scorecardresearch

વરસાદની આગાહી! ગુજરાતના આ જિલ્લામાં હજુ પાંચ દિવસ ખતરો, કેમ ભરઉનાળે પડી રહ્યો વરસાદ? ખેતીને કેવું નુકશાન?

Gujarat Weather : ગુજરાતમાં કમોસમી વરસાદે (Gujarat unseasonal rain) ખેડૂતો (Farmers) ની હાલત દયનીય કરી છે. હવામાન વિભાગે (Meteorological Department) હજુ પાંચ દિવસની વરસાદની આગાહી (Rain forecast) કરી છે. અનેક વિસ્તારમા ભારે પવન સાથે કરા પડ્યા છે. તો કેમ ગુજરાત સહિત દેશભરમાં વરસાદ પડી રહ્યો તે જોઈએ.

Gujarat Rain
ગુજરાતમાં વરસાદ (ફોટો – એક્સપ્રેસ)

Gujarat Weather : ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યો ભર ઉનાળે કમોસમી વરસાદથી ખેડૂતો સહિત લોકો પરેશાન થઈ ગયા છે. અનેક સ્થળો પર વરસાદ અને ભારે પવન સાથે કરા પડી રહ્યા. જેને પગલે રવિ પાકને મોટા પાયે નુકશાન થયું છે. આ સાથે બેવડી રૂતુ સર્જાતા લોકોના આરોગ્ય પણ બગડી રહ્યા છે. ઘરે-ઘરે શરદી-કફ-ઉધરસના કેસ જોવા મળી રહ્યા છે. હજુ પણ પાંચ દિવસ સુધી કમોસમી વરસાદના ખતરામાંથી રાહત મળે તેમ દેખાઈ રહ્યું નથી. હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લામાં હજુ પણ પાંચ દિવસ વરસાદ પડી શકે છે તેવી આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ, તથા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

તા. 20 અને 21ના રોજ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, તથા કચ્છ જિલ્લામાં તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તો મધ્ય ગુજરાતમાં મહિસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં વરસાદની સંભાવના છે.

તા. 22ના રોજ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં તથા કચ્છ જિલ્લામાં અને ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં વરસાદની સંભાવના છે.

તા. 23-24 ના રોજ પણ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

કેમ ગુજરાત સહિત દેશભરમાં વરસાદ પડી રહ્યો?

ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. તમામ લોકો વિચારી રહ્યા છે કે, માર્ચ મહિનામાં ભાગ્યે જ વરસાદ જોવા મળે તો આ વખતે કેમ ગુજરાત સહિત દેશભરમાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલમાં ગુજરાત સહિત દેશભરમાં વરસાદ થવાના પાંચ કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે.

(1) સૌપ્રથમ ગુજરાતમાં કેમ વરસાદ પડી રહ્યો છે તેની વાત કરીએ તો, અરબ સાગરમાં એન્ટી સાયક્લોન સિસ્ટમ સર્જઈ છે, જેને પગલે ભેજવાળા પવન ગુજરાતમાં આવી રહ્યા છે, અને એકબાજુ ગરમી પણ પડી રહી છે, જેને પગલે વરસાદ પડી રહ્યો છે.
(2) સૌથી મહત્વનું કારણ વિવિધ વિસ્તારોમાં સર્જાયેલી વેધર સિસ્ટમ છે. ક્યાંક સાયક્લોન સર્કુલેશન તો ક્યાંક ભેજવાળા પવન જવાબદાર છે.
(3) રાજસ્થાનમાં બે સ્યક્લોનિક સર્ક્યુલેશન બનેલા છે.
(4) જમ્મુ કાશ્મીરમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે.
(5) બેગાળની ખાડીમાં ભેજવાળા પવન અને બીજી બાજુ ઉનાળાની ગરમીને પગલે મધ્ય ભારત અને પૂર્વોત્તર તરફ વરસાદ થઈ રહ્યો છે.

