Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે બપોરે પોરબંદરમાં બાવળના જંગલમાં આગ લાગ્યા બાદ સ્થાનિક લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું હતું, ત્યાં જ અમરેલીના ટીંબી ગામે ખેડૂતને સિંહણે ફાડી ખાધો હતો. ઉપરાંત વડોદરામાં એક સગીર વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશના બફાટ નિવેદનને લઈ રાજકોટમાં ઉગ્ર વિરોધ થયો છે.
ટીંબી ગામે 36 વર્ષીય ખેડૂતને સિંહણે ફાડી ખાધો
અમરેલી જાફરાબાદના છેવાડાના ટીંબી ગામમાં સિંહણે ખેડૂત પર હુમલો કર્યો હચો. આ હુમલામાં 36 વર્ષીય ખેડૂતને સિંહણે ફાડી ખાધો હતો. આ ઘટના બાદ ટીંબી ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે આ ઘટનાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સિંહણનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
વર્ષ 2024 માં 18 કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાત આવ્યા
ગુજરાત વિધાનસભાના પ્રશ્નકાળ દરમિયાન પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વર્ષ 2024માં 18 કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ સાથે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પ્રવાસન સ્થળોના વિકાસનું કાર્ય ચાલી રહ્યું છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
વડોદરામાં વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરા શહેરના છેવાડે આવેલ શ્રવણ એન્કલેવમા રહેતા અને બ્રાઇટ ડે સ્કૂલમાં ધો-7માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ ફાંસો ખાઇ જીવન ટુકાવતા ચકચાર મચી જવા પામી હતી. હાલમાં વિદ્યાર્થીની પરીક્ષા ચાલતી હતી માતાએ અભ્યાસ કરવા માટે ઠપકો આપતાં તેણે આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મંજુસર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
જ્ઞાનપ્રકાશ સ્વામીને લઈ રાજકોટમાં વિરોધનો વંટોળ
સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા જલારામ બાપા વિશે કરેલ વિવાદિત ટિપ્પણીને લઇ છેલ્લા ઘણા દિવસોથી રઘુવંશી સમાજમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. 4 માર્ચે વેપારીઓ દ્વારા વીરપુર બંધ પાળ્યા બાદ આજે રાજકોટમાં વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિર ખાતે લોહાણા સમાજના યુવાનો વિરોધ કર્યો હતો અને સ્વામી જ્ઞાનપ્રકાશના પૂતળા પર પાટા મારી પૂતળું સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ દરમિયાન પોલીસે તેઓને રોક્યા હતા.
પોરબંદરમાં બાવળના જંગલમાં આગ લાગી
પોરબંદર શહેરમાં બિરલા સ્કૂલની પાછળના બાવળના જંગલમાં આજે બપોરે આગ લાગવાની ઘટના બની હતી. ભારે પવનના કારણે આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ રહેણાક વિસ્તાર સુધી પહોંચી જતાં તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાયા અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તંત્ર દ્વારા આસપાસની સોસાયટીના લોકોનું સ્થળાંતર કરાવવાની જરૂર પડી હતી.