ગુજરાતમાં આજે 7 મે, 2023ના રોજ તલાટીની પરીક્ષા યોજાઇ રહી છે. ગત મહિને જુનિયર ક્લાર્કની પરીક્ષા સુવ્યવસ્થિત રીતે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા બાદ આજની તલાટીની પરીક્ષા પણ કોઇ પણ અનિચ્છનિય ઘટના વગર સંપન્ન થાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. રાજ્યભરમાં 3437 પરીક્ષા કેન્દ્રોય પર આજે બપોરે 12 વાગેથી 1.30 સુધી પરીક્ષા યોજાશે.
17.10 લાખમાંથી 8,64,400 ઉમેદવારો પરીક્ષા આપશે
આજે રાજ્યમાં તલાટીની પરીક્ષા યોજનાઇ રહી છે. તલાટીની આ પરીક્ષા માટે 17.10 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જો કે 8,64,400 ઉમેદવારોએ પરીક્ષા આપવાની સંમતિ દર્શાવી છે. જેમાં અમદાવાદ જિલ્લામાં કુલ 465 કેન્દ્ પર 1.35 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી પેપર પહોંચાડવા માટે 133 રૂટ નક્કી કરાયા છે.
પરીક્ષા કેન્દ્રો પર કડક તપાસ
રાજ્યભરમાં શાંતિપૂર્ણ રીતે તલાટીની પરીક્ષા સંપન્ન થાય તેવી તકેદારી રાખવામાં આવી છે. પરીક્ષાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપતી વખતે કડક તપાસ હાથ ધરવામાં આવી છે. કેટલાક પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનું બુટ-મોજાં કઢાવીને ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં આજે યોજાયેલી તલાટીની પરીક્ષા રાજ્યભરમાં કોઇ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના વગર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ છે. તલાટીની પરીક્ષા સુવ્યવસ્થિત રીતે સંપન્ન થતા રાજ્ય સરકારે હાશકારો અનુભવ્યો છે. ગત મહિને રાજ્યમાં જુનિયર કલાર્કની પરીક્ષા પણ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા ઉમેદવારો અને સરકારે શાંતિ અનુભવી હતી.