Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અમદાવાદ એરપોર્ટ પાસેની તંદૂર હોટલમાંથી યુવતીની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. ત્યાં જ હવામાન વિભાગે 20 માર્ચથી રાજ્યમાં ભારે ગરમીની આગાહી કરી છે. આ ઉપરાંત વડોદરા બાદ રાજકોટમાં પણ હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં એક વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. તો પારૂલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓને ગ્રામીણોએ માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
રાજકોટમાં હાઇ સ્પીડ કારે 3 લોકોને કચડી નાખ્યા, વૃદ્ધનું મોત
વડોદરા બાદ રાજકોટમાં પણ આ હિટ એન્ડ રનની ઘટના બની છે. જ્યાં શહેરના મવડી મેન રોડ પર સ્પીડમાં આવી રહેલી કારે 3 લોકોને હડફેટે લીધા છે. આ અકસ્માતમાં એક 70 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે એક 12 વર્ષીય કિશોરીને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેને હેમરેજ થયાનું તબીબોએ જણાવ્યું છે. ત્યાં જ આ અકસ્માતની જાણકારી મળતા જ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ગુજરાતમાં ભીષણ ગરમીની આગાહી
હવામાન વિભાગે 20 માર્ચથી રાજ્યમાં ભારે ગરમીની આગાહી કરી છે. ત્યાં જ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. કચ્છમાં પણ મહત્તમ તાપમાન 39 થી 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 39 થી 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. એપ્રિલ મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. 19 એપ્રિલ પછી રાજ્યમાં ગરમી વધી શકે છે. 10 મેની આસપાસ દરિયાકાંઠે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ભારે પવન સાથે ભારે વાવાઝોડાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
તંદૂર હોટલમાં નસરીનબાનુના હત્યારાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો
અમદાવાદ એરપોર્ટ પાસેની તંદૂર હોટલમાંથી 22 વર્ષીય નસરીનબાનુની લાશ મળી હોવાના કેસને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. ચિંતન વાઘેલા નામનો યુવક યુવતી સાથે રૂમમાં ગયો હતો અને તેને જ ગળેટૂંપો દઈ યુવતીની હત્યા કરી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. તે યુવતીનો મિત્ર હોવાની પણ વાત સામે આવી છે.
પારૂલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓને ગ્રામીણોએ ફટકાર્યા
વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ચાર વિદેશી વિદ્યાર્થીઓને સ્થાનિક ગ્રામજનોએ નિર્દયતાથી માર માર્યો હતો. આમાં એક વિદ્યાર્થીને માથામાં ગંભીર ઈજા થઈ છે. મામલો દરગાહ પાસે ચપ્પલ પહેરીને બેસવાથી શરૂ થયો હતો, ત્યારબાદ ગામલોકો ભેગા થઈ ગયા અને વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો. ગામલોકોએ વિદ્યાર્થીઓને બેટ, લાકડી વગેરેથી ખરાબ રીતે માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
પાકિસ્તાનની જેલોમાં હાલમાં 194 ભારતીય માછીમારો કેદ
પાકિસ્તાનની જેલોમાં હાલ કેદમાં રખાયેલા ભારતના માછીમારો સંબંધે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના વિદેશમંત્રી કિર્તીવર્ધનસિંહે માહિતી આપી હતી કે, આજ સુધીમાં 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. ગુજરાતના આ 123 માછીમારોમાંથી 33 એવા છે કે જે 2021ની સાલથી, 68 માછીમારો 2022ની સાલથી પાકિસ્તાની જેલમાં કેદ છે. જ્યારે ગુજરાતના નવ માછીમારોને 2023માં અને 13ને 2024માં પાકિસ્તાની સરકારે કેદ કર્યા હતા.





