Gujarat Weather Update: હાલમાં ગુજરાતમાં બેવડા હવામાનનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન વાતાવરણ ગરમ રહે છે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે. રાજ્યના બે હવામાનશાસ્ત્રીઓએ આગામી દિવસો માટે હવામાનની આગાહી કરી છે. હવામાનશાસ્ત્રીઓ પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ અને કરા પડવાની શક્યતા છે, જ્યારે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, 28 જાન્યુઆરીથી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય થયો છે, જેની અસર ગુજરાતમાં થવાને કારણે 30 અને 31 જાન્યુઆરીએ હવામાનમાં ફેરફાર થઈ શકે છે. આ ઉપરાંત ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં એટલે કે 2, 3 અને 4 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના વિવિધ ભાગોમાં વાવાઝોડાની શક્યતા છે. આ સમય દરમિયાન પવનના તોફાનને કારણે પવનની ગતિ પણ વધુ હોઈ શકે છે. હવામાનમાં અચાનક ફેરફાર થશે અને ધુમ્મસ પણ પડી શકે છે.
કેટલાક વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા
આગામી 2, 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઉત્તર જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા, પંચમહાલ અને સૌરાષ્ટ્રના ભાવનગર, ખંભાત, વિરમગામ જિલ્લાના કેટલાક ભાગોમાં વીજળી સાથે વાવાઝોડાની શક્યતા છે.
આ પણ વાંચો: ગુજરાતમાંથી ઠંડીના વળતા પાણી? બે દિવસમાં નલિયામાં 8 ડિગ્રી તાપમાન વધી 14 ડિગ્રીએ પહોંચ્યું
હવામાન વિભાગના નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા હોવાથી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વરસાદની શક્યતા હોવાથી આગામી સપ્તાહે રાજ્યમાં હવામાન બદલાશે. ઘણા વિસ્તારોમાં ઝરમર વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર એ પણ આગામી 7 દિવસને લઈને આગાહી કરી છે. જેમાં આગામી 2 અને 3 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં આગામી 2 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કમોસમી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 3 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર સહિત ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ માવઠાની હવામાન વિભાગની આગાહી છે.