રાજ્યમાં ગઈકાલે બે વિદ્યાર્થિનીઓએ આપઘાત કરીને જીવન ટૂકાવ્યાની ઘટના સામે આવી હતી. જેમાં પ્રથમ ઘટનામાં વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ફર્સ્ટ યર ફાર્મસીમાં અભ્યાસ કરતી બાંગ્લાદેશની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. તો બીજી ઘટના વિસનગરની મર્ચન્ટ હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં BHMSની પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં પોતાના રૂમમાં આપઘાત કરી લીધો.
વડોદરામાં બાંગ્લાદેશી યુવતીનો આપઘાત
વડોદરામાં એક બાંગ્લાદેશી યુવતીએ આપઘાત કરી લીધો હતો. આ યુવતી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ફર્સ્ટ યર ફાર્મસીમાં અભ્યાસ કરતી હતી. તે સપ્ટેમ્બર મહિનામાં અહીં અભ્યાસ માટે આવી હતી. યુવતી પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે. પરંતુ તેમાં આપઘાતને લઈ કોઈ ઉલ્લેખ નથી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી મામલાની તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, આ યુવતીની પરીક્ષાઓ ચાલી રહી હતી પરંતુ તે પરીક્ષા આપવા માટે આવી નહીં તો તેની દોસ્ત તેને જોવા માટે તેના ઘરે પહોંચી હતી. ત્યારે જાણકારી મળી કે યુવતીએ આપઘાત કરી લીધો છે. હાલમાં યુવતીના પરિવારજનોને આ મામલે જાણકારી આપવામાં આવી છે.
ડિપ્રેશનમાં હતી યુવતી
પ્રાથમિક જાણકારી પ્રમાણે વિદ્યાર્થિનીના મોતનું કારણ ડિપ્રેશન જણાવાઈ રહ્યું છે. પોલીસે કહ્યું કે, વિદ્યાર્થિનીના પરિવારજનો સાથે સંપર્ક થઈ ગયો છે અને તેમની પોસ્ટમોર્ટમ બાદ દીકરીનો મૃતદેહ સોંપવામાં આવશે. વિદ્યાર્થિનીના આપઘાતથી યુનિવર્સિટીમાં અભ્ચાસ કરી રહેલા સાથી વિદ્યાર્થીઓ પણ દુ:ખી છે.
આ પણ વાંચો: ગુજરાતના હવામાનમાં થશે મોટો ફેરફાર, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
BHMSની પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીનો આપઘાત
ત્યાં જ બીજી ઘટનામાં વિસનગરની મર્ચન્ટ હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં BHMSની પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં પોતાના રૂમમાં આપઘાત કરી લીધો. ઘટનાને પગલે વિદ્યાર્થીએઓ ભારે વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓની માગ છે કે આચાર્ય વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે. વિદ્યાર્થિનીના આપઘાતનું કારણ અકબંધ છે.
બાસણા મર્ચન્ટ કોલેજમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલના રૃમ નંબર બી-212માં બુધવારના રોજ બપોરના સુમારે બીએચએમએસના (હોમિયોપેથીક) પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ઉર્વશી શ્રીમાળી (19 વર્ષ) રહે, નગવાડા, સુરેન્દ્રનગરની વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી.
500થી વધુ વિદ્યાર્થીઓનો કોલેજમાં હોબાળો
ઘટનાને પગલે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો. કેમ્પસમાં હાજર 500થી વધુ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવીને ભારે સુત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવી મુક્યું હતું. જયાં સુધી જવાબદારો સામે પગલાં નહીં ભરાય અને મૃતક છાત્રાને ન્યાય નહીં મળે ત્યાં સુધી શિક્ષણ કાર્યથી દૂર રહીને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. જયારે સહપાઠીઓ દ્વારા હોસ્ટેલના રૃમમાં ગળે ફાંસો ખાનાર છાત્રાને બચાવવાનો પ્રયાસ પણ કોલેજના પ્રિન્સીપાલ કે પ્રોફેસર દ્વારા કરવામાં આવ્યો ન હોવાના ગંભીર આક્ષેપ કરી પ્રોફેસર દ્વારા જનરલ લખવા સહિતના મુદ્દે માનસિક ટોર્ચર કરવામાં આવતું હોવાનો બળાપો કાઢ્યો હતો. ઘટનાને પગલે મર્ચન્ટ કોલેજમાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રિન્સીપાલ સહિત પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ
વિસનગરની મર્ચન્ટ હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં BHMSની પ્રથમ વર્ષની વિદ્યાર્થિની આપઘાત મામલે પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં પ્રોફેસર વિપક્ષી સુરેશરાવ વાસનીક, પ્રોફેસર પ્રશાંત ચાંદમલજી નુવાલ, પ્રોફેસર વાય ચંન્દ્રા બોસ, પ્રોફેસર ડો.સંજય રીથે, પ્રિન્સીપાલ ડો.કૈલાશ જીંગા પાટીલના નામ છે.