handicapped day : સુરત પોલીસે આજે એક લગ્ન પ્રસંગમાં આપી હતી હાજરી, આ લગ્ન પ્રસંગ જાણીને લોકો પણ એક સમય માટે વિચારતા થઈ ગયા હતા. રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતી મુખબધિર હતી અને તેને એક યુવક સાથે લગ્ન કરવા હતા, જોકે પિતા ના હોવાના કારણે ધૂમધામથી લગ્ન કરવાની તેની ઈચ્છા તેણે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઇ સમક્ષ રજૂ કરી, મહત્વની વાત એ છે કે, પીઆઈએ યુવતીના તેના પ્રેમી સાથે લગ્ન તો કરાવ્યા પણ પિતાના હોવાને લઈ પિતાની જગ્યા પર કન્યાદાન કરી તેને જીવન નિર્વાહ કરી શકે તેવી મદદ કરી. રાંદેર પીઆઈએ સુરત પોલીસની છબી સુધારવા સાથે સમાજને ઉત્તમ ઉદાહરણ આપતો દાખલો બેસાડવાનો પ્રયાસ પણ કર્યો હતો.
રાંદેર પોલીસે મુકબધીર યુવક-યુવતીના લગ્ન કરાવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત રાંદેર પોલીસની કામગીરીને લઈને આજે પોલીસ ચર્ચામાં આવી છે પણ આ ચર્ચા એવી છે કે, સાંભળીને એક સમય માટે લોકો પોતાની આંખોમાંથી આંસુ રોકી નહીં શકે. સુરત રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી અને મુખબધિર એવી યુવતી સુમન D/0 જગન વિશાલે ઉ. વ.19 રહે આંબેડકર નગર ઝઘડિયા ચોકડી, રાંદેરની રહેવાસી. આ યુવતી રાંદેર પોલીસ સ્ટેશનના સી ટીમના સંપર્કમાં આવી હતી અને તેને પોતે લગ્ન કરવા છે તેવી જાણ કરી હતી.

યુવતીએ રાંદેર પીઆઈને ઈશારાથી જણાવી પોતાની મનની વાત
જોકે ટીમ દ્વારા પીઆઇ અતુલ સોનારાને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી ત્યારે યુવતી સાથે જ્યારે વાત કરી ત્યારે તેને ઇશારામાં કીધું હતું કે, મારે પિતા નથી અને મારી સાથે ભણતા એક યુવક સાથે મને પ્રેમ છે તેની સાથે લગ્ન કરવા માગું છું પણ અમારી એટલી તાકાત નથી કે, અમે લગ્નનો ખર્ચો ઉપાડી શકીએ. તેણે પીઆઈને પોતાની ઈચ્છા કહી કે ધામધૂમથી લગ્ન કરવા છે.
રાંદેર પીઆઈ અને તેમના પત્નીએ માતા-પિતા બની કર્યું કન્યાદાન
રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઇ અતુલ સોનારાએ આ યુવતી ને લગ્ન કરાઈ આપવા સાથે ધૂમધામથી લગ્નનો ખર્ચો પાડવાની તૈયારી બતાવી હતી. જોકે આજે વિશ્વ વિકલાંગ દિવસ હોવાને લઈને આજે આ યુવતી ના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. પિતાના હોવાને લઈને પોલીસ સ્ટેશનના પીઆઇ અતુલ ચુનારા અને તેમની પત્નીએ આ યુવતીના માતા-પિતાની જગ્યા લઈ આ યુવતીનું કન્યાદાન કર્યું હતું.

મુકબધીર યુવક-યુવતીને જીવન નિર્વાહ માટે પણ કરાઈ મદદ
મહત્વની વાત એ છે કે, યુવક અને યુવતી પોતાનું જીવન નિર્વાહ કરી શકે તેવી તેમનામાં આવડતો જાણી તેમને સિવણ સંચો અને તેની સાથે તમામ સામાન્ય વ્યવસ્થા પણ પોલીસ દ્વારા કરી આપવામાં આવી હતી.
જાનૈયાઓ અને મહેમાન પોલીસ કર્મીઓ – લોકોની આંખો છલકાઈ
આ લગ્ન અનોખા એટલા માટે હતા કે, જાનૈયાઓ અન્ય કોઈ નહીં પણ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હતા અને યુવતીના માતા-પિતા તરીકે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઇ અને તેમના પત્નીએ આ જગ્યા સાચવી હતી. જો કે આ સમયે લાગણીનો એવો પ્રહાર વહ્યો હતો કે ત્યાં રહેલા તમામ લોકોને આંખમાં એક સમય માટે આંસુ છલકાઈ ગયા હતા.