છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જગતના તાતને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને તેમનો પાક પણ બગડી ગયો છે. આવામાં આજે સાંજે અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. શહેરના એસજી હાઈવે પર ધોધમાર વરસાદના કારણે લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે ત્યાં જ શહેરના વિવાધ વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
આજે સાંજે 6 વાગ્યા બાદ અમદાવાદ શહેરના માથે કાળાડિબાંગ વાદળો આવ્યા બાદ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. હાલમાં શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં બોપલ, વસ્ત્રાપુર, બોડકદેવ, ચાંદખેડા, નારણપુરા, જશોદાનગર, ઇસ્કોન, પ્રહલાદનગર, ઘુમા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ત્યાં જ મણિનગર, નારોલ, નરોડા, નિકોલમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા આગામી 10 વાગ્યા સુધી માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ખેડા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહિસાગર, ભરૂચ, છોટા ઉદેપુર, સાબરકાંઠામાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
જ્યારે કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, રાજકોટ, અમરેલી, નર્મદા, સુરતમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ પણ વાંચો: સુરતમાં લાવારિસ બેગમાં મળ્યો મહિલાનો મૃતદેહ, બંને પગ દોરડાથી બાંધેલા, હાથમાં S નામનું ટેટૂ અને…





