ભુજ શહેરમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં સોશિયલ મીડિયામાં માત્ર બ્લોક કરવાથી એક 22 વર્ષીય યુવતીની હત્યા કરી દેવામાં આવી છે. હત્યા કરનાર આરોપી યુવતીનો પાડોશી હતો. જોકે પોલીસે મોડીરાત્રે આરોપીને ઝડપી પાડ્યો છે. ઘટનાને પગલે સમગ્ર કચ્છ જિલ્લામાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ત્યાં જ આ ઘટનાએ ગ્રીષ્મા હત્યાકાંડની કડવી યાદો તાજા કરી દીધી છે.
ભૂજ શહેરમાં એક 22 વર્ષીય કોલેજિયન યુવતી જે બીસીએનો અભ્યાસ કરતી હતી તેની હત્યા કરવામાં આવી છે. પાડોશી યુવકે જ સોશિયલ મીડિયામાં બ્લોક કરવા મામલે ગઈકાલે છરી વડે ગળું કાપી નાખ્યું હતું, જેથી તે યુવતીનું આજે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજ શહેરની ભાગોળે આવેલા એરપોર્ટ રિંગ રોડ નજીક સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના સંકુલ બહાર સાક્ષી ખાનિયા નામની યુવતી હોસ્ટેલ જવા નીકળી હતી. એ દરમિયાન ગાંધીધામના શખ્સ મોહિત મૂળજી સિદ્ધપરા તેના મિત્ર સાથે બાઇક પર પહોંચ્યો હતો અને યુવતીને મળ્યો હતો, જ્યાં તેણે યુવતીને કહ્યું હતું કે, “તે મને શું કામ બ્લોક કરી દીધો છે”, જેના પ્રત્યુત્તરમાં યુવતીએ કહ્યું હતું કે, “મારે તારી સાથે કોઈ સંબંધ રાખવો નથી”. આમ સાંભળતાં જ યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલી છરો કાઢી યુવતીના ગળા ઉપર મારી દીધો હતો.
આ પણ વાંચો: અમેરિકાના 50% ટેરિફની સીધી અસર હવે સુરતના હીરા અને કાપડ ઉદ્યોગ પર, લાખો લોકોની નોકરીઓ પર ખતરો
આ ઘટના દરમિયાન યુવતી સાથે એક યુવક પણ ઉભો હતો, જેણે યુવતીની મદદ કરવા માટે આગળ આવ્યો હતો પરંતુ આરોપીએ તેના પર પણ હુમલો કર્યો હતો. જેમાં તે યુવક પણ ઘાયલ થયો હતો. આ હુમલા બાદ આરોપી મોહિત મૂળજી સિદ્ધપરા ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે આ ઘટના બાદ બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ ગત મોડી રાત્રે યુવતીનું મોત નિપજ્યું હતું.
ત્યાં જ હુમલાના બનાવમાં હવે ભુજ એ ડિવિઝન પોલીસે હત્યાના ગુના હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને હુમલો કરનાર આરોપીને પોલીસે ભુજ વિસ્તારમાંથી જ મોડીરાત્રે ઝડપી લીધો હતો. આરોપી સામે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.





