Gujarat Weather Forecast Today: ઉત્તર ભારતમાં પર્વતિય વિસ્તારમાં હિમવર્ષા અને ઉત્તર ભારતના પવનોને લઈ ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું. રાજ્યમાં સૌથી ઠંડો વિસ્તાર કચ્છનું નલીયા રહ્યું હતું. અહીં પારો 8.1 નોંધાયો હતો. ટંડા પવનોને લઈ લોકો ઠુઠવાયા.
રાજ્યમાં ઠંડીએ પોતાનો મિજાજ બતાવવાનું શરૂ કરી દીધુ છે. જોકે, બે દિવસ પહેલા કરતા મંગળવારે ઠંડીનો પારો ઉંચો નોંધાયો છે, પરંતુ ઠંડા પવનોને લઈ લોકો કંપી ઉઠ્યા હતા. રાજ્યના અનેક વિસ્તારમાં પારો 10 સેલ્સિયસથી નીચે નોંધાયો છે. જેમાં લઘુત્તમ નલીયામાં 8.1 તો ઓખામાં 19.7 પારો ગગડ્યો હતો.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં હજુ પણ પારો ગગડી શકે છે. નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધારે અનુભવાઈ શકે છે. રાજ્યના અનેક શહેરમાં પારો 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે. છેલ્લા એક અઠવાડીયાથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ઠેર ઠેર ઠંડીથી બચવા લોકો તાપણી અને ગરમ કપડા સાથે જોવા મળી રહ્યા છે.
મંગળવારે ક્યાં કેવું તાપમાન રહ્યું?
શહેર | મહત્તમ | લઘુત્તમ |
અમદાવાદ | 27.6 | 12.9 |
ડીસા | 27.0 | 10.4 |
ગાંધીનગર | 26.8 | 11.4 |
વડોદરા | 28.2 | 15.0 |
વલ્લભ વિદ્યાનગર | 26.9 | 12.0 |
સુરત | 29.6 | 14.6 |
વલસાડ | 30.0 | 14.0 |
દમણ | 26.2 | 16.2 |
ભુજ | 27.6 | 10.0 |
નલીયા | 27.1 | 08.1 |
કંડલા પોર્ટ | 27.4 | 13.3 |
કંડલા એરપોર્ટ | 27.1 | 10.6 |
ભાવનગર | 27.6 | 13.7 |
દ્વારકા | 27.4 | 15.6 |
ઓખા | 25.8 | 19.7 |
પોરબંદર | 28.8 | 11.6 |
રાજકોટ | 28.3 | 10.0 |
વેરાવળ | 29.6 | 15.1 |
દીવ | 29.3 | 15.4 |
સુરેન્દ્રનગર | 27.8 | 12.5 |
મહુવા | 30.4 | 11.6 |
મંગળવારે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાને કારણે રાજધાની નવી દિલ્હીમાં લોકો દિવસભર ઠંડા પવનોથી કંપી ઉઠ્યા હતા. દિલ્હીનો સૌથી ઠંડો વિસ્તાર આયા નગર હતો. અહીં લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. દિલ્હીમાં આગામી દિવસોમાં ધુમ્મસનું પ્રમાણ વધુ વધે તેવી શક્યતા છે.
નવું વર્ષ શરૂ થતા ધુમ્મસમાંથી રાહત મળવાની સંભાવના
હવામાનશાસ્ત્રીઓના મતે આગામી દિવસોમાં ધુમ્મસ વધુ ગાઢ રહેશે. આ સ્થિતિ 31 ડિસેમ્બર સુધી રહેશે. નવા વર્ષમાં જ ગાઢ ધુમ્મસમાંથી રાહત મળવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે દિલ્હીનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછું 17.2 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 5.6 ડિગ્રી સેલ્સિયસ પર સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ હતું. મંગળવારે સવારથી ગાઢ ધુમ્મસ શહેરને ઘેરી વળ્યું હતું, કેટલાક વિસ્તારોમાં દૃશ્યતા 50 મીટર સુધી ઘટી ગઈ હતી. ઓછી વિઝિબિલિટીના કારણે રોડ અને રેલ ટ્રાફિકને અસર થઈ હતી.
દિલ્હીનું તાપમાન ધરમશાલા, નૈનીતાલ અને દેહરાદૂન કરતા પણ ઓછું છે
દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 5.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ધરમશાલાના 6.2 ડિગ્રી સેલ્સિયસ, દેહરાદૂનમાં સાત ડિગ્રી સેલ્સિયસ અને નૈનીતાલના 7.2 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું હતું. કોલ્ડ વેવને કારણે દિલ્હીના કેટલાક ભાગો જેમ કે પાલમ અને જાફરપુરમાં ‘કોલ્ડ ડે’ની સ્થિતિ પ્રવર્તી રહી છે. મંગળવારે સવારે અહીંના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું.
