ગુજરાતના રાજકારણમાં ભાજપનો ઉદય હકીકતમાં વર્ષ 1990ની વિધાનસભા ચૂંટણીથી જ થયો છે. વર્ષ 1990ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સારી એવી બેઠકો પર જીત હાંસલ કરી હતી. તે વખતની ચૂંટણીમાં ભાજપે જનતાદળ સાથે જોડાણ કરીને પોતાની સરકાર બનાવી હતી અને સંખેડાના ધારાસભ્ય ચીમનભાઇ પટેલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. જો કે ત્યારબાદ આ જોડાણ ભાંગી પડ્યુ હતુ અને જનતાદળ + કોંગ્રેસના ગઠબંધનવાળી સરકાર અસ્તિત્વમાં આવી હતી. આ સરકાર કુલ 1445 દિવસ રહી હતી.
182 બેઠક ઉપર 1889 ઉમેદવારોએ ચૂંટણી લડી
વર્ષ 1990માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો પર 1889 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં કુલ 24821379 મતદારોમાંથી 7323353 પુરુષ મતદાર અને 5640351 મહિલા મતદારોએ મતદાન કર્યુ હતુ. આમ રાજ્યમાં કુલ સરેરાશ 52.23 ટકા વોટિંગ થયુ હતુ.
ભાજપનો ગુજરાતમાં ઉદય, 67 બેઠકો પર જીત
ગુજરાતના રાજકારણમાં વર્ષ 1990થી ભાજપનો ઉદય થયો હતો. તે વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 143 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા જેમાંથી 67 બેઠકો પર જીત મેળવી હતી. તો જનતાદળ પક્ષના 148 ઉમેદવારોમાંથી 70 ઉમેદવારો વિજય થયા હતા. તો કોંગ્રેસ 182 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા જેમાંથી માત્ર 33 ઉમેદવારો જીત્યા હતા. આ ચૂંટણીમાં અપક્ષ ચૂંટણી લડનાર 977 ઉમેદવારોમાંથી 11 ઉમેદવારોએ જીત હાંસલ કરી હતી.
ભાજપ અને જનતાદળના જોડાણથી સરકાર બની
વર્ષ 1990ની વિધાનસભા ચૂંટણીમાં જનતાદળે 70 અને ભાજપે 67 બેઠકો જીતી હતી. આમ બંને રાજકીય પક્ષોએ જોડાણ કરીને 137 બેઠક સાથે બહુમતી સાબિત કરી ગુજરાતમાં ગઠબંધનવાળી સરકાર બનાવી હતી અને ચીમનભાઇ પટેલ મુખ્યમંત્રી બન્યા હતા. જો કે આ જોડાણ વધારે લાંબા સમય સુધી ટકી શક્યુ ન હતું. માત્ર છ મહિનામાં ભાજપ સાથેનું જોડાણ ભાંગ પડ્યુ અને જનતાદળે કોંગ્રેસ સાથે જોડાણ કરીને રાજ્યમાં પોતાની સરકાર ટકાવી રાખી હતી.
આ પણ વાંચોઃ- હિમાચલ પ્રદેશ ચૂંટણી મતગણતરીના પળેપળના સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો
ચીમનભાઇ પટેલ એટલે આધુનિક ઔદ્યોગીક ગુજરાતનાં નિર્માતા
ચીમનભાઇ પટેલને સ્વપ્નદૃષ્ટા નેતા અને આધુનિક ઔદ્યોગીક ગુજરાતનાં નિર્માતા તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે મુખ્યમંત્રી તરીકેની પોતાની પ્રથમ મુદ્દતમાં ‘સરદાર સરોવર બંધ (નર્મદા બંધ) પરિયોજના’ની પરિકલ્પના કરી અને બીજી મુદ્દતમાં નર્મદા બંધનું અસરકારક બાંધકામ કરાવ્યુ હતુ. તેમણે નર્મદા બંધને ગુજરાતની જીવાદોરી સમાન ગણાવી હતી.
આ પણ વાંચોઃ- ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણરીની પળેપળની વિગતો જાણવા અહીં ક્લિક કરો
આ ઉપરાંત તેઓ એવા પ્રથમ મુખ્યમંત્રી હતા જેમણે ગુજરાતના ઔદ્યોગીકરણની મહાયોજનાના ભાગરૂપે ખાનગી ક્ષેત્રો મારફત ગુજરાતના બંદરો, રિફાઈનરીઓ અને વિજ ઉત્પાદન મથકોના વિકાસના અમલકર્તા બન્યા હોય. પોતાની બીજી મુદ્દત દરમિયાન તેઓ સમગ્ર ભારતમા પ્રથમમાંના એક એવા મુખ્યમંત્રી હતા જેમણે ગૌવધ, અને મહત્વના જૈન તહેવાર પર્યુષણના દશ દિવસો દરમિયાન દરેક પ્રકારના પ્રાણીઓના વધ અને માંસના વેચાણ, પર પ્રતિબંધ મુકતો કાયદો પસાર કર્યો. આ કાયદાકીય પ્રતિબંધ ૩ ઓક્ટોબર, ૧૯૯૩થી અમલમાં આવ્યો હતો.