ગાંધીનગર : ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને (GSRTC) અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક સ્થળોને ગિફ્ટ સિટી સાથે જોડતી ત્રણ નવી ઈલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવી છે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં આવવા તથા જવા માટે ગ્રીન ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓને મજબૂત કરવાના પ્રયાસરૂપે આ બસો ચાલુ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.
ગિફ્ટ સિટી જવા કયા રૂટ પર બસ દોડશે
હાલમાં નારોલથી ગિફ્ટ સિટી, શાંતિપુરા-એસજી હાઈવેથી ગિફ્ટ સિટી અને ગાંધીનગર પથિકાશ્રમથી ગિફ્ટ સિટી એમ ત્રણ રૂટ પર બસો દોડે છે. જાહેર પરિવહનની વધતી જતી માંગ, ઓફિસના સમય અને અમદાવાદ તથા ગાંધીનગરના મુખ્ય ટ્રાન્ઝિટ પોઈન્ટ સાથે વધુ સારી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે ત્રણ રૂટ શરૂ કરવામાં આવ્યા છે.
ગિફ્ટ સિટી જવા હવે સાત બસો દોડશે
ઉલ્લેખનીય છે કે, ગિફ્ટ સિટીએ ગયા વર્ષે ઈલેક્ટ્રિક વ્હીકલ (ઈવી) પરિવહન સેવાઓ માટે ચાર્ટર્ડ સ્પીડ લિમિટેડ સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા અને ગિફ્ટ સિટી સાથે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા વિવિધ રૂટ પર ચાર ઈલેક્ટ્રિક બસો પહેલેથી જ દોડી રહી છે. જીએસઆરટીસી દ્વારા ત્રણ રૂટ પર ચલાવવામાં આવી રહેલી ઈલેક્ટ્રિક બસોનો નવીનતમ ઉમેરો ગિફ્ટ સિટીમાં કામ કરતા 20,000થી વધુ લોકોને પોસાય તેવા ખર્ચે કનેક્ટિવિટીની સરળતા પૂરી પાડશે.
20 હજાર કર્મચારીઓ અને મુસાફરોને ફાયદો થશે
આ મામલે ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રેએ જણાવ્યું હતું કે, “ગિફ્ટ સિટી જેવા આધુનિક સ્માર્ટ સિટી માટે, વિકાસને આગળ ધપાવવા માટે ટકાઉપણું ખૂબ મહત્વનું છે. પ્રારંભથી જ ગિફ્ટ સિટીએ પર્યાવરણના ભોગે વિકાસ ન સાધવા માટે ગ્રીન પહેલ હાથ ધરી છે. અમે ગયા વર્ષથી ગિફ્ટ સિટીમાં ઈ-મોબિલિટી સુવિધાઓ શરૂ કરી દીધી છે અને જીએસઆરટીસી દ્વારા ત્રણ નવી ઈલેક્ટ્રિક બસોની તાજેતરની રજૂઆતથી ગિફ્ટ સિટીમાં અને ત્યાંથી આવતા મુસાફરોને ચોક્કસપણે ફાયદો થશે.”
આ પણ વાંચો – નરોડા ગામ રમખાણ કેસ: નિર્દોષ છૂટેલા લોકો વિરુદ્ધ અપીલ કરવા SIT સરકારની મંજૂરીની રાહ જોઈ રહી
ગિફ્ટ સિટીને અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક ભાગો સાથે જોડતી ઈવી બસો ઉપરાંત તેને મેટ્રો કનેક્ટિવિટી પણ મળવાની છે, જેના માટે બાંધકામની કામગીરી ચાલી રહી છે. ગિફ્ટ સિટીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ દરરોજ અમદાવાદ અને ગાંધીનગરથી મુસાફરી કરે છે અને ગિફ્ટ સિટીમાં બેઝ સ્થાપવા માટે વધુ એકમો યોજના બનાવી રહ્યા છે ત્યારે ગિફ્ટ સિટીમાં અને ત્યાંથી મુસાફરી કરતા કર્મચારીઓ ચોક્કસપણે જાહેર પરિવહનની વધુ માંગ ઊભી કરશે.