ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દિવાળીના દિવસોમાં રાજ્યના નાગરિકો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત સેફ દિવાલી સેફ સુરત કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આજથી (21 ઓક્ટોબર) ચાલુ થઈને આવનાર 27 તારીખે રાતના 12 વાગ્યા સુધી ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનો દંડ રાજ્યમાં ઉઘરાવવામાં આવશે નહીં.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે દિવાળીનો તહેવાર છે અને આ દિવાળીના તહેવારમાં મારા ગુજરાતના નાગરિકો જ્યારે સવારે ઘરેથી નીકળી નાની મોટી દિવાળીની ખરીદી કરવા જાય છે. કોઈ પોતાના પરિવાર સાથે મંદિરમાં પૂજા, દર્શન કરવા જાય છે. ત્યારે તેમની સાથે કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તેના માટે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી ચાલુ થઈને આવનાર 27 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનો દંડ ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતમાં ઉઘરાવવામાં આવશે નહીં.
આ પણ વાંચો – ગુજરાત ટૂર : સાસણ ગીર અભ્યારણ પ્રવાસ માટે કેવી રીતે કરશો ઓનલાઈન બુકિંગ? કેટલો ખર્ચ થાય? જાણો બધું જ
ગુજરાતનો કોઇ નાગરિક હેલ્મેટ વગર કે પછી લાઇસન્સ વગર પકડાશે કે બીજા કોઇ પ્રકારના ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરતા પકડાશે તો તેને ભાન થાય તે માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તેમને ફુલ આપીને તેમની જવાબદારીનું ભાન કરાવવામાં આવશે.
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે દિવાળીના તહેવારમાં તમારા બચતથી ગરીબ પરિવાર મધ્યમ વર્ગના પરિવાર પાસે સામાન ખરીદવાના હોય, પછી તે દીવડાવો હોય કે પછી બહાર લટકાવવાના તોરણો હોય કે પછી અલગ અલગ રંગોળી પુરવાના રંગો હોય અને તે તમારા બચતની રકમ પોલીસના દંડમાં ન જાય માટે અમે આ નિર્ણય લીધેલો છે. એનો મતલબ એ નથી કે 27 તારીખ સુધી ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરીએ. નિયમોનું પાલન જરૂરથી કરજો પરંતુ ભૂલ થઇ ગઈ હોય તો તમારી દિવાળી બગડવા નહીં દઈએ તેનું વચન તમને આપું છું.