કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે સવારે ખેરાલુ ખાતે ચૂંટણી સભામાં કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા. પ્રજાને રમખાણો અને અશાંતિમાં મુકનાર કોંગ્રેસીયા લાજવાને બદલે ગાજી રહ્યાનો આક્રોશ ઠાલવ્યો. રાહુલ ગાંધી સામે નિશાન તાકતાં અમિત શાહે કહ્યું કે, ગુજરાતની જનતાને વર્ષો સુધી નર્મદાના નીરથી વંચિત રાખનાર મેઘા પાટકરને સાથે રાખી રાહુલ બાબા ભારત જોડોની યાત્રા કરી રહ્યા છે. વધુમાં તેમણે અયોધ્યા મંદિર અને વર્ષ 2024 ચૂંટણી અંગે પણ મોટી વાત કરી.
ઋષિઓ, વિચારકોની ઉત્તર ગુજરાતની ભૂમિને પ્રણામ કરતાં અમિત શાહે કહ્યું કે, 5મીએ તમારે સૌએ મતદાન કરવાનું છે. તમારો એક મત આવનારા પાંચ વર્ષ માટે સમગ્ર ગુજરાત અને ભારતના ભવિષ્યનો નિર્ણય કરનારો છે. મત આપતી વખતે એવું ન વિચારતા કે તમારા આ મતથી સરદારભાઇ ધારાસભ્ય બનશે અને ભૂપેન્દ્રભાઇ મુખ્યમંત્રી બનશે. એ તો બનવાના જ છે. પરંતુ તમારો આ મત આગામી 2024 ની ચૂંટણીમાં નરેન્દ્ર ભાઇ મોદીને વડાપ્રધાન બનાવવા માટે પણ કામમાં આવવાનો છે.
કોંગ્રેસ સામે પ્રહાર કરતાં અમિત શાહે કહ્યું કે, ચૂંટણીમાં બે બાજુ બે પાર્ટીઓ સ્પષ્ટ રૂપે ઉપસીને આવી છે. એક કોંગ્રેસ અને બીજી ભાજપ. ગુજરાતે બંને પાર્ટીઓનું રાજ જોયું છે. કોંગ્રેસે આઝાદીથી 1990 સુધી કોંગ્રેસનું રાજ રહ્યું. 1995થી ભાજપ આવ્યું. 2001થી નરેન્દ્રભાઇ મુખ્યમંત્રી બન્યા. આપણે બધાએ જોયું છે કે ઉત્તર ગુજરાતનો 40 ટકા ભાગ ડાર્ક ઝોનમાં હતો. ફ્લોરાઇડ વાળા પાણી હતી. જો ઉત્તર ગુજરાતે પરિવર્તન ન કર્યું હોત અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ન બનાવી હોત તો આજે ઉત્તર ગુજરાત રણમાં ફેરવાઇ ગયું હતું.
ભાજપની સરકાર આવી, નરેન્દ્રભાઇ મુખ્યમંત્રી બન્યા અને ખોરંભે ચડેલી નર્મદા યોજનાને પૂર્ણ કરાવી. 1963થી નર્મદાનું ભૂમિ પૂજન થયું હતું. પરંતુ કોર્ટ કચેરીમાં અટવાયેલું રહ્યું. નરેન્દ્રભાઇ મુખ્યમંત્રી બન્યા અને 2004માં ચૂકાદો આવ્યો. પરંતુ 2005માં ઉંચાઇ વધારવા માટે પણ કોંગ્રેસી સરકાર નખરા કરતી હતી. જોકે મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ ઉપવાસ પર ઉતર્યા અને મનમોહનસિહની સરકારે ઘૂંટણિયે પડી અને નર્મદા ડેમની ઉંચાઇનો ઉકેલ આવ્યો.
આ પણ વાંચો – અરવિંદ કેજરીવાલ સુરતમાં : કહ્યું – ‘મોંઘવારી અને બેરોજગારીમાંથી આપીશું રાહત’
કોંગ્રેસ સામે હિન્દુત્વ મુદ્દે નિશાન તાકતાં કહ્યું કે, કોંગ્રેસ હંમેશાથી કહેતું આવ્યું છે કે, ભાજપ કહે છે કે રામ મંદિર વહીં બનાયેગે પરંતુ તારીખ જણાવતા નથી. પરંતુ મારે એમને કહેવું છે કે, અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિર બનશે. તમારે લખવું હોય તો તારીખ નોંધી લેજો આગામી 1લી જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યા ખાતે ગગનચૂંબી રામ મંદિર તૈયાર હશે.