ગુજરાતમાં ફાગણ મહિનામાં ચોમાસો જેવો માહોલ સર્જાયો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સૌથી વધારે મુશ્કેલી ખેડૂતો ભોગવી રહ્યા છે. ખેડૂતોના ખેતરમાં ઉભેલા જીરું, ઘઉં, કપાસ, ઇસબગુલ જેવા પાકો પાયમાલ થઇ ગયા છે. જેના કારણે ખેડૂતોને આર્થિક માર પડ્યો છે અને હાથમાં આવેલો કોળિયો છીનવાઇ ગયો છે. રવિવારે પણ ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ, કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં પણ રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો. બોપલ, ઘુમા સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
સૌરાષ્ટ્ર- કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ
ચોટીલામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધરમપુર, રામપરા ગામે કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથના ઉના તાલુકાના નવાબંદર ખાતે કમોસમી વરસાદ પહેલા ભારે પવન સાથે આંધી આવી હતી. જોરદાર પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. આ પછી ગીર સોમનાથમાં કરા સાથે વરસાદ પણ પડ્યો હતો. અમરેલી જિલ્લામાં પણ સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં પણ પાટણ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા હતા. વરસાદ પણ વરસ્યો હતો.
કચ્છમાં સતત ત્રીજા દિવસે કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. અંજાર તાલુકાના વરસામેડી અને આસપાસના વિસ્તારમાં કરા સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. ગાંધીધામમાં પણ વરસાદ વરસ્યો હતો.
હજુ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટબન્સ સિસ્ટમ એક્ટિવ થતાં હજુ પણ કમોસમી વરસાદની સ્થિતિ વરસી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે રાજ્યમાં 26 માર્ચથી 28 માર્ચ સુધી વરસાદી માહોલ રહેશે.
આ પણ વાંચો – પોરબંદરના દરિયામાં ડોલ્ફીનનો શિકાર કરતી આંતરરાજ્ય ગેંગ પકડાઇ, બોટના કોલ્ડરૂમમાં 22 મૃત માછલી મળી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા કલેક્ટરો સાથે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી. ખાસ કરીને અમરેલી, જુનાગઢ, સૌરાષ્ટ્ર–કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયેલા આ કમોસમી વરસાદથી રવિપાકોની ગુણવત્તાના નુકસાન સહિતના અન્ય નુકસાન તેમજ ઉનાળુ પાકો અને ફળાઉ પાકોના નુકસાનની પ્રાથમિક વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી.
તેમણે સંબંધિત જિલ્લા કલેક્ટરોને તેમના જિલ્લાઓમાં થયેલા ખેતીવાડી નુકસાનનો પ્રાથમિક સર્વે કરાવી લેવા પણ દિશાનિર્દેશો આપ્યા હતા. આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટરોએ પોતાના જિલ્લામાં પાક નુકસાન સહિતના નુકસાનીના સર્વે માટે ટીમ કાર્યરત કરી દેવામાં આવી છે તેની વિસ્તૃત વિગતો આપી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરોને માર્ગદર્શન આ૫તા કહ્યું કે આ સર્વેમાં કોઇને અન્યાય ન થાય તે રીતે સર્વે કરીને નિયમાનુસારની ચુકવણી માટે યોગ્ય કાર્યવાહી થાય તે આવશ્યક છે.
ભૂપેન્દ્ર ૫ટેલે એમ ૫ણ જણાવ્યું કે કેન્દ્રીય હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટાનો જે સંભવિત વર્તારો દર્શાવ્યો છે તેની સામે પાક સંરક્ષણ સહિતનું આગોતરુ આયોજન જિલ્લાસ્તરે કલેક્ટરો કરી લે. આ સિવાય માનવમૃત્યુ કે ૫શુ જાનહાનિ ન થાય તે માટે સતર્ક રહીને સાવચેતી અને સલામતીના ૫ગલાઓ લેવા તાકિદ કરી હતી.
27 જિલ્લાઓના 111 તાલુકાઓમાં 1 મીમી.થી 47 મીમી વરસાદ નોંધાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદી સ્થિતિના કરેલા આકલન દરમિયાન જણાવવામાં આવ્યું કે રાજ્યના 27 જિલ્લાઓના 111 તાલુકાઓમાં 1 મીમી.થી 47 મીમી વરસાદ નોંધાયો છે. મુખ્યત્વે 18 જિલ્લાના 33 તાલુકાઓ એવા છે, જ્યાં 10 મીમીથી વધુ વરસાદ પડ્યો છે. એટલું જ નહી તારીખ પાંચ માર્ચથી નવમી માર્ચ દરમિયાન 27 જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.