Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં વિદ્યાર્થિનીની છેડતી કરનાર અધ્યાપકની ધરપકડ કરવામાં આવી છે. ત્યાં જ હવે વર્ષ 2026માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અમેરિકામાં યોજાશે.
ગાંધીનગર બાદ હવે Global Patidar Business Summit અમેરિકામાં યોજાશે
ગાંધીનગર, સુરત, રાજકોટમાં મળેલી મોટી સફળતા બાદ વર્ષ 2025માં હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે ચાર દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. નાના અને મોટા ઉદ્યોગસાહસિકોને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી આયોજિત શિખર સમ્મેલનને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. હવે 2026 માં અમેરિકામાં ગ્લોબલ બિઝનેસ સમિટનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વડોદરામાં વિદ્યાર્થિનીને પરેશાન કરનાર પ્રોફેસરની ધરપકડ
વડોદરાની એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં હિન્દી ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની દ્વારા તેના જ વિભાગના એસોસિએટ પ્રોફેસર સામે જાતીય સતામણીની ફરિયાદ કરાતાં 11 જાન્યુઆરીના રોજ આ અધ્યાપકને સસ્પેન્ડ કર્યા હતાં. ઉપરાંત વિદ્યાર્થીનીની અન્ય એક મિત્ર વિદ્યાર્થિનીને પણ પ્રોફેસરે મેન્ટલી ટૉર્ચર કરી હતી, જેથી આ મામલે પ્રોફેસર સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ બાદ આરોપી પ્રોફેસરની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
બેટ દ્વારકામાં ડિમોલિશન યથાવત
બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં બીજ દિવસે પણ ડિમોલિશનની કામગીરી યથાવત રહી છે. અત્યાર સુધીમાં 96 બાંધકામ તોડી 42,500 સ્ક્વેર મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. જેમાં રેવન્યુ સર્વે નંબર 108 પરના સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. ડિમોલિશનની આ કામગીરી શનિવારે સવારથી શરૂ કરવામાં આવી હતી જે હજુ પણ આગામી બે દિવસ યથાવત રહેવાની છે.
ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાત પ્રવાસે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉતરાયણમાં તહેવારની ઉજવણી કરવા માટે ગુજરાત આવશે. આવતીકાલે 13 જાન્યુઆરી સાંજે અમિત શાહ અમદાવાદ ખાતે આવશે. 14 જાન્યુઆરીના રોજ ગાંધીનગર લોકસભામાં થલતેજ, ન્યુ રાણીપ અને સાબરમતી ખાતે કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે ઉતરાયણના તહેવારની ઉજવણી કરશે.





