વર્ષ 2002 ગુજરાતના રાજકારણ અને વિધાનસભાની ચૂંટણી બહુ મોટો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયુ હતુ. વર્ષ 2002માં ગોધરા કાંડ અને ત્યારબાદ થયેલા કોમી રમખાણથી ગુજરાતમાં ભાજપની હિન્દુત્વવાદી છબી મજબૂત થઇ હતી. જેના સહારે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સૌથી વધારે બેઠકો પર જીત હાંસલ કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.
2002માં ભાજપનો જ્વલંત વિજય
ગુજરાતમાં વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણી ગોધરા કાંડ બાદ યોજાઇ હતી. વર્ષ 2002ના ગોધરા કાંડ બાદ ગુજરાતના રાજકારણમાં ધ્રુવિકરણ થયુ અને ભાજપ હિન્દુત્વવાદી રાજકીય પક્ષ તરીકે ઉભરી આવ્યુ હતુ. વર્ષ 2002ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ બ્રેક 127 બેઠકો પર જીત મેળવી હતી જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે.

ગુજરાતમાં વર્ષ 2002માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કુલ 33238195 મતદારોમાંથી 11077009 પુરુષો અને 9378155 મહિલા મતદારોએ મતદાન કર્યુ હતુ. આમ તે વર્ષની વિધાનસભા ચૂંટણીમાં સરેરાશ કુલ 61.54 ટકા જ મતદાન થયુ હતુ. ઓછા મતદાનથી ભાજપને જ ફાયદો થયો હતો.
કોણે કેટલી બેઠકો જીત?
વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં કુલ 182 બેઠકો પર 1000 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જેમાં ભાજપના 182માંથી 127 ઉમેદવારો જીત્યા હતા. તો કોંગ્રેસે 180 બેઠકો પર ચૂંટણી લડી હતી જેમાંથી 51 ઉમેદવારો વિજય થયા હતા. જનતા દળ(યુ)ના 29માંથી બે ઉમેદવાર અને 344 અપક્ષ ઉમેદવારમાંથી 2 ઉમેદવારોએ જીત હાંસલ કરી હતી. જો કે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીએ 80 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખયા હતા અલબત્ત એક પણ બેઠક પર જીત મળી ન હતી.
2002ની ચૂંટણીમાં કોને કેટલી બેઠક મળી
રાજકીય પક્ષ | ઉમેદવાર | જીત |
---|---|---|
ભાજપ | 182 | 127 |
કોંગ્રેસ | 180 | 51 |
જનતાદળ(યુ) | 29 | 2 |
અપક્ષ | 344 | 2 |
આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 1972 : કોંગ્રેસને મળ્યો જનાદેશ, સ્વતંત્ર પાર્ટીનો રકાસ
2002નો રેકોર્ડ 2022માં તૂટશે?
ભાજપ વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો જીતવાનો બનાવેલો રેકોર્ડ વર્ષ 2022માં તોડવાની મહેચ્છા દર્શાવે છે. વડાપ્રધા નરેન્દ્ર મોદીએ તાજેતરના ચૂંટણી અભિયાન માટે યોજાયેલી એક જનસભામાં જણાવ્યુ હતુ કે, ‘આ વખતે નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે તેવી મારી ઇચ્છા છે.’ એટલે કે ભાજપે વર્ષ 2022ની ચૂંટણીમાં 127થી વધારે બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.