મધ્યપ્રદેશના છિંદવાડામાં બાળકોના મૃત્યુ બાદ વધુ બે કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયઇથિલિન ગ્લાયકોલનું ઉચ્ચ સ્તર હોવાનું જાણવા મળ્યું છે. મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના તપાસ અહેવાલમાં ગુજરાત નિર્મિત રિલાઇફ અને રેસ્પિફ્રેશ ટીઆર સિરપ હલકી ગુણવત્તાવાળા હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે આ સિવાયની જે કંપનીઓ કફ સિરપ બનાવે છે એની પણ ગુજરાત સરકાર દ્વારા તપાસ કરી પ્રમાણિત કરાશે.
એક પણ બોટલ બજારમાં ના રહે – ઋષિકેશ પટેલ
વધુમાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશમાં આ બંને સિરપ નોટ ઓફ સ્ટાન્ડર્ડ જાહેર થયાં છે, જેથી ગુજરાતના બજારમાં જે પણ જથ્થો ગયો છે એ પરત ખેંચી લેવા આદેશ કરાયો છે. છેલ્લામાં છેલ્લી બોટલ પરત ન ખેંચાય જાય ત્યાં સુધી તેના પર નજર રાખવા FDCAના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ સિવાય પણ ગુજરાતમાં જે કંપનીઓમાં આ પ્રકારનાં સિરપ બની રહ્યાં છે એની તપાસ કરવાનો નિર્ણય કરાયો છે.
ગુજરાતમાં લાઇસન્સ ધરાવતી કુલ 624 ઓરલ લિક્વિડ દવા બનાવતી કંપની સ્થિત છે. જે તેમના ઉત્પાદનોનો પુરવઠો રાજ્યની અંદરના અધિકૃત વિતરણકારો મારફતે તેમજ રાજ્ય બહારના વિસ્તારોમાં પણ સપ્લાય કરે છે.
મંત્રી પટેલે કહ્યું હતું કે, તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આવેલી મે. શેપ ફાર્મા પ્રા. લિ. તેમજ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલી મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ. દ્વારા ઉત્પાદિત કફ સિરપના નમૂનાઓ ‘નોટ ઑફ સ્ટાન્ડર્ડ’ જાહેર થયા હતા. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તથા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનના ડ્રગ ઇન્સ્પેક્ટરો દ્વારા ગત તા. 03 થી 05 ઓક્ટોબર, 2025 દરમિયાન આ બંને પેઢીઓની જોખમ-આધારિત સંયુક્ત તપાસ કરવામાં આવી હતી.
આ સંયુક્ત તપાસના અહેવાલમાં જોવા મળેલી જુદી-જુદી ક્ષતિઓના આધારે સંયુક્ત તપાસ ટીમ દ્વારા મે. શેપ ફાર્મા પ્રા. લિ., સુરેન્દ્રનગર અને મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ., અમદાવાદને તાત્કાલિક અસરથી દવાનું ઉત્પાદન બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ તપાસ દરમિયાન ઉપરોક્ત પેઢીઓમાં “નોટ ઑફ સ્ટાન્ડર્ડ” દવાનો જથ્થો જોવા મળ્યો ન હતો. જોકે તપાસ ટીમ દ્વારા બંને પેઢીઓને NSQ દવાઓનો જથ્થો તાત્કાલિક ધોરણે બજારમાંથી પાછો ખેંચી લેવા (રીકોલ કરવા) માટે પણ આદેશ કરવામાં આવ્યો છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બે સિરપ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ એ જ ઝેરી પદાર્થ છે જે અગાઉ કોલ્ડ્રિફ સિરપમાં જોવા મળ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આ સિરપમાં ડાયઇથિલિન ગ્લાયકોલનું પ્રમાણ 0.1 ટકાની નિર્ધારિત મર્યાદા કરતા અનેક ગણું વધારે છે, જે કિડની નિષ્ફળતા અને મગજને નુકસાન જેવી પરિસ્થિતિઓનું કારણ બની શકે છે.
આ પણ વાંચો: કેન્સરગ્રસ્ત પિતાએ મારા પછી બાળકોનું શું થશે? આ વ્યથામાં બે બાળકોને ઝેરી આપ્યું
ગુજરાતની બે સિરપના નમૂના ફેલ
મધ્યપ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાને કારણે 16 બાળકનાં મોત બાદ હોબાળો મચ્યો છે. એની વચ્ચે ગુજરાતની MFG-M/s Shape pharma Pvt. Ltd.માં બનેલા રી-લાઈફ અને MFG- M/s Rednonex Pharmaceuticals Pvt. Ltd. માં બનેલા રેસ્પિફ્રેસ ટીઆર નામના કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ વધુ મળ્યું છે. મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ બંને સિરપ પર રોક લગાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
19 દવાના નમૂનાઓમાં ચાર સિરપ અસુરક્ષિત મળી આવી
26 થી 28 સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના ડ્રગ ઇન્સ્પેક્ટરોએ ફાર્મસીઓ અને હોસ્પિટલોમાંથી 19 દવાના નમૂના પરીક્ષણ માટે મોકલ્યા હતા, જેમાંથી ચાર સિરપ અસુરક્ષિત હોવાનું જાણવા મળ્યું હતું. સરકારે તમામ દવા ઉત્પાદકો, નિરીક્ષકો, મુખ્ય તબીબી અધિકારીઓ (CMOs) અને મેડિકલ કોલેજોને એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં તેમને ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફેનીલેફ્રાઇન HCL જેવા રસાયણોના ઉપયોગમાં સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે.
મધ્ય પ્રદેશ સરકારે સમગ્ર મામલાની જવાબદારી નક્કી કરવા માટે જબલપુર, છિંદવાડા, બાલાઘાટ અને મંડલા જિલ્લાના ડ્રગ ઇન્સ્પેક્ટરોની બનેલી એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે.