/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headlines-News-1.jpg)
ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો.
Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે વહેલી સવારે બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માત થયો હતો જેમાં બે લોકોના મોત થયા હતા. ત્યાં જ આજે આખા દિવસ દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ત્યાં જ સમી સાંજે અમદાવાદમાં કમોસમી માવઠું પડ્યું છે. ઉપરાંત આજે ગાંધીનગરમાં આદિવાસી વિદ્યાર્થીઓએ સ્કોલરશિપને લઈ હલ્લાબોલ કર્યું હતું. બીજી તરફ પાટણમાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય સહિત કુસ 21 લોકોની પોલીસે અટકાયત કરી હતી.
બે દિવસ વરસાદની આગાહી
સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે વહેલી સવાર ગાઢ ધુમ્મસની ચાદર પણ છવાયેલી રહી હતી. બીજી તરફ હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી બે દિવસ એટલે કે 27 અને 28 ડિસેમ્બરના રોજ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન અમદાવાદના કેટલાક વિસ્તારોમાં કમોસમી માવઠું પડ્યું હતુ. અમદાવાદના મણિનગર, ઈસનપુર સહિત ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે.
કોંગ્રેસ ધારાસભ્ચ સહિત 21 લોકોની ધરપકડ
ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને અન્ય 20 લોકોની પોલીસે ધરપકડ કરી છે. આ તમામ પર 16 ડિસેમ્બરે પાટણ જિલ્લાની યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસકર્મીઓ પર કથિત રીતે હુમલો કરવાનો આરોપ છે. પાટણ વિધાનસભાના ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને કોંગ્રેસના 200 જેટલા કાર્યકરો અને પાર્ટીની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI)ના સભ્યોએ હોસ્ટેલમાં દારૂ પીવાને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વડોદરા હેલિકોપ્ટર રાઈડનો મામલો આખો દિવસ ચર્ચામાં
ગઈકાલે વડોદરાના માંજલપુર વિસ્તારમાં ચાલી રહેલા મેળામાં બાળકોની હેલિકોપ્ટર રાઈડના દરવાજા અચાનકથી ખુલી ગયા હતા. જે બાદ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો હતો. જે બાદ પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મામલો પોતાના હાથમાં લીધો હતો. જે બાદ મેળાના સુપરવાઈઝર અને હેલિકોપ્ટર રાઈડના માલિક સાથે પૂછપરછ કરવામાં આવી હતી. સાથે જ રિયાલિટી ચેક દરમિયાન રોયલ મેળાની કેટલીક ખામીઓ પણ સામે આવી હતી. રોયલ મેળામાં અનેક સ્થળોએ વીજવાયરો ખુલ્લા પડેલા જોવા મળ્યા હતા ત્યાં જ ખખડી ગયેલી રાઇડ્સ ગમે ત્યારે તૂટી પડવાની સ્થિતિમાં હતી. બીજી તરફ રોયલ મેળામાં માત્ર 13 રાઇડની પરમિશન આપવામાં આવી હતી પરંતુ આયોજકોએ અહીં 23 રાઈડ પરમિશન લીધા વિના લગાવી દીધી હતી.
બાવળા-બગોદરા હાઈવે પર અકસ્માત, બે લોકોના મોત
આજે સવારે બાવળા-બગોદરા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. બાવળા બગોદરા હાઈવે ઉપર ભમાસરા ગામ પાસે ચાર ભારે વાહનો એકબીજા સાથે અથડાતા ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના પગલે બે લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ચાર વાહનો અથડાતા બ્લાસ્ટ થયો હતો અને ભીષણ આગ લાગતા ચારેય વાહનો બળીને ખાખ થયા હતા. ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ગાંધીનગરમાં આદિવાસી વિદ્યાર્થીઓનો હલ્લાબોલ
પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ રાજ્ય સરકારે બંધ કરી દેતા આદિવાસી વિદ્યાર્થીઓ અને વાલીઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને હાથમાં પોસ્ટ મેટ્રીકની જૂની શિષ્યવૃત્તિ લાગુ કરવાના કાર્ડ રાખી સરકાર સામે હલ્લાબોલ કર્યો હતો. આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ પુનઃ શરૂ કરવા અગાઉ પણ બીરસા મુંડા ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
કાંકરિયા કાર્નિવલમાં સહેલાણીઓનું ઘોડાપૂર
કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થતાની સાથે જ શહેરીજનોનો જમાવડો જોવા મળી રહ્યો છે. 15માં કાંકરિયા કાર્નિવલની શરૂઆત સાથે જ અમદાવાદ સહિત આસપાસના જિલ્લાના લોકો કાર્નિવલની મુલાકાત લઈ રહ્યા છે. ખાસ કરીને રાત્રી સમયે થતા લાઈટ શોને માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ કાંકરિયા તળાવ ખાતે પહોંચી રહ્યા છે. જોકે સમી સાંજે મણિનગરમાં વરસાદ વિઘ્ન બનતા સહેલાણીઓ મુશ્કેલીમાં મુકાયા હતા,.
દહેગામમાં બે જૂથ વચ્ચે થઈ હતી અથડામણ
ગાંધીનગરના દહેગામ ખાતે બાળકોના ઝઘડામાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનામાં કૂલ 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જોકે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો કાબૂમાં લઈ લીધો હતો અને 20 લોકોની અટકાયત કરી છે. બંને જુથોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યાં જ પોલીસે પણ રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us