ગુજરાત વિધાનસભાના ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને કતારગામ વિધાનસભા ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું છે. આ સમયે રાજ્યસભા સાંસદ અને ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા, આમ આદમી પાર્ટીના પ્રદેશનાં નેતાઓ, સ્થાનિક સંગઠનના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગોપાલ ઈટાલિયા કતારગામના અક્ષરવાડી મંદિર ખાતે પહોંચ્યા હતા. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં શીશ નમાવ્યું હતું અને આમ આદમી પાર્ટીની જીત માટે પ્રાર્થના કરી હતી. ગોપાલ ઈટાલિયા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ સુરતના કતારગામ વિસ્તારના ડભોલી ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ‘વિજય સંકલ્પ રેલી’ માં ભાગ લીધો.
એક દિવસ પહેલા ગોપાલ ઇટાલિયાએ ટ્વિટ કર્યું હતું કે આજે હું વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્ર ભરવા જાઉં છું. જીવનમાં પહેલીવાર ચૂંટણીમાં ઉભો રહ્યો છું. ખુબ નવો અને રોમાંચક અનુભવ છે. મારા જીવનના આ ઐતિહાસિક દિવસે આપ સૌ મિત્રો, પરિચિતો, સગાઓ, સ્નેહીઓ, શુભચિંતકો, વડીલો મને આશીર્વાદ આપશો એવી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.
BJP MLA કેસરીસિંહ સોલંકી AAPમાં જોડાયા
ખેડા જિલ્લાના માતર વિધાનસભા ક્ષેત્રના વર્તમાન ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં ન આવી, ત્યારબાદ તેઓ ગુરુવારે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કેસરી સિંહ સોલંકીને પાર્ટીમાં આવકાર્યા અને ટ્વિટર પોસ્ટમાં તેની જાહેરાત કરી હતી.