ગુજરાતમાં બે વર્ષ બાદ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ વખતે 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ગુજરાતના અમદાવાદ, સુરત સહિત લગભગ 10 શહેરોમાં અલગ-અલગ દિવસ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાઇટ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં દેશ – વિદેશના પતંગબાજોએ ભાગ લીધો છે.
ધોલેરા ખાતે પહેલીવાર કાઇટ ફેસ્ટિવલનું આયોજન
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023માં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, ધોલેરા સહિત લગભગ 10 શહેરોમાં અલગ-અલગ દિવસે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 12 જાન્યુઆરીના રોજ પહેલીવાર ધોલેરા ખાતે ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DICDL)ની યજમાની હેઠળ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.
18 દેશોના 42 પતંગબાજોએ ભાગ લીધો
ધોલેરામાં નિર્માણ પામી રહેલા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝન (Dholera Special Investment Region) ખાતે આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ફાઇટ ફેસ્ટિવલમાં કેનેડા, અમેરિકા, રશિયન ફેડરેશન, ન્યુઝિલેન્ડ, શ્રીલંકા, ઇજિપ્ત, સાઉદી અરેબિયા સહિત વિવિધ 18 દેશોમાંથી 42 પતંગબાજોએ ભાગ લીધો હતો. ઉપરાંત ભારતના ચાર રાજ્યોના 26 પતંગબાજો અને ગુજરાતના 25 પતંગબાજો મળીને કુલ 98 પતંગબાજો એ આ પતંગોત્સવમાં તેમના અનોખા પતંગોનું પ્રદર્શન કર્યું અને આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાવી હતી.

આ પણ વાંચોઃ પતંગ ઉડાવવાના ફાયદાઓ – આંખોનું તેજ વધે અને શરીર બને મજબૂત
ભારતના 650 કરોડ રૂપિયના પતંગ ઉદ્યોગમાં ગુજરાતનો હિસ્સો 40 ટકા હિસ્સો
ધોલેરા ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં નિવેદન આપતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ તથા આયુષ રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યુ કે, ભારતમા શરૂઆતમાં પતંગનો ઉદ્યોગ માત્ર 10 કરોડ રૂપિયાનો હતો. જે ત્યારબાદ અનેક ગણો વધીને વર્તમાનમાં 650 કરોડ રૂપિયાથી વધી ગયો છે અને તેમાં 40 ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે. પ્રાથમિક અંદાજ મુજબ પતંગ ઉદ્યોગ લગભગ 13 લાખ લોકોને રોજગારી આપી છે.