Gujarat Year Ender 2024:: ગુજરાતમાં આગની ગોઝારી ઘટનાઓ વિશે જ્યારે પણ વાત થશે ત્યારે સુરતની તક્ષશીલા આગ હોનારત અને રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના સૌથી પહેલા આવશે. પરંતુ આજે અમે તમને વર્ષ 2024ની એવી આગ હોનારતો વિશે જણાવીશું, જે વર્ષ 2024 દરમિયાન ચર્ચામાં રહી હતી. રાજકોટમાં 27 માસુમ લોકોના ભોગ લેનાર ટીઆરપી ગેમ ઝોનથી લઈ સુરતના સ્પામાં સિક્કિની બે યુવતીઓના મોત અને નવસારીમાં જીવતા ભૂંજાયેલા ત્રણ કામદારો સહિત અમદાવાદના બોપલમાં આવેલ 22 માળની ઈમારતમાં લાગેલી આગ. વર્ષ 2024માં આગની મોટી દુર્ઘટનાઓ વિશેની માહિતી.
રાજકોટમાં 28 નિર્દોષ માનવ જિંદગીને જીવતી ભૂંજી નાખનાર ટીઆરપી ગેમ ઝોન
રાજકોટમાં માસૂમ ભુલકાઓ સહિત નવયુગલથી લઈ પુખ્તવયના લોકોને જિંદગીને જીવતી ભૂંજી નાખનાર ટીઆરપી ગેમ ઝોન હૈયું હચમચાવી દેતી હોનારત હતી. આ આગ હોનારત બાદ રાજકોટમાં આક્રંદ જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લાના કાલાવડના ટીઆરપી ગેમિંગ ઝોનમાં 25 મે, 2024ના રોજ સાંજે આગ ફાટી નીકળી હતી. સયાજી હોટલની પાછળ TRP ગેમિંગ ઝોનમાં આગ લાગી હતી અને આગ હોનારતમાં માસુમ બાળકો સહિત કુલ 27 લોકો જીવતા ભૂંજાયા હતા. આ આગ એટલી વિકરાળ હતી કે, પાંચ કિલોમીટરના અંતર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. ટીઆરપી ગેમ ઝોનમાં આગ વિકરાળ બનવા પાછળનું મુખ્યકરાણ ત્યાં રહેલા હજારો ટાયર અને 2500 લિટર ડીઝલ હતું. ત્યાં જ ટીઆરપી ગેમ ઝોનમાં ઉપર જવા અને નીચે ઉતરવા માટે માત્ર એક જ દરવાજો હતો, જેના કારણે લોકો ઉપર ફસાઈ ગયા હતા. આગની આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે, પરિવારજનોએ પોતાના વ્હાલસોયાઓની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરાવવા પડ્યા હતા. આગની આ હોનારત બાદ રાજ્યના તમામ ગેમ ઝોનને બંધ કરી દેવામાં આવ્યા હતા અને ગુજાત સરકારે ટીઆરપી ઝોનના તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય માટે એક સ્પેશ્યલ ઈન્વેસ્ટીગશન ટીમનું ગઠન કર્યું હતું.
પોલીસે આ કેસમાં ગેમ ઝોનની ઘટના નજરે જોનાર, ગેમ ઝોનમાં કામ કરનાર, ગેમ ઝોન સાથે સંકળાયેલા વ્યક્તિ, અલગ-અલગ વિભાગના કર્મચારીઓ સહિત કુલ 365 જેટલા સાક્ષીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 30 જેટલા સાક્ષીઓના કલમ 164 મુજબ નિવેદનો લેવામાં આવ્યા હતા. જે બાદ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ અગ્નિકાંડને ગુજરાત હાઈકોર્ટે માનવસર્જિત આપત્તિ ગણાવી છે.
સુરતના સ્પામાં લાગેલી આગે સિક્કિમની બે યુવતીનો ભોગ લીધો
સુરતમાં 6 નવેમ્બર, 2024 બુધવારેના રોજ રાત્રે સિટીલાઈટ વિસ્તારમાં આવેલા શિવપૂજા કોમ્પલેક્સના ચોથા માળે જીમ અને સ્પામાં વિકરાળ આગ લાગી હતી. જેમાં બે મહિલાના મોત નિપજ્યાં હતા. સ્પામાં કામ કરનારી બંને યુવતીઓ સિક્કિમની રહેવાસી હતી. બીનું હંગામાં લીમ્બુ અને મનીષા રોય નામની યુવતીનું ધુમાડામાં ગૂંગળામણ થવાથી મોત થયું હતું. શિવપૂજા કોમ્પલેક્સના ચોથા માળે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.આ આગ લાગી ત્યારે ચાર મહિલા સહિત એક વોચમેન એમ સ્ટાફના 5 લોકો હાજર હતા. અચાનક ધુમાડો નીકળતાંની સાથે જ બે મહિલા અને એક વોચમેન બહાર ભાગ્યા હતા. જ્યારે અન્ય બે મહિલાઓ અંદરની તરફ ભાગીને બાથરૂમમાં ઘુસી ગઈ હતી. જોકે આગ એટલી વિકારળ હતી કે તેનો ધુમાડાના કારણે સ્પામાં કામ કરતી બે મહિલાના ગૂંગળામણના કારણે મોત થયા હતા.
