SIR ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું નોંધપાત્ર પ્રદર્શન, 11.58 લાખથી વધુ લોકોની ચકાસણી થશે

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશનો ગણતરીનો તબક્કો તા.11 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે.

Ahmedabad December 08, 2025 17:40 IST
SIR ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું નોંધપાત્ર પ્રદર્શન, 11.58 લાખથી વધુ લોકોની ચકાસણી થશે
અત્યાર સુધીની કામગીરી દરમિયાન રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં કુલ 4.21 લાખથી વધુ સિનિયર સિટિઝન (85 વર્ષથી વધુ વયના) ધ્યાને આવ્યા છે. (File Photo)

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશનો ગણતરીનો તબક્કો તા.11 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. પરંતુ તે પહેલા જ BLO સ્તરથી લઈને CEO કચેરી સુધીના સમગ્ર ચૂંટણી સ્ટાફની મહેનત રંગ લાવી છે, જેના પરિણામે ગણતરીના તબક્કાની 99.76 % કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

મતદારોની ગણતરીના તબક્કા દરમિયાન ઘરે-ઘરે જઈને ગણતરી ફોર્મના વિતરણથી લઈને તેના ડિજીટાઈઝેશનની કામગીરી સુપેરે કરવામાં આવી છે. SIRની જાહેરાત બાદથી જ રાજ્યભરમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજીટાઈઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી છે. આ દરમિયાન કુલ 74 લાખથી વધુ ગણતરી ફોર્મ્સ અનકલેક્ટેડ રહ્યાં. આ નાગરિકોના અવસાન, કાયમી સ્થળાંતર, ગેરહાજર સહિતના વિવિધ કારણોથી પાછા ન મળેલા ફોર્મની ખરાઈ માટે બેઠકોની શૃંખલા યોજવામાં આવી રહી છે.

તા. 7, 8 અને 9 ડિસેમ્બર એમ ત્રણ દિવસ દરમિયાન બૂથ લેવલ ઓફિસર અને માન્ય રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવી 37,000થી વધુ બેઠકો સંપન્ન થઈ ચૂકી છે. તમામ જિલ્લાઓમાં આ પ્રકારની બેઠકોના અંતે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે જે મતદારોના ફોર્મ પાછા નથી આવ્યા તેમની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીઓની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી રહી છે. તથા આગામી દિવસોમાં મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) ની વેબસાઈટ પર પણ પ્રકાશિત કરાશે.

આ પણ વાંચો: ‘બિન બુલાયા મહેમાન…’: ટેકઓફ પહેલાં બેંગલુરુ-વડોદરા ઈન્ડિગો ફ્લાઈટમાં કબૂતર ઘૂસ્યું

અત્યાર સુધીની કામગીરી દરમિયાન રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં કુલ 4.21 લાખથી વધુ સિનિયર સિટિઝન (85 વર્ષથી વધુ વયના) ધ્યાને આવ્યા છે. જેમની ખરાઈ ચાલી રહી છે. સાથોસાથ જે મતદારોના નામ બે કે તેથી વધુ જગ્યાઓ પર હોય તેમની વિગતો અદ્યતન સોફ્ટવેરની મદદથી મેળવવામાં આવી છે. જેમાં 11.58 લાખથી વધુ DSE (ડેમોગ્રાફિકલી સિમિલર એન્ટ્રી) ધ્યાને આવી છે. જેની ચકાસણી BLO તથા ERO સ્તરે ચાલી રહી છે. આ ઉપરાંત 17.94 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા. જ્યારે 10.20 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 40 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે.

આમ આ મતદાર યાદીની શુદ્ધતા અને સર્વસમાવેશીતાના ધ્યેય સાથે અમલમાં મુકાયેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું નોંધપાત્ર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