Gujarat Assembly Election Result 1972: ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામની વાત કરીએ તો વર્ષ 1972 માં કોંગ્રેસને ભારે જનાદેશ મળ્યો હતો. જ્યારે સ્વતંત્ર પાર્ટીનો રકાસ થયો હતો. સ્વતંત્ર પાર્ટીને એક પણ બેઠક મળી ન હતી. જ્યારે અગાઉની ચૂંટણીમાં એક બેઠક સાથે જીતના શ્રી ગણેશ કરનાર ભારતીય જનસંઘનો ઉત્તર ગુજરાતમાં જીતનો શંખનાદ થયો હતો અને ત્રણ બેઠકો પર જીત મેળવી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 1972 પરિણામ ચોંકાવનારા આવ્યા. કોંગ્રેસે અગાઉની ચૂંટણી કરતાં રેકોર્ડબ્રેક કહી શકાય એવી જંગી જીત મેળવી. કોંગ્રેસને 1962 માં 113 બેઠક, 1967 માં 93 બેઠક મળી હતી જ્યારે 1972 માં 140 બેઠકો પર ભારે જીત મળી હતી. સ્વતંત્ર પાર્ટીનો રકાસ થયો હતો. અગાઉની ચૂંટણીમાં સ્વતંત્ર પાર્ટીને 66 બેઠક મળી હતી જે 1972 માં એક બેઠક પણ જીતી શક્યું ન હતું. જ્યારે કોંગ્રેસના અલગ જુથ આઇ એન સી ઓર્ગેનાઇજેશનને 16 બેઠકો મળી હતી.
ભારતીય જનસંઘને અગાઉની ચૂંટણીમાં એક જ બેઠક મળી હતી. જ્યારે આ ચૂંટણીમાં ત્રણ બેઠકો પર જીત પર જીત મળી હતી. અગાઉની 1967ની ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી જનસંઘની જીતના શ્રી ગણેશ થયા હતા જે બાદ આ ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં જીતનો શંખનાદ થયો હતો. જેમાં શિહોર બેઠક પરથી હરિસિંહજી અખુભા ગોહિલ, ચાણસ્મા બેઠક પરથી ભગવાનદાસ નારણદાસ અમીન અને પાલનપુર બેઠક પરથી લેખરાજ એચ. બચાણીનો વિજય થયો હતો.
મહિલા ઉમેદવારને મળી એક જ બેઠક
અગાઉની ચૂંટણી કરતાં 1972 ની ચૂંટણીમાં મહિલા ઉમેદવારો ખાસ કંઇ દેખાવ કરી શક્યા ન હતા. એક માત્ર કરજણ બેઠક પર જ મહિલા ઉમેદવારની જીત થઇ હતી. કોંગ્રેસના ઉમેદવાર પાર્વતીબેન રાણાનો કરજણ બેઠક પરથી વિજય થયો હતો. તેમને 22224 મત મળ્યા હતા. વર્ષ 1967ની ચૂંટણીમાં 8 મહિલા ઉમેદવારને જીત મળી હતી. રાજ્યની અંજાર, ટંકારા, લાઠી, વિસનગર, ઝાલોદ, માતર, ચોર્યાસી અને ચીખલી બેઠક પર મહિલા ઉમેદવારની જીત થઇ હતી. જ્યારે 1962 માં યોજાયેલ પ્રથમ ચૂંટણીમાં મતદારોએ 11 મહિલા ધારાસભ્યો આપ્યા હતા. રાજ્યની 154 બેઠકોની ચૂંટણીમાં 19 મહિલા ઉમેદવારો મેદાને હતી. જે પૈકી વઢવાણ, જામનગર, વિસાવદર, મહેસાણા, બાલાસિનોર, દાહોદ, ડભોઇ, ઝઘડિયા, મહુવા, સુરત શહેર પશ્વિમ અને વલસાડ બેઠક મળી 11 મહિલા ઉમેદવારોની જીત થઇ હતી.
પાર્ટી | ઉમેદવાર | જીત | વોટ શેર |
ભારતીય નેશનલ કોંગ્રેસ | 168 | 140 | 50.94 |
સ્વતંત્ર પાર્ટી | 47 | 0 | 1.78 |
I N C (ઓર્ગેનાઇજેશન) | 138 | 16 | 23.49 |
ભારતીય જન સંઘ | 100 | 3 | 9.29 |
સી પી આઇ | 11 | 1 | 0.47 |
C P I (Marxist) | 4 | 0 | 0.22 |
સોશિયાલિસ્ટ પાર્ટી | 15 | 0 | 0.72 |
અપક્ષ | 337 | 8 | 12.97 |
અગાઉ કરતાં મતદાનમાં થયો ઘટાડો
ગુજરાત વિધાનસભા ચૂંટણી 1972 માટે સરેરાશ 58.10 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્યમાં 63,70,260 પુરૂષ અને 61,37,124 મહિલા મળી કુલ 1,25,07,384 નોંધાયેલા મતદારો પૈકી 40,20,234 પુરૂષ અને 32,46,959 મહિલા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે 3,42,484 મત રદ થયા હતા. અગાઉની 1967ની ચૂંટણીમાં સરેરાશ 63.70 અને 1962ની ચૂંટણીમાં સરેરાશ 63.29 ટકા મતદાન થયું હતું.
આ પણ વાંચો : ગુજરાત ચૂંટણી 2022 પરિણામ સહિત લેટેસ્ટ ન્યૂઝ, જાણવા ક્લિક કરો
462 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી
વિધાનસભાની 168 બેઠકો માટેની આ ચૂંટણીમાં 852 પુરૂષ અને 21 મહિલા મળી કુલ 873 ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. જે પૈકી 456 પુરૂષ અને 6 મહિલા મળી કુલ 462 ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ ગુમાવી હતી. રાજ્યના બેઠકો પર સરેરાશ 5 જેટલા ઉમેદવારો નોંધાયા હતા. જ્યારે બે બેઠકો પર માત્ર બે બે જ ઉમેદવારો હતા જ્યારે સૌથી વધુ કુતિયાણા બેઠક પર 12 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ : 1962 | 1967 | 1972 | 1975 | 1980 | 1985 | 1990 | 1995 | 1998 | 2002 | 2007 | 2012 | 2017 | મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભા અસ્તિત્વમાં આવી હતી. વિગતે પરિણામ જાણવા વર્ષ ઉપર ક્લિક કરો.