ગુજરાતમાં ચૂંટણી અને હિમાચલ પ્રદેશ ચૂંટણીની જાહેરાત થયા બાદ ચૂંટણી પંચે બંને રાજ્યોમાં રોકડ, દારૂ, ડ્રગ્સ વગેરે જપ્ત કર્યું છે. હિમાચલમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન 50.28 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં 71.88 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. તો, છેલ્લી 2017ની ચૂંટણી દરમિયાન ગુજરાતમાં 27.21 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.
ચૂંટણી પંચે શુક્રવારે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રોકડ, દારૂ, ડ્રગ્સ, કિંમતી ધાતુઓ અને અન્ય મફત વસ્તુઓની જપ્તી રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે મુંદ્રા પોર્ટ પર 64 કરોડ રૂપિયાના રમકડા અને માલસામાનની દાણચોરી શોધી કાઢી છે. ગુજરાતમાં, જ્યાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ચૂંટણીની જાહેરાતના દિવસોમાં જ જપ્તી રૂ. 71.88 કરોડ સુધી પહોંચી ગઈ છે.
તો, ચૂંટણી પંચે કહ્યું કે, હિમાચલમાં સ્થાનિક ચૂંટણી દરમિયાન 9.03 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે વિધાનસભા ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા જપ્તીની રકમ 50.28 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
હિમાચલ પ્રદેશમાં શનિવારે મતદાન થશે. કોંગ્રેસને આશા છે કે, તે રાજ્યમાં ફરી એકવાર સરકાર બનાવશે, જ્યારે ભાજપને આશા છે કે, આ વખતે પરંપરા બદલાશે અને રાજ્યમાં સરકાર ફરી આવશે. કોંગ્રેસને આશા છે કે, હિમાચલમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાની પરંપરા ચાલુ જ રહેશે. હિમાચલ પ્રદેશની તમામ 68 વિધાનસભા બેઠકો માટે શનિવાર, 12 નવેમ્બર, 2022ના રોજ સવારે 7 વાગ્યે મતદાન શરૂ થશે.
હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ પ્રચારમાં ભારે મહેનત કરી હતી. AICC મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ પ્રધાન અમિત શાહ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથે પ્રચારના છેલ્લા દિવસે ગુરુવારે રાજ્યમાં રેલીઓને સંબોધી હતી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 160 નામોની પ્રથમ યાદી જાહેર કરી છે. તો, થોડા કલાકો પછી, કોંગ્રેસે તેના ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી. કોંગ્રેસે 21 વર્તમાન ધારાસભ્યો અને 18 નવા ચહેરાઓને ટિકિટ આપી છે. ભાજપે 38 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે, જેમાં છ વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે જેઓ વિજય રૂપાણીની કેબિનેટનો ભાગ હતા.