નવસારીમાં ત્રણ કામદારો જીવતા ભૂંજાયા
9 નવેમ્બર, 2024ના રોજ નવસારી વિસ્તારમાં એક વેરહાઉસમાં લાગેલી આગમાં ત્રણ કામદારોના મોત થયા હતા. આ ઘટના શનિવારે સવારે નવસારીના બીલીમોરા વિસ્તારમાં બની હતી. આગનું કારણ કેમિકલ લીક હતું. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યો હતા. જેમાં વેરહાઉસમાંથી ધુમાડો અને જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. આ દુર્ઘટના ત્યારે બની હતી જ્યારે ટ્રકના બેરલમાંથી કેમિકલ લીક થયું હતું, જેના કારણે આગ લાગી હતી. આગ પહેલા ટ્રકમાં લાગી ત્યારબાદ તે આખા વેરહાઉસમાં ફેલાઈ ગઈ હતી. જેના કારણે ત્રણ કામદારોના મોત થયા જ્યારે ત્રણ ગંભીર રીતે દાઝી ગયા હતા.
વડોદરામાં ઈન્ડિયન ઓઈલ રિફાઈનરીમાં ભીષણ આગ લાગી
11 નવેમ્બર, 2024ના રોજ વડોદરાના કોયલી સ્થિત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL)ના ઓઇલ રિફાઇનરી પ્લાન્ટમાં બપોરના સમયે આગ ફાટી નીકળી હતી. આ આગના ધુમાડા કેટલાય કિલોમીટર દૂર સુધી દેખાતા હતા. આ ઘટનામાં કોઈનું મૃત્યુ થયુ ન હતું, જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. જોકે આ ઘટના એટલી ગંભીર હતી કે આસપાસનો વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો હતો અને આસપાસના જિલ્લાઓમાંથી ફાયર ફાઈટર બોલાવવાની જરૂર પડી હતી. ત્યાં જ આ આગ પર બે દિવસ બાદ કાબૂ મેળવાયો હતો.
દ્વારકામાં શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી, 4 લોકોના મોત
31 માર્ચ, 2024ના રોજ દ્વારકામાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. મૃતકોમાં સાત મહિનાની પુત્રી, પતિ-પત્ની અને દાદી હતા. આગની ઘટના સવારે 3 થી 4 વચ્ચે બની હતી જ્યારે શોર્ટ સર્કિટના કારણે ઘરમાં રહેતા લોકો આગના કારણે ફેલાતા ધુમાડા અને ધુમ્મસના કારણે શ્વાસ રૂંધાઈ ગયા હતા અને ચાર લોકોના મોત થયા હતા. મૃતકોની ઓળખ પવન કમલેશ ઉપાધ્યાય (30 વર્ષ), પવન ઉપાધ્યાય (27 વર્ષ), ધ્યાન ઉપાધ્યાય (7 મહિનાની છોકરી) અને પવનની માતા ભામિનીબેન ઉપાધ્યાય તરીકે થઈ હતી.
અમદાવાદમાં 22 માળની ઈમારતમાં આગ બાદ 100 લોકોનું રેસ્ક્યૂ
ગુજરાતના અમદાવાદના બોપલ વિસ્તારમાં એક મહિના અગાઉ 16 નવેમ્બરના રોજ ઈસ્કોન પ્લેટિનમ નામની 22 માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો જોઈને આસપાસના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે માહિતી મેળવીને 100 લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. જોકે આ દરમિયાન એક મહિલા બેભાન થઈ ગઈ હતી અને તેને હોસ્પિટલ મોકલવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈનું મોત નિપજ્યુ નહોતું.
રાજકોટમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ
રાજકોટમાં 11 ડિસેમ્બર 2024ના રોજ મેટોડા જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીનની ફે્કટરીમાં ભીષણ આગ લાગતાં ફેક્ટરીમાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. અને સતત કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આ આગ પર કાબૂ મેળવાયો હતો. આ ઘટનામાં ગોપાલ નમકીનની ફે્કટરીમાં લગભદ 25 કરોડ રૂપિયાનું નુક્સાન થયુ હતું. જોકે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નહોતી.