Uniform Civil Code: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થોડા દિવસોમાં થઈ શકે છે. તે સમયે વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને સરકારે કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ પસાર કર્યો છે. આ વિશે એક કમિટી બનાવવાની પણ જાહેરાત કરી છે. આ કમિટી યુનિફોર્મ સિવિલ કોડની શક્યતા તપાસશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટ્વિટ કર્યું કે રાજ્યમાં સમાન સિવિલ કોડ (Uniform Civil Code)ની આવશ્યકતા ચકાસવા તથા આ કોડ માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દેશના ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કેબિનેટની બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. બેઠકમાં સમાન નાગરિક સંહિતા માટે એક સમિતિ ગઠન કરવાનો નિર્ણય થયો છે..
તમને જણાવી દઈએ કે સમાન નાગરિક સંહિતા હંમેશા ભાજપના એજન્ડામાં રહી છે. 1989માં પહેલીવાર ભાજપે તેના ઢંઢેરામાં UCCનો સમાવેશ કર્યો હતો. તે પછી ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં પણ સમાન નાગરિક સંહિતાનો સમાવેશ કર્યો હતો. ભાજપનું માનવું છે કે જ્યાં સુધી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ નહીં થાય ત્યાં સુધી દેશમાં લિંગ સમાનતા નહીં આવી શકે.
આ પણ વાંચો – ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં શરુ કર્યું ‘પોતાનો મુખ્યમંત્રી પસંદ કરો’ અભિયાન
UCC શું છે?
યુનિફોર્મ સિવિલ કોડ બધાને સમાન અધિકાર આપે છે. જો અમલ કરવામાં આવે તો લગ્ન, છૂટાછેડા, બાળકોને દત્તક લેવા અને મિલકતના વિભાજન જેવી બાબતોમાં સમાન નિયમો તમામ નાગરિકોને લાગુ પડશે. એટલે કે દેશમાં રહેતા દરેક નાગરિક માટે એક સમાન કાયદો હશે. પછી ભલે તે કોઈપણ જાતિ કે ધર્મનો હોય.
આ વર્ષે મે મહિનામાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરી હતી. આ સમિતિએ છ મહિનામાં ડ્રાફ્ટ તૈયાર કરવાનો હતો, જેની સમયમર્યાદા નવેમ્બરમાં પૂર્ણ થવાની છે. સમિતિએ યુનિફોર્મ સિવિલ કોડ અંગે લોકો પાસેથી સૂચનો પણ માંગ્યા હતા.