Gujarat Rainfall: ગુજરાતમાં આજે અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. અહીંની નદીઓ બંને કાઠે વહી રહી છે. ત્યાં જ મહુવાનું તલગાજરડા સંપર્કવિહોણું બન્યું હતું. ગામમાં કેડ સમા પાણી ભરાયાં હતા. તેમજ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
બીજી તરફ ભાવનગરના જેસરમાં સૌથી વધુ સવા 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત આજે સાંજે અમદાવાદમાં પણ મેઘરાજા કડાકાભડાકા સાથે વરસી રહ્યા છે. અમદાવાદ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો છે.

હવામાન વિભાગની મોટી આગાહી
હવામાન વિભાગે આગામી 3 દિવસમાં રાજ્યના કેટલાક ભાગોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પવન ફૂંકાવા સાથે મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના જિલ્લા કલેક્ટરોને મુખ્યમંત્રીએનો આદેશ
રાજ્ય સરકારે હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાને લેતા નાગરિકોના જાનમાલની રક્ષા અંગે પગલાં લેવા અંગેની જરૂરી સૂચના જિલ્લા કલેક્ટર્સને આપી છે.
આ પણ વાંચો: આ પહેલવાને WWE છોડીને આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો, હવે પ્રેમાનંદ મહારાજની શરણમાં ‘વીર મહાન’
હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી લોકોનું સલામત સ્થાને સ્થળાંતર કરવા અને ભરાયેલા પાણીના ઝડપી નિકાલ તેમજ વીજ અને ખાદ્ય પુરવઠો, આરોગ્ય અને જીવનરક્ષક દવાઓ સહિતની બાબતોમાં પૂરી સતર્કતા અને અગમચેતી સાથે સજ્જ રહેવા જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે.
સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને ભારે વરસાદમાં રાખવાની સાવધાની, તેમજ નદી-નાળા-વહેતા પાણીમાંથી પસાર ન થવા અંગેની સૂચનાઓ આપવામાં આવતી રહે તેવી તાકીદ પણ કલેક્ટર્સને કરી છે.





