Fake court and fake judge in Gandhinagar : ગુજરાતના ઘણા જિલ્લાઓ અને શહેરોમાં નકલી પોલીસ જોઈ, સરકારી કાર્યાલયોની બહાર નકલી અધિકારીઓ પણ જોયા, CMO નકલી અધિકારી, PMO નકલી અધિકારી, નકલી નેવી ઓફિસરથી લઈ નકલી પાયલટ પણ જોયા અને નકલી ટોલનાકું પણ જોઈ નાંખ્યું પરંતુ હવે તો હદ થઈ ગઈ. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક નકલી કોર્ટ અને નકલી જજ પકડાયો છે. રાજ્યમાં જાણે લેભાગુ તત્વોને કાયદાનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ નકલી-નકલીનો રાફડો ફાટી નિકળ્યો છે. સામાન્ય માણસ આ લેભાગુ અને બનાવટી અધિકારીઓના કાળા કામનો ભોગ બની રહ્યા છે અને તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
આપણે અવારનવાર સાંભળ્યું હશે કે શહેરના ફલાણા વિસ્તારમાં નકલી પોલીસ પકડાઈ પરંતુ નકલી કોર્ટ હોવાની વાત માનવામાં આવે તેવી નથી પરંતુ આ વાત ગાંધીનગરમાં સાચી સાબિત થઈ છે. ગુજરાતના પાટનગરમાં એક વ્યક્તિ પોતે જજ બનીને પોતાની કોર્ટ ચલાવતો હતો અને આ કોર્ટમાં તે પોતાની મરજી પ્રમાણે ચુકાદા પણ આપતો હતો. આરોપી સૈમુઅલ ક્રિશ્ચિયન આશરે પાંચ જેટલા વર્ષથી ગાંધીનગરમાં પોતાની કોર્ટ ચલાવતો હતો પરંતુ કોઈને તેના વિશે જાણ ન થઈ તે પણ એક આશ્ચર્યનજક વાત છે.
પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ કથિત રીતે ગાંધીનગરમાં તેની ઓફિસમાં નકલી કોર્ટ બનાવીને બેઠો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આરોપીનું નામ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન છે. વર્ષ 2019માં તેણે સરકારી જમીન સંબંધિત કેસમાં તેના ગ્રાહકોની તરફેણમાં ઓર્ડર પસાર કર્યો હતો. પોલીસે જણાવ્યું કે આ નકલી કોર્ટ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી હતી.
આ પણ વાંચો: BSNL નો નવો અવતાર! 7 નવી સર્વિસ લોન્ચ કરતા કંપનીએ કહ્યું, ‘ભવિષ્યમાં ટૈરિફ પ્લાનમાં પણ કોઈ વધારો નહીં થાય’
જમીનના વિવાદોને ઉકેલતો હતો
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન એવા લોકોને ફસાવતો હતો જેમના જમીન વિવાદના કેસ સિટી સિવિલ કોર્ટમાં પેન્ડિંગ હતા. પોલીસે સોમવારે જણાવ્યું હતું કે તે તેના ગ્રાહકો પાસેથી તેમના કેસ ઉકેલવા માટે ફી તરીકે ચોક્કસ રકમ વસૂલતો હતો.
જજની ખુરશીમાં બેસીને પોતાના ઈચ્છિત નિર્ણયો આપતો
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ક્રિશ્ચિયન અગાઉ પોતાને કોર્ટ દ્વારા નિયુક્ત સત્તાવાર મધ્યસ્થી તરીકે સ્થાપિત કરતો હતો. તે પોતાના ગ્રાહકોને કોર્ટની જેમ બનેલી ગાંધીનગર સ્થિત ઓફિસમાં બોલાવતો હતો. તે પોતે જજની ખુરશીમાં બેસીને તેમની તરફેણમાં ઈચ્છિત નિર્ણયો આપતો હતો.
તેના દોસ્તો આ નકલી કોર્ટમાં વકીલ બનતા
પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે તેના સહયોગીઓ અથવા મિત્રો, કોર્ટના કર્મચારી અથવા વકીલો તરીકે રજૂ કરીને લોકોમાં એવી છાપ ઊભી કરી હતી કે કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. તે એકદમ સાચો છે. જજ દ્વારા આપવામાં આવેલા નિર્ણયોને સ્વીકારવા પડશે.