ખેડૂતોની હાલત દયનીય

ભરઉનાળે કમોસમી વરસાદને પગલે સૌથી વધારે ચિંતિતિ ખેડૂતો છે. ખેતરોમાં રવી પાક ઉભો હતો અને માવઠાથી ખેડૂતોના સપના પર પાણી ફરી વળ્યું છે. રાજ્યમાં ભરમાં લાખો હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ વરસાદે ખેડૂતોની સ્થિતિ દયનીય કરી છે. એક અઠવાડિયાના વિરામ બાદ ફરી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

એકબાજુ ખેડૂતોને બિયારણના વધતા ભાવ, ઊંચા મજૂરી ભાવ અને દવાના ભાવનો માર સહન કરી રહ્યા હતા, બીજી બાજુ ખેડૂતો તૈયાર પાક લણવાની તૈયારી કરી રહ્યા હતા તેજ સમયે વરસાદ પડતા ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં જીરા, રાયડો, ધાણા, ઘઉં, ચણા, બટાકા, તમાકુ જેવા પાક તૈયાર થઈ ગયા હતા, લોકોના પાક ખેતરમાં પડ્યા છે, અને વરસાદ પડતા ખેડૂતોને મોટુ નુકશાન વઠવાની સ્થિતિ સર્જાઈ છે. તો ઇસબગુલ, કપાસ જેવો પાકમાં પણ મોટા પાયે નુકશાન થયું છે. ખેડૂતો હવે સરકાર નુકશાન માટે કઈક વળતર આપે તે તરફ આશા રાખી રહ્યા છે.

કમોસમી વરસાદને પગલે મોંઘવારી

રાજ્ય સહિત દેશભરમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકશાન થતા, અનેક જીવન જરૂરિયાતની વસ્તુઓના ઉત્પાદનમાં ઘટાડો સર્જાય છે. જેને પગલે વસ્તુઓ મોંઘી થઈ રહી છે. કમોસમી વરસાદથી મસાલા જેમ કે, મરચું, ધાણા અને જીરુંને પણ મોટાપાયે નુકશાન થયું છે. જેને પગલે મસાલાના ભાવમાં 30થી 40 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ વરસાદથી શાકભાજીના પાકને પણ મોટા પાયે નુકશાન થયું છે, જેથી શાકભાજીના ભાવમાં પણ વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે.

આ પણ વાંચોગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદ અને કરા, ખેડૂતોની કફોડી સ્થિતિ

ક્યાં-ક્યાં ભારે પવન, વરસાદ સાથે કરા પડ્યા

હળવદમાં ભારે પવન સાથે 18 માર્ચે વરસાદ અને કરા પડ્યા હતા, આ સિવાય તાલુકાના જુના ધનાળા, નવા ધનાળા, ઈશ્વર નગર સહિતના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો હતો

કચ્છના રાપર તાલુકાના હાઇવે પટ્ટીના ગાગોદર અને આસપાસના ગામોમાં કરા સાથે ભારે વરસાદ પડ્યો હતો

દાહોદના ગરબાડા તાલુકા સહિત આજુબાજુના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને સાથે કરા પડ્યા હતા

ભરૂચ જિલ્લામાં 40 કિમીના પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જિલ્લાના નેત્રંગ વિસ્તારમાં કરા પડ્યા હતા

ભાવનગર શહેરમાં પણ 18 માર્ચે મોડી રાત્રે ભારે પવન સાથે કરા પડ્યા હતા

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા વિસ્તારમાં બરફના કરા પડ્યા હતા

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાંસકુઈ અને ખોજ પારડીમાં પણ કરા પડ્યા હતા

વડોદરાના કરજણના પશ્ચિમ વિસ્તારના બોડાકા, કંબોલા, સાપા, કરમડી, માંગરોલ, કણભા, ચોરભુજ સહિતના ગામડાઓમાં પણ ભારે પવન સાથે કેટલાક વિસ્તારમાં કરા પડ્યા હતા.

Web Title: Gujarat rain forecast five more days why raining in summer farmers agriculture

Best of Express