ઉત્તર રેલવેએ દિલ્હી આવતી ઘણી ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો છે
ઉત્તર રેલવેએ માહિતી આપી હતી કે ધુમ્મસના કારણે દિલ્હી જતી 17 ટ્રેનો મોડી ચાલી રહી છે. રેલવે દ્વારા આ ટ્રેનોના સમયમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે.દિલ્હીમાં સોમવારે ‘અત્યંત ઠંડો દિવસ’ હતો કારણ કે કેટલાક સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતા 10 ડિગ્રી ઓછું નોંધાયું હતું. સોમવારે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
સ્કાયમેટ વેધરએ ધુમ્મસને લઈને આ અંદાજ વ્યક્ત કર્યો હતો
સ્કાયમેટ વેધરના હવામાનશાસ્ત્ર અને આબોહવા પરિવર્તન વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પલાવતે જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 25-26 ડિસેમ્બરે પર્વતોમાં ફરી હિમવર્ષા થઈ હતી, ત્યાર બાદ હવે મેદાની વિસ્તારોમાં ઠંડા ઉત્તર-પશ્ચિમ પવન ફૂંકાઈ રહ્યા છે. આના કારણે મંગળવારે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR), હરિયાણા, પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનના ભાગોમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ છવાયું હતું.
કાશ્મીરમાં દાલ સરોવરનો મોટો હિસ્સો થીજી ગયો, તો પાઈપલાઈનોમાં પાણી જામી ગયું
કાશ્મીરના ઘણા વિસ્તારોમાં પાણી સપ્લાય કરતી પાઈપલાઈનમાં પાણી જામી ગયું છે. દાલ સરોવરનો આંતરિક ભાગ અને ખીણના અન્ય જળાશયો પણ થીજી ગયા હતા. તો, રાજસ્થાનમાં ઠંડીનું મોજું ચાલુ છે જ્યાં ગત સોમવારે રાત્રે ચુરુમાં લઘુત્તમ તાપમાન 0.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, નારનૌલ હરિયાણામાં સૌથી ઠંડું સ્થાન રહ્યું જ્યાં હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, પારો એક ડિગ્રી સેલ્સિયસ હતો, જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી ઓછો હતો. પંજાબમાં, ભટિંડામાં તાપમાન 1.4 ડિગ્રી સેલ્સિયસ, અમૃતસરમાં 5 ડિગ્રી સેલ્સિયસ અને લુધિયાણામાં 6.6 ડિગ્રી સેલ્સિયસ હતું.
કાશ્મીર પણ શીત લહેરોની ઝપેટમાં છે અને સમગ્ર ખીણમાં તાપમાનમાં અનેક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે, પારો શૂન્યથી વધુ નીચે આવી ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે શિયાળાની કડકડતી ઠંડીના કારણે ઘણા વિસ્તારોમાં પાણી સપ્લાય કરતી પાઈપલાઈનમાં પાણી જામી ગયું છે. દાલ સરોવરનો આંતરિક ભાગ અને ખીણના અન્ય જળાશયો પણ થીજી ગયા હતા.
શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 4.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે રવિવારે રાત્રે તે માઈનસ 3.5 ડિગ્રી સેલ્સિયસ હતું, એમ તેમણે જણાવ્યું હતું. એ જ રીતે પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ 6.7 ડિગ્રી સેલ્સિયસ હતું જે રવિવારે રાત્રે માઈનસ 5.7 ડિગ્રી સેલ્સિયસ હતું.
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 5.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કુપવાડાના સરહદી જિલ્લામાં લઘુત્તમ તાપમાન માઈનસ 4.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ખીણના પ્રવેશદ્વાર કાઝીગુંડમાં 3.6 ડિગ્રી સેલ્સિયસનું નીચું તાપમાન નોંધાયું હતું, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. કોકરનાગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 2.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
પ્રદૂષણનું સ્તર અત્યંત ગંભીર શ્રેણી સુધી પહોંચી ગયું છે.
દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર અત્યંત ગંભીર શ્રેણીમાં નોંધાયું હતું. ઈન્ડિયા એર ક્વોલિટી સર્વિસ (SAFAR) અનુસાર, મોડી સાંજે હવાની ગુણવત્તાનું સ્તર 324 નોંધાયું હતું. SAFAR આગાહી કરે છે કે બુધવારે આ સ્તર વધુ વધીને 336 થઈ શકે છે. એરપોર્ટ સિવાય સમગ્ર એનસીઆરમાં સ્તર ખૂબ જ નબળી શ્રેણીમાં રહ્યું. પુસા 336, લોધી રોડ 316, દિલ્હી યુનિવર્સિટી 354, એરપોર્ટ 297, નોઇડા 375, મથુરા રોડ 335, આયા નગર 302, IIT દિલ્હી 303, ગુરુગ્રામ 319 અને ધીરપુર 346 ખાતે હવાની ગુણવત્તાનું સ્તર નોંધાયું હતું.