અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 માર્ચથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાશે. આ ટેસ્ટ મેચ ઘણી ખાસ બની રહેશે, કારણ કે ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આ મેચ દરમિયાન ઉપસ્થિત રહેવાના છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રે્લિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ અમદાવાદ આવી પહોંચ્યા છે.
મોટેરા સ્ટેડિયમની બહાર પીએમ મોદી-એન્થોનીના વિશાળ કદના પોસ્ટર
મોટેરા સ્ટેડિયમના વીઆઇપી એન્ટ્રેસ ગેટની બહાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝના વિશાળ કદના પોસ્ટર નજરે પડે છે. રમતગમતના મેદાન પર રાજકારણની રણનીતિ ઘડાશે. રાજકીય દ્રષ્ટિએ આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ રહેવાની ધારણા સેવાઇ રહી છે.
મેટ્રો ટાઇમમાં ફેરફાર
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ટેસ્ટ મેચને લઇને મેટ્રોના ટાઇમ અને ફીકવન્સીમાં ફેરફાર કરાયો છે. 9 માર્ચે મેટ્રો ટ્રેન સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી દોડશે. સાથે 12 મિનિટની ફિકવન્સી સેટ કરવામાં આવી છે. એટલે કે દર 12 મિનિટે મેટ્રો મળશે. આ સિવાય 10 થી 13 માર્ચ દરમિયાન મેટ્રોનો ટાઇમ સવારે 7 થી રાતના 10 વાગ્યા સુધીનો રહેશે.
પ્રથમ દિવસે ટેસ્ટ મેચ શરુ થતા પહેલા પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી બન્ને ટીમોના ખેલાડીઓને મળશે. અહીં બન્ને પ્રધાનમંત્રી લગભગ 2 કલાક રોકાશે. મેચ દરમિયાન તેઓ કોમેન્ટરી કરે એવી પણ શક્યતા છે.
આ પણ વાંચો – PM મોદી અને એન્થોની અલ્બેનીઝની ક્રિકેટ ડિપ્લોમેસી માટે સજ્જ, શું મેદાનમાં પ્રેક્ષકોની હાજરીનો રેકોર્ડ તૂટશે?
ક્રિકેટના મેદાનમાં સૌથી વધુ પ્રેક્ષકોનો રેકોર્ડ બનશે?
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. જો 9 માર્ચના રોજ સ્ટેડિયમમાં પ્રેક્ષકોની સંખ્યા 1 લાખને વટાવી જાય તો ટેસ્ટ મેચમાં સૌથી વધુ પ્રેક્ષકોની હાજરીનો નવો વર્લ્ડ રેકોર્ડ બનશે. અગાઉ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2013-14ની એશિઝ શ્રેણીમાં 91,112 પ્રેક્ષકોનો રેકોર્ડ બન્યો હતો. ભારતમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ છે, હવે એ જોવાનું રહેશે કે 9 માર્ચે નવો રેકોર્ડ બને છે કે નહીં.
ભારત શ્રેણીમાં 2-1થી આગળ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચાર ટેસ્ટ મેચમાં ભારત 2-1થી આગળ છે. પ્રથમ અને બીજી ટેસ્ટમાં ભારતે વિજય મેળવ્યો હતો. જ્યારે ત્રીજી ટેસ્ટમાં ભારતનો પરાજય થયો હતો.