ગત 8 નવેમ્બરના રોજ ગુજરાત એટીએસની ટીમે ગાંધીનગર પાસેથી ત્રણ રાષ્ટ્ર વિરોધી તત્વોની ધરપકડ કરી હતી. ગુજરાત ATS એ કલોલ નજીક ડૉ. અહેમદ સૈયદ, આઝાદ શેખ અને મોહમ્મદ સુહેલ સલીમ ખાન નામના ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી બે ગ્લોક પિસ્તોલ, એક બેરેટા પિસ્તોલ અને 27 કારતૂસ મળી આવ્યા હતા. ત્યાં જ આ આતંકીઓ પાસેથી રિસિન ઝેર બનાવવા માટે વપરાતા ચાર લિટર રસાયણો પણ મળી આવ્યા હતા.
જોકે તેના એક દિવસ બાદ પણ એટીએસ એ ફરિદાબાદમાં પણ રાષ્ટ્ર વિરોધી તત્વો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યાં જ તેના એક દિવસ બાદ દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયો હતો. હવે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસ સતર્ક થઈ અને એક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં સુચના આપવામાં આવી હતી.
ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયે તમામ શહેર અને જિલ્લાના પોલીસ વડાઓને મહત્વપૂર્ણ તાકીદ કરી છે. સૂચના પ્રમાણે, છેલ્લા 30 વર્ષ દરમિયાન ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં ઝડપાયેલા તમામ આરોપીઓનું સંપૂર્ણ ચેકિંગ કરીને વેરીફીકેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
આ પણ વાંચો: ભારતીય સેનાના સૈનિકે ભૂખી ગાયને પોતાનો ખોરાક આપ્યો, હૃદયસ્પર્શી વીડિયો વાયરલ
આ કાર્યવાહી અંતર્ગત દરેક આરોપી અંગેનું વિગતવાર ડોઝિયેર તૈયાર કરવાનું રહેશે અને સમગ્ર પ્રક્રિયા આગામી 100 કલાકની અંદર પૂર્ણ કરવાની ફરજિયાત સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. રાજ્ય સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને જૂના ગંભીર ગુનાઓનું પુનઃમૂલ્યાંકન કરવા માટે આ પગલું ખૂબ મહત્વનું ગણાય છે.
ત્યાં જ પોલીસ વિભાગને અત્યાર સુધીના રેકોર્ડનો તથા આરોપીઓના સંપર્કોની પણ વિસ્તૃત તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજ્ય સુરક્ષાની દૃષ્ટિએ આ અભિયાનને એક મોટા ક્લીનઅપ ડ્રાઈવ તરીકે જોવામાં આવી રહ્યું છે.





