(સંદીપ દ્વિવેદી) અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. તેના બે કારણ છે – પ્રથમ આ મેદાનમાં 9 માર્ચે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ મેચ ખેલાશે અને બીજુ મહત્વપૂર્ણ કારણ છે કે આ બંને ક્રિકેટ ટીમના વડાપ્રધાન આ મેચ દરમિયાન હાજર રહેશે. સરળ શબ્દોમાં કહીયે તો રમતગમતના મેદાન પર રાજકારણની રણનીતિ ઘડાશે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ભારત પ્રવાસે
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ 8 માર્ચના રોજ તેમની ચાર દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે. જેમાં તેઓ સૌ પ્રથમ 8 માર્ચે અમદાવાદ આવશે. 9 માર્ચે મોટેરા સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ભારત-ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ મેચ નીહાળશે.
મોટેરા સ્ટેડિયમની બહાર મોદી-એન્થોનીના વિશાળ કદના પોસ્ટર
મોટેરા સ્ટેડિયમના વીઆઇપી એન્ટ્રેસ ગેટની બહાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝના વિશાળ કદના પોસ્ટર નજરે પડે છે. નોંધનીય છે કે, અમદાવાદ સ્થિત આ સ્ટેડિયમમાં 9 માર્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ રમાશે, તે જોવા માટે આ બંને વડાપ્રધાનો હાજર રહેશે, જે રાજકીય દ્રષ્ટિએ ઘણું મહત્વપૂર્ણ રહેવાની ધારણા સેવાઇ રહી છે.
આ કાર્યક્રમમાં અત્યંત વ્યસ્ત સ્થાનિક ક્રિકેટ અધિકારી તેમના સતત રણકી રહેલા મોબાઇલ ફોનની અવગણના કરતા કહે છે કે, ઇન્ટરનેશનલ મેચ યુદ્ધના ધોરમે તૈયારીઓ ચાલી રહી છે અને હવે તેઓ બંને દેશોની પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ તરફથી ગુરવારના કાર્યક્રમ અંગેના આદેશની રાહ જોઇ રહ્યા છે.

અધિકારી કહે છે કે,“અમને આજે સાંજે પીએમના પ્રોટોકોલ વિશે જાણ કરવામાં આવશે અને તેનાથી આગામી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. સમગ્ર દુનિયામાં આ પ્રકારની એક અનોખી ઘટના છે. તમે બે દેશોના વડાપ્રધાનોએ તેમના દેશની ક્રિકેટ ટીમની લાઇવ મેચ એક સાથે બેસીને જોઇ હોય તેવું ક્યારે સાંભળ્યું છે? અમારી તરફથી અમે ખાતરી કરવા માંગીએ છીએ કે, તે દિવસે મેચ દરમિયાન સ્ટેડિયમ સંપૂર્ણપણે ભરેલું હોય.”
જો કે, ક્રિકેટ ડિપ્લોમેસી એ સામાન્ય મુદ્દો નથી. ભારત અને પાકિસ્તાન વડાપ્રધાનો પણ ઘણા વર્ષોથી રાજકીય નિવેદનો આપવા માટે ક્રિકેટ મેચનો સહારો લેવો પડ્યો છે.
9 માર્ચની મેચની ટિકિટની કિંમત કેટલી છે?
એક અધિકારીએ જણાવ્યું કે, ‘ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ મેચની ટિકિટની કિંમત અસાધારણ રીતે ઓછી – લગભગ 90 ટકા સસ્તી, 200 રૂપિયા અને 300 રૂપિયા છે. અમે અપેક્ષા રાખીયે છીએ કે તે દિવસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તેની 1,32,000 લાખ પ્રેક્ષકોની પૂર્ણ ક્ષમતાથી ભરેલો હશે. આજે અમે ટિકિટના વેચાણની જાણકારી મેળવીશું અને ન વેચાયેલી ટિકિટ કોર્પોરેટ્સ અને શાળાના વિદ્યાર્થીઓને વહેંચીશું.’
જો કે સૌથી મોટી સમસ્યા એ છે કે, હાલ શાળામાં પરીક્ષાના દિવસો ચાલી રહ્યા છે.

ટિકિટ વિતરણમાં રોકાયેલા લોકોએ રસપ્રદ આંકડા શેર કરતા જણાવ્યું કે, “અમે અત્યાર સુધીમાં 75,000 સસ્તી ટિકિટો વેચી દીધી છે અને હવે વધારે ટિકિટ ઉપલબ્ધ હશે તેવી શક્યતા દેખાતી નથી. તમારે સમજવાની જરૂર છે કે બે વડાપ્રધાન અહીં હોવાથી ટિકિટનું સંપૂર્ણ સમીકરણ બદલાઇ ગયું છે. સામાન્ય રીતે મેચ વખતે સ્ટેડિયમનો કુલ સ્ટાફ 4,000 રહેતો હોય છે, તેમાં ટિકિટ વિક્રેતાઓ, સિક્યોરિટી અને અન્ય અધિકારીઓના દરેકનો સમાવેશ થાય છે. જો કે બે વડાપ્રધાન આવવાની ઘોષણા કરાઇ ત્યારબાદ સ્ટાફની સંખ્યા વધીને 14,000 થઈ ગઈ છે.
ક્રિકેટના મેદાનમાં સૌથી વધુ પ્રેક્ષકોનો રેકોર્ડ બનશે?
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. જો 9 માર્ચના રોજ સ્ટેડિયમમાં પ્રેક્ષકોની સંખ્યા 1 લાખને વટાવી જાય તો તે વન-ડે ટેસ્ટ મેચમાં સૌથી વધુ પ્રેક્ષકોની હાજરીનો નવો વર્લ્ડ રેકોર્ડ બનશે. અગાઉ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2013-14ની એશિઝ રમતમાં 91,112 પ્રેક્ષકોનો રેકોર્ડ બન્યો હતો. ભારતમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ છે, હવે એ જોવાનું રહ્યું કે, 9 માર્ચે નવો રેકોર્ડ બને છે કે નહીં.