(ગોપાલ કટેશિયા) ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે તેમ છતાં પક્ષમાં અંદરખાને વિવાદ-અસંતોષ જોવા મળી રહ્યો છે. શાસક પક્ષના કેટલાક નેતાઓએ ચૂંટણી દરમિયાન કથિત “વિશ્વાસઘાત” અંગે ખુલ્લેઆમ એકબીજા સામે આંગળીઓ ચીંધી હતી. આ ઘર્ષણ સૌરાષ્ટ્રમાં થવાનું સૌથી વધારે જોખમ રહેલુ છે. જ્યાં વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી પહેલા તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશની 54 બેઠકોમાંથી 46 બેઠકો જીતી છે.
આ વખતે રાજકીય નેતાઓનો પક્ષપલટો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જોવા મળ્યો છે, જેમાં મોટાભાગના પક્ષપલટો કરનાર નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે અને દર વર્ષે ચૂંટણી પહેલા પક્ષપલટો કરનાર નેતાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આ વર્ષે ભાજપે એવા 19 ભૂતપૂર્વ કોંગ્રેસનેતાને ટિકિટ આપી છે જેમણે છેલ્લા પાંચ વર્ષમાં પક્ષપલટો કર્યો છે.
13 ડિસેમ્બરની રાત્રે, ભાજપના ગીર સોમનાથ જિલ્લા પ્રદેશના પ્રમુખ માનસિંહ પરમારે “જયચંદ’ (દેશદ્રોહી) પર પ્રહાર કર્યો હતો. તેમણે સોમનાથ બેઠક પર ચૂંટણી લડી હતી જો કે કોંગ્રેસના વિમલ ચુડાસમા સામે અત્યંત ઓછા 922 મતોની સરસાઇથી હારી ગયા છે.
વેરાવળ શહેરમાં લોહાણા સમાજ બોર્ડિંગ ખાતે કાર્યકરો અને સમર્થકોને સંબોધતા માનસિંહે જણાવ્યું હતું કે, “મારા સમગ્ર જીવન દરમિયાન હું આવા જયચંદોને ક્યારેય માફ નહીં કરું. સમય જતાં તેના લેખા-જોખા થશે અને તેમને ખ્યાલ આવશે કે તેઓએ શું પાપ કર્યું છે. તેઓએ મારા એકલાનું નહીં, પરંતુ વેરાવળના 2.65 લાખ મતદારો સાથે ગદ્દારી કરીર્યું છે. અમે તેમને ક્યારેય માફ નહીં કરીએ તેમજ ભાજપના રાજયના આગેવાનો તેને માફ કરવાના મૂડમાં નથી.” આ બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવારને 17.2 ટકા મતો મળ્યા હતા.
જો કે તેમણે કોઇનું નામ લીધું ન હતુ. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ ભૂતપૂર્વ પ્રધાન જસાભાઈ બારડ, ભૂતપૂર્વ ભાજપના ધારાસભ્ય રાજસિંહ જોટવા અને જૂનાગઢના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા કે જેઓ વિમલ ચુડાસમાના પિતરાઈ ભાઈ છે તેમની સામે આંગળી ચીંધી રહ્યા હતા. 2012માં કોંગ્રેસના ધારાસભ્ય રહેલા જસાભાઈએ ભાજપમાંથી જીતવા માટે રાજીનામું આપ્યું અને આનંદીબેન પટેલની સરકારમાં મંત્રી બન્યા હતા.
“એક જયચંદના કારણે આ દેશે 200 વર્ષ સુધી ગુલામી સહન કરી. અહીં, પ્રશ્ન મારી હારનો નથી, પરંતુ આ દેશ, વેરાવળ બેઠક અને આપણું ગામ ફરી પાછળ જઇ રહ્યું છે,” એવું માનસિંહે જણાવ્યુ હતુ.
સોમનાથ વિધાનસભા બેઠક પર કોળી સમાજના મતદારોનું પ્રભુત્વ છે તેમજ વિમલ અને રાજેશ તેઓ બંને આ જ્ઞાતિમાંથી જ આવે છે. કરાડિયા રાજપૂત સમાજના પણ મોટી સંખ્યામાં મતદારો છે, જેની સાથે પરમાર સંકળાયેલા છે અને તો જોટવા આહિર સમાજમાંથી આવે.
માનસિંહ પરમારના કાકા ગોવિંદ પરમારે તે સભામાં લોકોને જણાવ્યું હતું કે, તેમના ભત્રીજા સાથે વિશ્વાસ કરવામાં આવ્યો છે, તેમણે સારી સાથે દગો કર્યો છે. જો તમે શૂરવીરોના પુત્ર છો, તો સામસામે આવો,” તેવું કહેતા હોય એવો એક વીડિયો સામે આવ્યો છે. તેઓ કહે છે કે, “તેમણે પૈસા લીધા અને અમે તેમણે જેટલા પૈસા માંગ્યા તેટલા આપ્યા. અને તેમ છતાં તેઓએ વિશ્વાસઘાત કર્યો. આ કારણથી હું દુઃખી છું.”
