ગુજરાત જાહેર સેવા કમિશન (જીપીએસસી)ના નવા અધ્યક્ષ તરીકે આઈપીએસ અધિકારી હસમુખ પટેલની નિમણુક કરવામાં આવી છે. આ અંગે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આદેશ જાહેર કરાયો છે. જે બાદ આગામી સમયમાં આઈપીએસ હસમુખ પટેલ જીપીએસસીના અધ્યક્ષ તરીકે કાર્યભાળ સંભાળશે.
ગુજરાત સરકારે કરેલા આદેશ પ્રમાણે હસમુખ પટેલ ગુજરાત જાહેર સેવા કમિશન (GPSC)ના નવા અધ્યક્ષ તરીકે કામગીરી કરશે. તમને જણાવી દઈએ કે, પેપર ફુટવાની ઘટનાઓ બાદ હસમુખ પટેલના દિશાનિર્દેશ અંતર્ગત અનેક પરીક્ષાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. જેથી આગામી સમયમાં સરકારી ભરતી પ્રક્રિયાને નવી દિશ મળશે તેવી આશા છે.

તમને જણાવી દઈએ કે, વર્ષ 2016 થી 2022 સુધી GPSCના અધ્યક્ષ તરીકે દિનેશ દાસાએ કાર્યભાર સંભાળ્યો હતો.જોકે તેમની નિવૃત્તિ બાદ આ પદ ખાલી હતું. જે બાદ આ પદનો હવાલો નલિન ઉપાધ્યયને આપવામાં આવ્યો હતો. ત્યાં જ ગુજરાત જાહેર સેવા કમિશનના નવા અધ્યક્ષ તરીકે આઈપીએસ અધિકારી હસમુખ પટેલની નિમણુક થતા દિનેશ દાસાએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, તમને વિઝન અને સમર્પણ સાથે જીપીએસસીને અગ્રેસર કરવામાં સફળતા મળે તેવા અભિનંદન. તમારી આ નવી ભૂમિકા રાજ્યમાં જાહેર સેવામાં વધુ શ્રેષ્ઠતા લાવશે.





