Gujarat Rain Weather Forecast Update : ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરુ થઇ ગયો છે. રવિવારને 7 સપ્ટેમ્બરના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 221 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે બનાસકાંઠાના સૂઈગામમાં 11.93 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યાં જ રાજ્યના 38 તાલુકાઓમાં 251 થી 500 મિમિ વરસાદ, 137 તાલુકાઓમાં 501 થી 1000 મિમિ વરસાદ અન 1000 મિમિથી વધુ વરસાદ 76 તાલુકાઓમાં ખાબક્યો છે.
221 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં રવિવારને 7 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં બનાસકાંઠાના સૂઈગામમાં 265 મિમિ, તાપી જિલ્લાના વાલોદ તાલુકામાં 107 મિમિ, વલસાડ જિલ્લાના કપરાડામાં 104 મિમિ, તાપી જિલ્લાના વ્યારામાં 99 મિમિ અને બનાસકાંઠાના વાવ તાલુકામાં 97 મિમિ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં રવિવારને 7 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં 7177 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તથા 1054 લોકોનં રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ માછીમારોને તા.07 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી દરિયો ના ખેડવાની સલાહ આપવામાં આવી છે.
NDRF ટીમો તૈનાત
મુખ્ય સચિવ પંકજ જોશીએ તમામ જિલ્લાઓના વહીવટીતંત્રને સતર્ક રહેવા અને જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે. ડેમના પાણીના સ્તર અને વરસાદી પાણીના પ્રવાહની સમીક્ષા કર્યા પછી તેમણે જરૂર પડ્યે ડેમમાંથી પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોના ગ્રામજનોને અગાઉથી ચેતવણી આપવા જણાવ્યું છે. ત્યાં જ રેડ એલર્ટ સાથે જિલ્લાઓમાં કટોકટી માટે 12 NDRF અને 20 SDRF ટીમો તૈનાત કરવામાં આવી છે, જ્યારે વડોદરામાં એક ટીમને રિઝર્વ રાખવામાં આવી છે.
આ પણ વાંચો: સાબરમતી નદીમાં પૂર જેવી સ્થિતિ, રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યા; જુઓ વરસાદી આફતનો વીડિયો
સરકારે લોકોને સાવચેત રહેવા, નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક જિલ્લા અથવા તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ કરી છે.