ગોવિંદે પરમારે વધુમાં જણાવ્યું હતું કે 2019ની લોકસભાની ચૂંટણીમાં તેમણે રાજેશ ચુડાસમાની જીત નક્કી કરવા માટે તેમના સમુદાયના નારાજ સભ્યોને રાજી કર્યા હતા.. “2019ની લોકસભાની ચૂંટણી સમયે મારા સમાજના દરેક આગેવાન રાજેશભાઈના વિરોધમાં હતા. તમે બધા સારી રીતે જાણો છો કે એક પણ નેતા રાજેશભાઈને ટેકો આપતા નહોતા. એક નેતાએ મને કોડીનાર (ગીર સોમનાથ જિલ્લાનું એક શહેર)ના ચોકમાં સભા ન કરવા જણાવ્યુ હતુ. પરંતુ મેં તેને ફોન પર કહ્યું કે તે આવું કહેવાની હિંમત કેવી રીતે કરે અને મે ખાતરી આપી હતી કે સભા યોજાશે. અમે ત્યાં સભા કરી અને અમે રાજેશભાઈને કારડિયા રાજપૂતના 80 ટકા મત મેળવવામાં મદદ કરી. પરિવારે માનસિંહભાઈને આ સંસ્કારો (મૂલ્યો) આપ્યા છે. તેથી, હું તમને વિનંતી કરું છું, આવા ગદ્દારો (દેશદ્રોહી) ને માફ કરશો નહીં, ” એવું તાલાલાના ભૂતપૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારે કહ્યુ હતુ.
ભાજપે વર્ષ 2002 થી 2017 દરમિયાન સતત ચાર સામાન્ય ચૂંટણીઓ તેમજ 2016ની પેટાચૂંટણીમાં ગોવિંદને તાલાલા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા. તેઓ માત્ર 2002ની ચૂંટણી અને 2016ની પેટાચૂંટણી જીતી શક્યા હતા જ્યારે 2007 અને 2017માં કોંગ્રેસના ભગવાન બારડ અને 2012માં ભગવાનના મોટા ભાઈ જશુભાઈની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભગવાન, જે તાલાલાથી કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય છે, તેઓ થોડાક દિવસ પહેલા જ ભાજપમાં જોડાયા હતા. પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભગવાનને ટિકિટ આપી હતી, જેનાથી ગોવિંદ પરમાર અને ભાજપના અન્ય નેતાઓ રોષે ભરાયા છે.
સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓએ પરમાર દ્વારા આવા નિવેદનો સામે રોષ વ્યક્ત કર્યો છે. “ભાજપના નેતાઓને આ બાબત જરાય ગમી નથી. તેઓ જાહેર મંચ પરથી પક્ષના જ નેતાઓ પર આવા પ્રહાર કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી ન હતી.
તેઓએ જે શબ્દોનો ઉપયોગ કર્યો તે ખૂબ જ આકરાં છે,” એવું કહેતા ભાજપના એક વરિષ્ઠ કાર્યકર્તાએ જણાવ્યુ કે, “ભૂતકાળમાં જ્યારે પણ પક્ષ સોમનાથમાંથી કોઈ અન્યને મેદાનમાં ઉતારશે ત્યારે આ કાકા-ભત્રીજાની વર્તણૂક પર નજર રાખવામાં આવશે.”
અલબત્ત, સૌરાષ્ટ્રમાં વિશ્વાસધાતની વાત કરનાર માત્ર પરમાર એકલા નથી. નવી સરકારમાં મંત્રીપદ મેળવનાર અને રાજકોટ જિલ્લાના જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ 1 ડિસેમ્બરે મતદાન પૂર્ણ થયા બાદ જણાવ્યું હતું કે જસદણના એક અગ્રણી ભાજપના નેતાએ ખુલ્લેઆમ તેમની વિરુદ્ધ પ્રચાર કર્યો હતો અને તેઓ આ બાબતની ભાજપ પ્રદેશ અગેવાનને જાણ કરશે.
આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022: તમારા જિલ્લાની કઈ બેઠક પર કયા ઉમેદવારની જીત થઈ
બાવળિયા 2018માં ધારાસભ્ય તરીકે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તત્કાલીન વિજય રૂપાણી સરકારમાં તેમને મંત્રાલય આપવામાં આવ્યું હતું.
આવી જ સ્થિતિ મોરબી જિલ્લામાં પણ છે. મોરબી જીલ્લામાં ભાજપે ત્રણ બેઠકો જીતી છે જેમાં કાંતિલાલ અમૃતિયાએ મોરબી વિધાનસભા મતવિસ્તારમાંથી રેકોર્ડ માર્જિનથી જીત હાંસલ કર્યા બાદ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ તેમની પાર્ટીમાં “કેટલાક લોકો સામે સંઘર્ષમાં ઉતરવા ક્યારેય તૈયાર થશે નહીં”.