Gujarat Top Headline News: ગુજરાતના આજના મહત્ત્વના સમાચાર, અમદાવાદમાં ધોળા દિવસે લૂંટ, બનાસકાંઠાનું વિભાજન થતા વિરોધ

Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે આવતીકાલે અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો જાહેર જનતા માટે ખુલ્લો મૂકાશે. ત્યાં જ હવે ગુજરાતમાં દરેક પ્રકારની પોલીસ ફરિયાદ ઓનલાઈન કરી શકાય તેવી સુવિધા ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે.

Written by Rakesh Parmar
January 02, 2025 19:55 IST
Gujarat Top Headline News: ગુજરાતના આજના મહત્ત્વના સમાચાર, અમદાવાદમાં ધોળા દિવસે લૂંટ, બનાસકાંઠાનું વિભાજન થતા વિરોધ
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે આવતીકાલે અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો જાહેર જનતા માટે ખુલ્લો મૂકાશે. ત્યાં જ હવે ગુજરાતમાં દરેક પ્રકારની પોલીસ ફરિયાદ ઓનલાઈન કરી શકાય તેવી સુવિધા ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. ઉપરાંત નવસારીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોક્સો કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી. અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુરુવારે રશિયન નાગરિકની ફોન પર પોલીસ અધિકારીઓની નકલ કરીને અને ફરિયાદીને “ડિજિટલ અરેસ્ટ” રાખી છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરી હતી.

અમદાવાદના પોશ વિસ્તારમાં જ્વેલર્સ પેઢીમાં બંદૂકની અણીએ લૂંટ

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સાઉથ બોપલમાં આજે ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ થતાં ચકચાર મચી જવા પામી છે. બપોરના સમયે ચાર લૂંટારાએ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાના લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે બાદ પોલીસે નાકાબંધી કરી લૂંટારાની શોધખોળ હાથ ધરી છે. લૂંટ કરવા આવેલા લૂંટારૂંઓ પોતાની ઓળખ ન થાય તે માટે મોઢા પર હેલ્મેટ અને બુકાની પહેરીને આવ્યા હતા.

અમદાવાદ ફ્લાવર શો આવતીકાલથી શરૂ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત ‘અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો 2025’ આવતીકાલે તારીખ 3 જાન્યુઆરીથી જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. અમદાવાદ ફ્લાવર શો તારીખ 3 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાશે. અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો 2025 નો શુભારંભ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગુજરાત પોલીસ ડિજિટલ થશે

દેશના નાગરિકોને પૂરી પાડવામાં આવતી ઓનલાઈન સેવાને વધારવા માટે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા ઈ-એફઆઈઆરનો અમલ કરવાના સૂચનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર હવે લોકોને ઓનલાઈ ફરિયાદ ફાઇલ કરવાની સુવિધા આપવા જઈ રહી છે. અગાઉ વાહન ચોરી કે મોબાઈલ ચોરીના કિસ્સામાં સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ દ્વારા ફરિયાદ નોંધાવી શકાતી હતી, પરંતુ હવે દરેક પ્રકારની પોલીસ ફરિયાદ ઓનલાઈન કરી શકાશે. આ સુવિધા ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે.

નવસારીમાં દુષ્કર્મના આરોપીને આજીવન કારાવાસની સજા

નવસારીની એક કોર્ટે 16 વર્ષની વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારનાર આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. નવસારી પોક્સો કોર્ટના ન્યાયાધીશ ટીએસ બ્રભટ્ટે જણાવ્યું હતું કે ઓક્ટોબર 2021માં આરોપી મોહમ્મદ સાદિક ખત્રી દ્વારા કરવામાં આવેલ જાતીય સતામણી નૈતિક ક્ષતિનું કૃત્ય હતું. જ્યારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેની પાસેથી સેક્સ વર્ધક ગોળીઓ પણ મળી આવી હતી. જે કોર્ટે કહ્યું હતું કે અસહાય બાળકોનો શિકાર કરવામાં તેની વિકૃત માનસિકતા દર્શાવે છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં ડિજિટલ અરેસ્ટ મામલે રશિયન નાગરિકની ધરપકડ

અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુરુવારે રશિયન નાગરિક એનાટોલી એલેક્ઝાન્ડ્રોવિચ મીરોનોવની ફોન પર પોલીસ અધિકારીઓની નકલ કરીને અને ફરિયાદીને “ડિજિટલ અરેસ્ટ” હેઠળ મૂકીને રૂ. 17 લાખની છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરી હતી. આ કેસમાં અગાઉ બે ભારતીય નાગરિક નદીમખાન પઠાણ અને મહેફુઝાલમ ઉર્ફે ઈમરાન મસૂદલમ શાહની ધરપકડ કરવામાં આવી હતી. એક સત્તાવાર નિવેદન અનુસાર, મિરોનોવ મૂળ રશિયાના ઓરેનબર્ગનો રહેવાસી છે અને હાલમાં મહારાષ્ટ્રના પુણે શહેરમાં રહે છે, તેની સામે મહારાષ્ટ્રના પિંપરી-ચિંચવડ પોલીસ સ્ટેશનમાં પણ બીજો કેસ હતો.

અમરેલી લેટરકાંડમાં પરેશ ધાનાણીની એન્ટ્રી

અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા લખાયેલા લેટર મુદ્દે 1 જાન્યુઆરીS પ્રતાપ દુધાતના મુખ્યમંત્રીના લેટર બાદ હવે પરેશ ધાનાણીની એન્ટ્રી થતાં ગુજરાતનું રાજકારણ વધુ ગરમાયું છે. પરેશ ધાનાણીએ ટ્વીટ કરી લખ્યું છે કે,”કૌરવ કુળના અહંકારી લોકોએ ભરબજારમાં કુંવારી કન્યાનો વરઘોડો કાઢ્યો, સમાજ ક્યારેય માફ નહી કરે”.

આ સાથે જ પરેશ ધાનાણીએ એક બાદ એક ચાર અલગ-અલગ ટ્વીટ કરીને રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં વિરોધનો વંટોળ

વર્ષ 2025 ના પ્રથમ દિવસે જ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવાયો છે, જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. ત્યારે નવા જિલ્લામાં સમાવેશ કરાયેલા કાંકરેજ અને ધાનેરાના લોકોએ બનાસકાંઠામાં જ રહેવાની માંગ સાથે વિરોધ વ્યક્ત કરીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે તો નવા જિલ્લાનું મુખ્ય મથક દિયોદર બનાવવામાં ન આવતા તેનો પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