/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headline-News.jpg)
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)
Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતે દેશના કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) માં મોટું યોગદાન નોંધાવ્યું છે, જેની જાણકારી ઉદ્યોગ મંત્રી બલવંત સિંહ રાજપૂતે આપી છે. સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદી હત્યા કેસમાં ચુકાદો આવ્યો. રાજ્યમાં બે દિવસ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની હવામાન વિભાગની આગાહી. અમરેલીમાં નરાધમ શિક્ષકે વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી.
ગુજરાતનું દેશના GDP માં મોટું યોગદાન
ગુજરાત રાજ્યએ બીજી એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે દેશના કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) માં ગુજરાત 8.3 ટકા યોગદાન આપી રહ્યું છે. ઉદ્યોગ મંત્રી બલવંત સિંહ રાજપૂતે આ માહિતી આપી છે. વિધાનસભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતી વખતે તેમણે આ માહિતી આપી હતી. ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ બાબતોમાં અગ્રેસર રહીને ગુજરાતે વિશ્વ મંચ પર પોતાની આગવી ઓળખ બનાવી છે.
સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદી હત્યા કેસમાં ચુકાદો
વર્ષ 2006 માં અમદાવાદમાં સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની થયેલી હત્યા મામલે અમદાવાદ સેશન્સ કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો. આ કેસમાં 10 આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અમદાવાદ સેશન્સ કોર્ટે 84 પુરાવાઓ અને 84 સાહેદોના નિવેદનને ધ્યાનમાં રાખી ચુકાદો આપ્યો છે.
અમરેલીમાં નરાધમ શિક્ષકે વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી
અમરેલીમાં એક કળિયુગી શિક્ષકે ધોરણ-4માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓને પોતાની હવસનો શિકાર બનાવ્યાની ખબરે આખા રાજ્યમાં ચકચાર મચાવી છે. આ હવસખોર શિક્ષકને વિદ્યાર્થિનીના પિતાએ રંગેહાથ ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો છે. ત્યાં જ આ મામલે પીડિતાના પિતાનો આક્ષેપ છે કે આ નરાધમ શિક્ષક બાળકોને દવાના નામે દારૂ પિવડાવતો હતો.
ગુજરાત માટે હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં અત્યારે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આગામી 24 કલાક સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. ત્યારબાદ એટલે કે બે દિવસ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. બે દિવસ બાદ ઠંડીમાં થોડો વધારો થવાની શક્યતાઓ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us