Gujarat Assembly Election 2022 : ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે વડાપ્રધાન તરીકે ટ્રમ્પ કાર્ડ છે. તેઓ 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમણે આઠ વર્ષ પહેલાં પદ છોડ્યું હતું, પરંતુ તેમના ગૃહ રાજ્યમાં સમર્થકોમાં તેમનો જાદુ હજુ અકબંધ છે અને ઘણા રાજકીય વિશ્લેષકો માને છે કે, આગામી ચૂંટણી પરિણામોમાં વડા પ્રધાનની ભૂમિકા નિર્ણાયક હશે. પરંતુ, બીજેપી સામે કેટલીક સત્તા વિરોધી લહેરો જે પરેશાન કરી શકે છે.
બિલકિસ બાનો કેસમાં દોષિતોને સજા પૂરી થાય તે પહેલા માફી
ગુજરાતને સંઘ પરિવારની હિન્દુત્વની પ્રયોગશાળા માનવામાં આવે છે. બિલ્કીસ બાનો સામૂહિક બળાત્કાર અને હત્યા કેસમાં દોષિતો માટે સજા ઘટાડવાની અસર બહુમતી અને લઘુમતી સમુદાયો માટે અલગ-અલગ હશે. જ્યારે મુસ્લિમો બિલ્કીસ બાનો માટે ન્યાયની માંગ કરી રહ્યા છે, ત્યારે હિન્દુઓ આ મુદ્દા પર ધ્યાન આપવા માંગતા નથી.
સત્તા વિરોધી લહેર
ભાજપ 1998 થી ગુજરાતમાં 24 વર્ષથી સત્તામાં છે અને રાજકીય વિશ્લેષકોના જણાવ્યા મુજબ, સમાજના કેટલાક વર્ગોમાં અસંતોષ છે. રાજકીય તજજ્ઞ હરિ દેસાઈના મતે લોકોનું માનવું છે કે, ભાજપના શાસનના આટલા વર્ષો બાદ પણ મોંઘવારી, બેરોજગારી અને અન્ય પાયાના પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી.
મોરબી બ્રિજની ઘટના
મોરબીમાં 30 ઓક્ટોબરે બ્રિજ ધરાશાયી થતાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાએ વહીવટીતંત્ર અને અમીર લોકો વચ્ચેની સાંઠગાંઠનો પર્દાફાશ કર્યો છે. મતદાન કરવા જતા લોકોના મનમાં આ મુદ્દો રહી શકે છે.
પ્રશ્નપત્ર લીક અને સરકારી ભરતી પરીક્ષાઓ મુલતવી
પ્રશ્નપત્ર લીક થવાના વારંવારના બનાવો અને સરકારી ભરતી પરીક્ષાઓ મુલતવી રાખવાના કારણે સરકારી નોકરી મેળવવા માટે સખત મહેનત કરતા યુવાનોની આશા બરબાદ થઈ છે અને અસંતોષમાં વધારો થયો છે.
પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓનો અભાવ
જો ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં વર્ગો બનાવવામાં આવે તો શિક્ષકો ન હોય. જો શિક્ષકોની ભરતી કરવામાં આવે તો ભણાવવા માટે વર્ગો નથી હોતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ડોકટરોની અછત પણ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને પ્રતિકૂળ અસર કરે છે.
ખેડૂતોનો મુદ્દો
રાજ્યના ઘણા વિસ્તારોમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે કારણ કે છેલ્લા બે વર્ષમાં અતિશય વરસાદને કારણે પાકને થયેલા નુકસાનનું વળતર હજુ આપવામાં આવ્યું નથી. અનેક વિસ્તારોમાં ખોટી જમીન માપણીને લઈ ખેડૂતો પરેશાન છે.
ખરાબ રસ્તા
ગુજરાત અગાઉ તેના સારા રસ્તાઓ માટે જાણીતું હતું. જો કે, છેલ્લા પાંચ-છ વર્ષમાં રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનોએ નવા રસ્તાઓ બનાવ્યા નથી અને તેઓ જૂનાની જાળવણી પણ કરી શક્યા નથી. રાજ્યભરમાંથી રસ્તાઓ પર ખાડાઓની ફરિયાદો સામાન્ય છે, અને લોકો રોડ રસ્તાને લઈ પરેશાન છે. તો જ્યાં પણ બ્રિજનું કામ ચાલે છે ત્યાં બ્રિજની આજુબાજુના વૈકલ્પિક રસ્તા બિસ્માર હાલતમાં છે, તો ક્યાંક બ્રિજ બનાવવાની કામગીરી ઢીલી ચાલી રહી. સોથી મોટો આ પ્રશ્ન ભાજપને પરેશાન કરી શકે છે.
ઉંચા વીજ બિલો
ગુજરાત દેશમાં સૌથી વધુ વીજ દર ધરાવતા રાજ્યોમાંનું એક છે. તો આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવાના વચનો આપવામાં આવી રહ્યા છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ તાજેતરમાં કોમર્શિયલ પાવર ટેરિફમાં ઘટાડો કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચો – રેવડી સંસ્કૃતિ કે નક્કર વિકાસ? હિમાચલ અને ગુજરાતમાં ભાજપ માટે પ્રથમ કસોટી
જમીન સંપાદન
ખેડૂતો અને જમીનમાલિકોમાં અસંતોષ છે જેમની જમીન અનેક સરકારી પ્રોજેક્ટ્સ માટે સંપાદિત કરવામાં આવી રહી છે. ખેડૂતોએ અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો વિરોધ કર્યો હતો. તેમણે વડોદરા અને મુંબઈ વચ્ચેના એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો પણ વિરોધ કર્યો હતો.