને ફરીથી સરદાર પટેલના નામ પર રાખવામાં આવશે, કારણ કે આનાથી પાટીદાર સમાજને દુઃખ થયું છે અને તેઓ ઇચ્છે છે કે, સ્ટેડિયમનું નામ તેમના નામ પર રાખવામાં આવે.
ગુજરાતમાં લાંબા સમયથી ભાજપની સરકાર હોવાથી તેમના નેતાઓને એવી ગલતફેમી છે કે તેઓ ગુજરાતની પ્રજાની રગે રગ જાણે છે. એટલા માટે તેઓ એક કરોડ લોકો સાથે વાત કર્યા પછી જ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. ભાજપ સરકારે ગુજરાતના વિકાસ માટે શું નથી કર્યું, જેના આધારે ગુજરાત આજે દેશમાં વિકાસની ખૂબ જ ઉંચાઈએ પહોંચ્યું છે, તેથી તેમની સરકાર ફરીથી સત્તામાં આવશે.
બીજેપી લોકોને આશા છે કે, પીએમ મોદીના કદને મત મળશે
તેઓ એમ પણ કહે છે કે મોદી, જેમના નામથી ભારત આજે વિશ્વમાં ઓળખાય છે, તેથી ત્યાં બીજેપીની સરકાર ફરીથી ન રચાય તેનું કોઈ કારણ નથી. ગુજરાતે જે નવો વિકાસ સાધ્યો છે તેનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે અને જેમણે વિશ્વમાં ભારતનું ગૌરવ વધાર્યું છે તેમને પોતાના રાજ્યમાં શરમ અનુભવવી નહીં પડે.
આ પણ વાંચો – પૈસા, પાવર, વોટ… બધામાં પાટીદાર મજબૂત, ગુજરાતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAP, કોણે કેટલી બેઠકો પાટીદારને ફાળવી?
જે પણ હોય, બંને રાજ્યોમાં જીત-હાર તો પ્રજાના હાથમાં છે, પછી ભલે ગમે તેટલી લાલચ આપવામાં આવે. પ્રજા હવે શિક્ષિત છે અને તે સમજી ગઈ છે કે તેમનું હિત શેમાં છે, કોણ કરશે અને કોણ નહી. એટલા માટે બંને રાજ્યોના મતદારોની સાથે દેશે 8 ડિસેમ્બર સુધી રાહ જોવી જ પડશે.

(લેખક વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક છે)