રાજ્યના સૌથી લાંબા શહેરી ઓવરબ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડોદરામાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરાના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી બનાવાયેલા આ 3.5 કિલોમીટર લાંબા બ્રિજ 230 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે. આ બ્રિજનું નામ અટલ બ્રિજ આપવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા બે દાયકાથી ગુજરાતના વિકાસનો જે મજબૂત પાયો નાખ્યો છે, તેને આધાર બનાવીને સરકાર સમાજના છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં જોડીને સુશાસન થકી સરકારની યોજનાઓના લાભો પહોંચાડી રહી છે. રાજ્ય સરકારે સુશાસનને કાર્યસંસ્કૃતિમાં ઉતાર્યું છે અને નાનામાં નાના માનવીને કોઇ તકલીફ ના પડે તેવી સુશાસનિક વ્યવસ્થાઓનું નિર્માણ કર્યું છે.
તેમણે કહ્યું કે આઝાદીના અમૃતકાળે વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવાની દિશામાં સરકાર મક્કમ કદમે આગળ વધી રહી છે.
આ પણ વાંચો – મનસુખ માંડવિયા રાજકીય સફર: ભાજપના કાર્યકરથી લઈ કોવિડ સમયમાં આયોજક અને આરોગ્ય મંત્રી સુધી ‘વિનમ્ર’
230 કરોડ રૂપિયાનો થયો ખર્ચ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરામાં ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેઇના જન્મ દિન એવા સુશાસન દિવસે સમગ્ર ગુજરાતમાં શહેરી વિસ્તારમાં 230 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલા સૌથી લાંબા 3.50 કિલોમીટરના નવીન ફ્લાય ઓવર બ્રીજનું લોકાર્પણ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વિદેશી રોકાણકારો માટે આજે પણ સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ પસંદગીનું રાજ્ય છે, રાજ્યમાં થયેલા ઔદ્યોગિક વિકાસ અને મૂડી રોકાણને કારણે ગુજરાત રોજગારી આપવામાં સમગ્ર દેશમાં સર્વ પ્રથમ છે. ગુજરાતને ડબલ એન્જીન સરકારનો ભરપૂર લાભ મળી રહ્યો છે. રાજ્યમાં માર્ગો છેવાડાના ગામ સુધી પહોંચાડ્યા છે. એટલું જ નહીં, ડબલ લેનને ફોર લેન, ફોર લેનને સિક્સ લેન માર્ગમાં રૂપાંતરિત કર્યા છે. પૂલો, અન્ડર પાસ, ઓવર અને અન્ડર બ્રિજની આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા હળવી થઇ રહી છે.