ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની 93 બેઠકો માટે સોમવાર, 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. રાજ્યમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 ડિસેમ્બર, 2022ના રોજ મતદાન થયું હતું. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જંગ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે હોવાનું માનવામાં આવે છે. ભાજપે રોડ-શો, જનસભાઓ યોજીને વિધાનસભા ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે સખત મહેનત કરી છે. અહીંયા એ પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ગુજરાતમાં સૌથી લોકપ્રિય ચહેરો કોણ છે?
તાજેતરમાં, જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને દિલ્હીના પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું હતું કે ગુજરાતની ચૂંટણી રેલીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ સૌથી વધુ ક્યા નેતાની ડિમાન્ડ છે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે યોગી આદિત્યનાથ) પસંદ કરવામાં આવે છે. જો કે, ભાજપના ગુજરાત પ્રભારી સી.આર. પાટીલે કોઈપણ પ્રકારની ગેરસમજ ટાળવા માટે ઝડપથી હસ્તક્ષેપ કર્યો અને કહ્યું કે, સ્ટાર આકર્ષણ નિઃશંકપણે અમિત શાહ છે.
ગુજરાત ચૂંટણી અભિયાન સંપૂર્ણપણે અમિત શાહનો ‘શો’
ધી ઈન્ડિયન એક્સપ્રેસની કોલમ ઈનસાઈડ ટ્રેકમાં, કુમી કપૂર લખે છે કે, “હકીકતમાં ગુજરાતમાં ચૂંટણી અભિયાન સંપૂર્ણપણે અમિત શાહનો ‘શો’ છે અને તેમના ગૃહ મતવિસ્તારમાં શાહની સામે કોઇ પડકાર નથી. કોઈ સ્પર્ધા નથી. આરએસએસના કાર્યકરો, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને સંગઠન સચિવ બીએલ સંતોષ પણ રાજ્યમાં બહુ વધારે દેખાયા નથી.

તેમણે વધુમાં લખ્યું છે કે, “અમિત શાહ એ દર્શાવવા માંગે છે કે 27 વર્ષ સુધી શાસન કરવા છતાં તેઓ એકલા હાથે વર્ષ 2017 કરતા મોટી જીતની ખાતરી કરી શકે છે. તેનાથી વિપરીત વિરોધ પક્ષોના ટાર્ગેટ સાધારણ છે. કોંગ્રેસ 45 થી 50 બેઠકોની અપેક્ષા રાખે છે, જ્યારે આપ પાર્ટીનો હેતુ ઓછામાં ઓછા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ કરતા વધુ મત મેળવવાનો અને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા મેળવવાનો છે.”
ભાજપનો જબરદસ્ત ચૂંટણી અભિયાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર-પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમદાવાદમાં રોડ-શોનું નેતૃત્વ કર્યું હતું. આ રોડ શો લગભગ 35 કિલોમીટર લાંબો હતો અને શહેરના 13 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થયો હતો. તો બીજી તરફ શનિવારે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ગુજરાતને કોંગ્રેસ મુક્ત કરવાની લોકોને અપીલ કરતાં કહ્યું કે આનાથી તમામ સમસ્યાઓ હલ થઈ જશે.
ઉપરાંત એક ઇન્ટરવ્યૂહમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ હતુ કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં લોકોને ભાજપ પર વધારે વિશ્વાસ હોવા પાછળ પીએમ મોદીની લોકપ્રિયતા, રાજ્યના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતના સર્વાંગી વિકાસ અને તુષ્ટિકરણ માટે ઝીરો ટોલરન્સની નીતિ જવાબદાર છે. તેમણે ઉમેર્યુ કે ભાજપ ગુજરાતમાં અભૂતપૂર્વ જીત હાંસલ કરશે, કારણ કે જનતાને અમારામાં સંપૂર્ણ વિશ્વાસ છે.